શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઊઠી અગિયારસના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે.

પુરાણ ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચૂંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે. કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે.

આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારશથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે. તુલસી વિવાહની આ પદ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે. તુલસી, જેનો સંસ્કૃત અર્થ થાય છે ‘અદ્વિતીય’, તેની સંપૂર્ણ ભારતવર્ષમાં પૂજા કરવામાં આવે છે. તેને મોટે ભાગે વિષ્ણુની પત્નીનાં રૂપે ઓળખાય છે.હિંદુ ધર્મમાં બે પ્રકારની તુલસી પુજાય છે— ”રામ તુલસી” જેને આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે; અને “કૃષ્ણ તુલસી” જેને ઘેરા રંગના પાંદડા આવે છે આ પાંદડા વિષ્ણુની પૂજા માટે મહત્વના છે. ઘણાં હિંદુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે, ક્યારેક ખાસ તુલસી ક્યારીમાં. વિષ્ણુ મંદિરોમાં તુલસી સવિશેષ જોવા મળે છે, અને ઉગાડવામાં આવે છે, વારાણસીમાં તો ખાસ.

તુલસી વિવાહ કેવી રીતે કરશો ?
• ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો.
• પ્રબોધિનિ, ભીષ્મપંચક શાસ્ત્રોક્ત વિવાહ મુહૂર્તમાં મંગળ ગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ મંડપ વગેરેનું નિર્માણ કરો.
• ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુણ્યાહવાચન કરાવો.
• ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોં રાખીને બેસાડવાં.
• ગોધૂલી(સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરવું
• ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરો.
• ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો.
• પછી વસ્ત્ર, ઘરેણાં વગેરે આપો.
• ત્યાર પછી શક્તિ મુજબ બ્રાહ્મણ-ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો.
• છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો.
• ભારતમાં હિંદુ સમાજમાં તુલસી વિવાહ બાદ જ લગ્ન મૌસમ શરૂ થાય છે.
• તુલસી એક સાધારણ છોડ જરૂર છે, પરંતુ ભારતના લોકો માટે તે ગંગા જમના જેવી પવિત્ર છે.
• પૂજા સામગ્રીમાં તુલસી પત્ર જરૂરી સમજવામાં આવે છે. કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં.
• નવમી, દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના છોડને કોઈ બ્રાહ્મણને આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
• સ્નાન કર્યા પછી દરરોજ તુલસીના છોડને પાણી આપવું સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે.
• તુલસીના કારણે આસપાસના વાતાવરણની હવા શુદ્ધ થઈ જાય છે.
• તુલસીના પાનનો અર્ક કેટલીય બીમારી દૂર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.