આ વર્ષની થીમ વોન્ટેડ: લીડર્સ ફોર એ ટીબી ફ્રી વર્લ્ડ
આજે વર્લ્ડ ટીબી ડે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઉભી કરવાનો તેમજ તેની સામે લડી રહેલા અગણિત આરોગ્ય કાર્યકરોના જોમ અને જુસ્સો વધારવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે. ટીબીના જંતુઓની શોધ કરનાર ડો.રોબર્ટ કોક નામના મહાન વૈજ્ઞાનિકનો ૧૩૬મો જન્મદિવસ હોવાના કારણે તેમને અંજલી અર્પવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને ઈન્ટરનેશનલ યુનિયન અગેઈન્સ્ટ ટયુબકર્યુલોસિસ એન્ડ લંગ ડીસીસ દ્વારા આ દિવસને ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે. ટીબી એટલે કે ક્ષય રોગ દુનિયાભરમાં સૌથી વધુ જીવલેણ ગણવામાં આવે છે. ઈન્ફેકશનજન્ય રોગોમાં સૌથી વધુ ફેલાયેલ આ રોગ છે. વિશ્ર્વના વૈજ્ઞાનિકો, તબીબો, આરોગ્ય કાર્યકરો અને જાહેર આરોગ્યના ક્ષેત્રના તજજ્ઞોના અવિરત પ્રયાસો છતા આ રોગને નાબુદ તો શું નોંધપાત્ર રીતે ઘટાડી પણ શકયા નથી. આજે વર્લ્ડ ટીબી ડે છે. વર્લ્ડ ટીબી ડે નિમિતે દર વર્ષની એક થીમ હોય છે. આ વર્ષની થીમ ‘વોન્ટેડ:લીડર્સ ફોર એ ટીબી ફ્રી વર્લ્ડ’ એ છે.
ડો.ચૌધરીએ આ સંદર્ભમાં જણાવેલ હતું કે સામાન્ય માન્યતા એવી છે કે ટીબી માત્ર ફેફસામાં જ થાય છે પરંતુ ટીબી શરીરના ઘણા બધા અંગોમાં થઈ શકે છે. જેમાં આંતરડા, મગજ, હાડકા, આંખ, ચામડી, લીવર કે સ્ત્રી પુરુષના જનનાંગોમાં પણ ટીબી થઈ શકે છે. ટીબીનો રોગ બેકટેરીયાના ચેપને કારણે થાય છે તેમજ હવા દ્વારા ફેલાય છે. ટીબીના દર્દીના ખાસવાથી, છીંક ખાવાથી, ગળફો થુકવાથી આ બેકટેરીયા હવા મારફતે ફેલાઈને ચેપ લાગી શકે છે. એક અંદાજ પ્રમાણે વિશ્ર્વના સો દેશોમાં પાંચ લાખથી વધુ દર્દીઓને એમડીઆર ટીબી કે એકસડીઆર ટીબીના રોગીઓ નોંધાયેલા છે. એમડીઆર ટીબીની સારવાર સામાન્ય ટીબીની સારવાર કરતા ઘણી જ લાંબી ચાલે છે. ફેફસાના ટીબીનું નિદાન છાતીનો એકસરે અને ગળફાની તપાસ દ્વારા થઈ શકે છે. આ નિદાન કરવુ સરળ છે છતાં પણ ઘણા બધા દર્દીઓના કફમાં ટીબીના જીવાણુઓ પકડી શકાતા નથી. ફેફસા સિવાય ટીબી ગળા અને બગલમાં થતી ગાંઠમાં પણ થઈ શકે છે. ૭૨% દર્દીને ફેફસાનો ટીબી થતો હોય છે. વિશ્ર્વમાં દરરોજ ૪૫૦૦ વ્યકિતઓ ટીબીના કારણે મૃત્યુ પામે છે. વિશ્ર્વમાં દર વર્ષે ૨૦ લાખથી વધુ લોકો ટીબીનો ભોગ બને છે.
ટીબીના લક્ષણો:- લાંબા સમય સુધી ખાંસી, ખાંસીમાં કફ નીકળવો, કફમાં લોહી નીકળવું, ઉંડો શ્ર્વાસ લેવામાં તકલીફ થવી, કમરના હાડકામાં સોજો રહેવો, કમર, ઘુંટણ, પેટ, માથુ અને પગમાં દુખાવો થવો. શરીરના કોઈપણ ભાગમાં ટીબી થવાના કારણે દર્દીને સાંજે તાવ આવે છે, રાત્રે પરસેવો છુટે છે, થાક, વજનમાં ઘટાડો અને પાચનશકિત મંદ પડી જાય છે. ટીબી થવાના કારણોમાં અપુરતો અને અપોષ્ટીક આહાર, સ્વચ્છતાનો અભાવ, ઓછી જગ્યામાં વધુ લોકોનો વસવાટ એટલે કે વસ્તીની ગીચતા, ટીબી થયેલા દર્દીના સંપર્કમાં આવવાથી. ટીબીની અસરવાળા દર્દી ખાંસે, છીંકે, થુંકે ત્યારે સામાન્ય માણસને હવા મારફતે અસર કરે છે. આથી તેનો ફેલાવો ઝડપી અને બહોળા પ્રમાણમાં અસર કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,