ચાચરચોકમાં જામશે રાસની રમઝટ; લોકો દુધ-પૌવાનો અમૃત પ્રસાદ આરોગશે
આસો સુદ પુનમને આજે શરદપૂર્ણિમા છે. વર્ષની બાર પૂર્શિમામાંથી શરદ પૂનમનું મહત્વ કંઈક વિશેષ છે. શરદપુનમની રાત્રે ચંદ્રમા અતિ તેજોમય લાગે છે. ચંદ્ર પોતાનું અમૃતરૂપી તત્વ પૃથ્વી પર પાથરે છે. એવું કહેવાય છે કે ચંદ્રની સુંદરતા જોવા દેવતાગણ પણ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. આ રઢીયાળી રાતના દુધ પૌવા ખાવાનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત ઠેર ઠેર રાસોત્સવ પણ યોજાઈ છે.
શરદ પૂર્ણિમા પર એવી માન્યતા પણ છે કે દેવી લક્ષ્મી રાત્રિના પૃથ્વી ભ્રમણ કરવા નીકળે છે અને દરેક ઘરમાં જઈને તપાસે છે કે કોણ કોણ રાત્રે જાગીને પ્રભુ ભજન કરે છે. આથી આ પુનમને કોજાગરી પુનમ પણ કહે છે. શરદપૂર્ણિમાની રાત્રે ખીર બનાવવામાં આવે છે અને આ ખીરને આખી રાત ખૂલ્લા આકાશમાં ચંદ્રના પ્રકાશમાં મુકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદપૂર્ણિમા પર ચંદ્ર અમૃતકિરણો વરસાવે છે અને ખીરમાં અમૃતનો અંશ ભળી જાય છે. આ ખીર આરોગવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ લાભદાયી છે. આ ઉપરાંત આર્થિક સમૃધ્ધિ, સુખ-શાંતિ મેળવવા શરદપૂર્ણિમાની રાત્રે જાગરણ કરવામા આવે છે.
જોકે, ભારતીય સંસ્કૃતિ પરંપરામાં ઉજવાતા તહેવારો, દિશાઓ, ઋતુઓ વગેરેનું આધ્યાત્મિક અને આયુર્વેદ દ્રષ્ટિએ ખૂબજ અનેરૂ મહત્વ રહેલું છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈતો, કહેવાય છેકે ભગવાન કૃષ્ણએ (બાળસ્વરૂપ) ગોકુલ ક્ષેત્રમાં અગીયાર વર્ષ અને બાવન દિવસ લીલાઓ રચી અને મથુરાની વાટ પકડી હતી. પરંતુ અગિયાર વર્ષ તે સમજયા પરંતુ બાવન દિવસની તજજ્ઞો દ્વારા જેગણતરી કરવામાં આવી છે. તેમાં શ્રાવણ વદક આઠમના દિવસે કૃષ્ણજન્મ શ્રાવણ વદ આઠમથી અમાસના 7 દિવસ ભાદરવાના 30 દિવસ ત્યારબાદ આસો સુદ એકમથી પુનમ સુધીના 15 દિવસ આમ ટોટલ કરવામા આવે તો બાવન દિવસ થાય. જેથી એવી પણ માન્યતા છે કે ભગવાન કૃષ્ણએ વૃંદાવનમાં આસો સુદ-પૂર્ણિમાની રાત્રે રચેલો રાસ એજ શરદ પૂર્ણિમા કે જે રાત્રે ચંદ્રમાં સોળે કળાએ ખીલેલો હોય છે.
આયુર્વેદ દ્રષ્ટિએ શરદપૂર્ણિમાનું મહત્વ વિષે અનેક તજજ્ઞો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સમગ્ર બ્રહ્માંડમાં શિતળતા પાથરતો ચંદ્ર શરદ પૂર્ણિમાની રાત્રે એટલે કે વર્ષમાં એ જ દિવસ કે જે શરદ પૂર્ણિમાએ અનેક પ્રકારના તેજસ્વી કિરણો પૃથ્વી પર પાથરે છે. અને ચંદ્રમાં ના આ કિરણો આયુર્વેદ દ્રષ્ટિએ પૃથ્વીના જીવો માટે ઔષધ સમાન છે. જેથી શરદ પૂર્ણિમાની રાત્રે શહેરમાં ઠેર ઠેર ગરબી મંડળો, સંસ્થાઓ દ્વારારાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેથી શરદ પૂર્ણિમાએ ચંદ્રમાના કિરણો અને તેની શિતળ છાંયા લોકો પર પડે જેથી આરોગ્ય પ્રદ રહે તેવી શુભ ભાવના પણ છુપાયેલી છે.
આયુર્વેદની દ્રષ્ટિએ એવું પણ એક તારણ છેકે વિવિધ ઋતુઓમાં માત્ર શરદ ઋતુમાં લોકો દ્વારા આરોગ્ય વિષે જો ધ્યાન રાખવામાં આવે તો આખુ વર્ષ તંદુરસ્તી માણી શકે અને તેમાં પણ શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાના અજવાળે રાખવામાં આવેલ દુધ પૌવા ખીર વગેર રાખી અને આરોગવાથી પણ નિરોગી રહી શકાય.
શા માટે શરદ પૂનમે દુધ પૌઆ ખાવામાં આવે છે?
ઋતુભેદ પ્રકોપનાં નિવારણ અર્થે ઉચિત આહાર વિહાર જરૂરી છે. ઋતુજન્ય રોગો અગાઉ ભાદરવામાં થાય છે. અગાઉના મહિનામાં શરીરમાં પિતસંગ્રહ ભેજવાળી હવાથી થયેલ હોય છે. પિતાના કાર્યથી શરીરને અસર થાય છે. આમરસ શરીરમાં હોય છે.તે પાચનમાં ગડબડ કરે છે. ગેસની-મરડાની તકલીફ થાય છે.દુધ-પૌઆ એ પિતશામક આહાર છે. દૂધ પિત શામક પિણું છે.
ગાયનું દુધ ઉતમ ગણાય છે. દુધ પૌઆ ધાબા ઉપર રાખવાથી ચાંદનીની સૌમ્યતા મળે છે. આ પૂનમની ચાંદની આરોગ્ય વર્ધક છે. શીતળ છે. માન્યતા મુજબ ધાબા ઉપર રાખેલા આ દુધ પૌઆ દમના દર્દીઓ માટે એક ઔષધિ જેવું પુરવાર થાય છે. ખીર બનાવવા માટે તેને કાચ અથવા ચાંદીના વાસણમાં દુધ અને પૌઆ રાખો અને કપડાથી ઢાંકીને ચંદ્રના શીતળકિરણોમાં મૂકી દો પછી રાત્રે તે ખીર અમૃતનો પ્રસાદ બની જાય છે. આ ખીરને રસરાજ પણ કહેવામાં આવે છે. સીતાજીને અશોક વાટીકામાં રાખવામાં આવ્યા ત્યારે તેમને ઈન્દ્રદેવએ દુધપૌઆ મોકલ્યા હતા.