શાસક પક્ષના અન્ય નેતાઓ, વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓપણ અગત્યની મીટીંગમાં ઉપસ્થિત રહેશે
૨૦૧૯ની ચૂંટણીને લઈને ભાજપ શાસિત રાજયોનાં મુખ્યમંત્રીઓની મીટીંગ આજે બુધવારે અહી નવી દિલ્હી ખાતે મળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિશેષ રૂપે હાજર રહીને ‘રણનીતિ’ નકકી કરશે.
દેશના તમામ રાજયો સહિત રાજધાની નવી દિલ્હી ખાતે ૨૦૧૯ની ચૂંટણી માટે ધમધમાટ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ભાજપ શાસિત રાજયોમાં વેલફેર સ્કીમોને એપ્લાય કરવામાં કોઈ ‘કચાશ’ ન રહી જાય તે જોવા તાકીદ કરવામાં આવી છે. આ બેઠકમાં વેલફેર સ્કીમોનો લોકોને કેટલો લાભ મળ્યો તેની સમીક્ષા કરાશે ખાસ કરીને મહિલાઓ, આદિવાસી અને દલિતોને વિવિધલક્ષી યોજનાનો લાભ મળવો જ જોઈએ. આ અગત્યની બેઠકમાં મોદી, શાહ, મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રીઓ ઉપરાંત નેતાઓ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પીએમઓ ઓફિશ્યલ્સ વિગેરે હાજરી આપશે. મીટીંગમાં આ સિવાય, કૃષિલક્ષી અને રોજગારીની તકો વિશે પણ ચર્ચા થશે. ટુંકમાં, શાસક પક્ષ ‘શસ્ત્રો સજાવવા’ લાગ્યો છે. તેથી ઈલેકશન સમરાંગણ ભારે રસપ્રદ બનશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.