ગાંડો બનેલો હાથી બાળકોને મારવા આવતા ઝરૂખામાં બેઠેલી શક્તિદેવીએ હાથ લાંબો કરી બાળકોને ઝાલી લીધા હતા ત્યારથી આખો પથંક ’ઝાલાવાડ’ તરીકે ઓળખાયો
અબતક
સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના પાટડીની ભૂમિ પર હરપાળદેવ અને શક્તિદેવી એ બે મહા શક્તિશાળી આત્માઓનું મિલન થયું હતું. એક દિવસ શક્તિદેવીના ત્રણેય કુંવરો ચોગાનમાં રમતા હતા. ત્યારે રાજ્યમાં એક ગાંડો બનેલો હાથી બાળકોને મારવા ધસી આવ્યો હતો. એ સમયે ઝરૂખામાં બેઠેલી શક્તિદેવીએ સમયસૂચકતા વાપરી ઝરૂખામાં બેઠા-બેઠા હાથ લાંબો કરી બાળકોને ઝાલી લીધા હતા. આ ઐતિહાસીક બનાવ પછી હરપાળદેવ મકવાણાના વંશજો ’ઝાલા’ કહેવાયા અને આખો પથંક ’ઝાલાવાડ’ તરીકે ઓળખાયો હતો. ત્યારે આકાશ સાથે વાતો કરતો અને ઝાલાવંશની 450 વર્ષની અમર કહાનીને જીવંત રાખતો એ ઐતિહાસીક ઝરૂખો આજેય પાટડીના તળાવ કિનારે અડીખમ ઉભો છે. સુવર્ણકાળમાં ઈ.સ.1090માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં ઝાલાવંશની સ્થાપના કરી હતી. શક્તિદેવીથી ત્રણ પુત્રો સોઢોજી (સોડસાલજી), માંગોજી અને શેખોજી (શેખરાજજી) તેમજ ઉમાદેવી નામની પુત્રી જન્મી હતી. એક દિવસ રાજમહેલના ચોગાનમાં આ બાળકો રમતા હતા. એવામાં રાજ્યમાં એક હાથી ગાંડો થયો અને ચોગાનમાં રમતા બાળકોને મારવા માટે તેમની પાછળ ધસમસતો દોડ્યો હતો. શક્તિદેવી ત્યારે રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા. ગાંડા બનેલા હાથીને બાળકો પાછળ દોડતો જોઇ શક્તિદેવીએ ઝરૂખામાં બેઠા બેઠા જ હાથ લાંબો કરી બાળકોને ઝાલી લીધા હતા. આ ઐતિહાસીક બનાવ પછી હરપાળદેવ મકવાણાના વંશજો ’ઝાલા’ કહેવાયા હતા અને સમગ્ર પથંકને ’ઝાલાવાડ’ નામ આપવામાં આવ્યું હતું. આ બનાવમાં એક ગઢવીના બાળકને બચાવી લેવા માટે શક્તિદેવીએ ટપલી મારી ધસમસતા હાથીના માર્ગમાંથી એને ખસેડીને બચાવી લીધો હતો. ત્યારથી આ ગઢવી કુટુંબ ’ટાપરીયા ગઢવી’ તરીકે ઓળખાયું હતું. ઈ.સ.1115માં પાટડી પાસેના શક્તિધામમાં શક્તિદેવીનું સ્વર્ગારોહણ થયું હતું અને ત્યાર પછી રાજા હરપાળદેવે રાજધાની પાટડીથી ધામા ફેરવી હતી. પાટડીની રાજમાતા-શક્તિમાતા અને ઝાલાવંશની 450 વર્ષની અમર કહાનીને જીવંત રાખતો અને હવામાં આકાશ સાથે વાતો કરતો એ ઐતિહાસીક ઝરૂખો આજેય પાટડીના તળાવ કિનારે ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતો અડીખમ ઉભો છે.
પાટડીની ઐતિહાસીક ભૂમી પર શિવ-શક્તિ સ્વરૂપે બે સમોવડીયા આત્મા હરપાળદેવ અને શક્તિદેવીનું અદભૂત મિલન થયું એ મંગલ દિવસે પાટડીમાં સોનાનો સુરજ ઊગ્યો હતો.