સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ભવ્ય આતશબાજી સાથે રાવણ-મેઘનાથ-કુંભકર્ણના પૂતળાઓનું દહન
વણજોયા મુહૂર્ત દશેરાએ સગાઈ, શ્રીમત, વાસ્તુ જેવા શુભકાર્યો થશે
આજે નવુ વાહન, સોના-ચાંદી અને મકાનની ખરીદી લાભદાયક
નવરાત્રીનાં સમાપન બાદ આજે દશેરા પર્વ ભાવિકો ઉલ્લાસભેર ઉજવશે નવ-નવ દિવસ સુધી ર્માં નવદુર્ગાની પૂજા-આરાધના કર્યા બાદ દસમા દિવસે વિજયા દશમી મનાવાય છે. કથા પ્રમાણે ર્માં નવદુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્ધ કર્યા બાદ આ રાક્ષસનો વધ કરી વિજય મેળવ્યો હતો. જેથી વિજયાદશમી પણ કહેવાય છે.
સૌરાષ્ટ્રભરમાં આજે ગામડાઓ શહેરોમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવશે. આ સાથે મેઘનાથ-કુંભકર્ણને સળગાવવામાં આવે છે. રાત્રે ભવ્ય આતશબાજી સાથે લોકોને મનોરંજન પૂરૂ પાડવામાં આવે છે.
અસત્ય પર સત્યના વિજય સમાં દશેરા પર્વ એ લોકો ફાફડા-જલેબી, મીઠાઈ ફરસાણ આરોગી પ્રફુલ્લિત થશે. મીઠાઈ ફરસાણની દુકાનોએ અગાઉથીજ મંડપ નાખી દેવાયા છે. દશેરાએ વણજોયું મુહુર્ત હોય આજે મકાન, સોનુ-ચાંદી, નવા વાહનની ખરીદી કરવી શુભ ગણાય છે.
આ ઉપરાંત સગાઈ, વાસ્તુ, શ્રીમંત જેવા સામાજીક તેમજ ધાર્મિક પ્રસંગો યોજાઈ છે આમ, દશેરા પર્વનું ભારતીય સંસ્કૃતિમાં આગવું મહત્વ છે.