આ વર્ષે વાઈલ્ડ લાઈફ ડેની થીમ ‘બીગ કેટ’નું રક્ષણ
મુખ્યમંત્રી રૂપાણી, મંત્રી ગણપત વસાવા તેમજ મંત્રી રમણ પાટકર સહિતના હાજર
સાસણ ગીરમાં આજે તા.૩ માર્ચના રોજ રાજયકક્ષાએ વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમારંભનું કેન્દ્રીય વનમંત્રી ડો.હર્ષવર્ધન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા છે.
વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી દર વર્ષે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વખતની થીમ ‘બીગ કેટ: પ્રેડેટર અન્ડર થ્રીટ’ રાખવામાં આવી છે. આ થીમ સિંહ, દિપડા, ચિતા અને વાઘ સહિતના રાની પશુઓ સામે તોળાતા ખતરા આધારીત છે. હાલ વન વિસ્તાર ઘટતા પશુઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે.
ભૌગોલિક આંકડા પ્રમાણે દેશમાં ૪% ભુગોળીય હિસ્સો વાઈલ્ડલાઈફના રક્ષણ માટે અનામત ફાળવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તર સામે ગુજરાત આ મામલે બે ગણો એટલે કે ૮.૮ ટકા ભૌગોલિક હિસ્સો વાઈલ્ડલાઈફના નિભાવ માટે ફાળવે છે. રાજયમાં ૪ નેશનલ પાર્ક, ૨૩ વાઈલ્ડ લાઈફ અભ્યારણ્ય તેમજ ક્ધઝર્વેશન અલાયદા ફાળવવામાં આવ્યા છે. આ તમામનો કુલ ભૌગોલિક વિસ્તાર ૧૭,૩૩૦ સ્કેવર કિલોમીટર જેટલો છે. સરકાર વાઈલ્ડ લાઈફના સંરક્ષણ અને સંબોધન માટે દર વર્ષે મસમોટુ ભંડોળ પણ ફાળવે છે.
આંકડા અનુસાર રાજયમાં પક્ષીઓની ૫૧૩ જાત જોવા મળે છે. આ ઉપરાંત સરીસૃપ તેમજ ઉભયજીવી પ્રાણીઓની ૧૧૧ જાત છે. રાજયમાં ૭ હજારથી વધુ જાતની જીવાત-જંતુ જોવા મળે છે. આજે વિશ્ર્વ વાઈલ્ડ લાઈફ ડે નિમિતે રાજયકક્ષાની ઉજવણી સાસણમાં કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય વનમંત્રી ડો.હર્ષવર્ધન ખાસ ઉપસ્થિત રહ્યા છે. ઉપરાંત ગણપત વસાવા, મંત્રી રમણભાઈ પાટકર તેમજ વનતંત્રના વિવિધ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિતનાઓએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી છે.