નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રના નવમા દિવસે કરવામાં આવે છે. દેવ, યક્ષ, કિન્નર, દાનવ, ઋષિ-મુનિ, સાધક અને ગૃહસ્થ આશ્રમમાં જીવનયાપન કરનારા ભક્ત સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. તેનાથી તેમને યશ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિદાત્રી દેવી એ તમામ ભક્તોને મહાવિદ્યાઓની અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે, જે શુદ્ધ અને સાચા મનથી તેમની આરાધના કરે છે.
એવી માન્યતા કરે છે કે, તમામ દેવી-દેવતાઓને પણ મા સિદ્ધિદાત્રીથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર ધારણ કર્યાં છે. સિદ્ધિદાત્રી મા સરસ્વતીનું પણ સ્વરૂપ છે, જે શ્વેત વસ્ત્રાલંકારથી યુક્ત મહાજ્ઞાન અને મધુર સ્વરથી પોતાના ભક્તોને સમ્મોહિત કરે છે.
આ મંત્રથી કરો માતાજીનું પૂજન :
સિદ્ધગંધર્વ યક્ષા ઘૈરસુરૈરમરૈરપિ ।
સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની ।।
નવમા દિવસે સિદ્ધિદાત્રીને ફળ, હલવો, પૂરી, કાળા ચણા અને નારિયેળનો ભોગ ધરાવવામાં આવે છે. જે ભક્ત નવરાત્રીનું વ્રત કરી નવમા પૂજન સાથે સમાપાન કરે છે, તેમને આ સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ હોય છે.
આ દિવસે દુર્ગાસપ્તશતીના નવમા અધ્યાયથી માતાનું પૂજન કરો. નવરાત્રમાં આ દિવસે દેવી સહિત તેમનાં વાહન, સાયુજ એટલે કે હથિયાર, યોગનીઓ અને અન્ય દેવીદેવતાઓનાં નામથી હવન કરવાનું વિધાન છે. તેનાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતાજીની પૂજા બાદ કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. તેમને માતાના પ્રસાદની સાથે દક્ષિણા આપવામાં આવે છે અને ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેવામાં આવે છે. આઠ દિવસ વ્રત, નવમી પૂજા અને કન્યાઓને ભોજન કરાવ્યા બાદ માતાજીને વિદાય આપવામાં આવે છે.