આજથી દેરાવાસી અને આવતીકાલથી સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ: દેરાસરો તથા ઉપાશ્રયોમાં નિત્ય સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ, સ્નાત્રપૂજા, વ્યાખ્યાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે: જિનલયો પૂજન-અર્ચન કરનારા ભાવિકોથી છલકાશે
સમગ્ર જૈન સમુદાયમાં અતિ પાવન અને પર્વાધિરાજ તરીકે ઓળખાતા પવિત્ર પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ થશે.જેમાં દેરાવાસી જૈન સમાજમાં આજે શુક્રવારથી પર્યુષણનો પ્રારંભ થશે. જયારે આવતીકાલ શનિવારથી સ્થાનકવાસી જૈનોના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થશે જૈન સમુદાય પર્યુષણને સર્વ પર્વનો રાજા ગણે છે. આથી સમગ્ર જૈન સમાજ શ્રધ્ધા અને આસ્થા પૂર્વક પર્યુષણ મહાપર્વની ઉજવણી કરશે. દેરાસરોમાં પૂજન-અર્ચન સાથે મહારાજ સાહેબનાં પ્રવચનો સાંભળવા માટે હજારો શ્રાવકો-શ્રાવિકાઓ એકત્ર થશે ઉપરાંત તમામ જિનાલયોમાં આંગીઓ પણ કરવામાં આવશે.
પર્યુષણના આ અતિ પાવન પ્રસંગે જૈન સમુદાયમાં દરરોજ તપ, ધ્યાન, આરાધના, પ્રતિક્રમણ , પૌષધ, અઠ્ઠાઈ સહિતની શ્રધ્ધા ભકિત ભાવના જોવા મળશે. સતત આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂજા-પ્રવચન માટે ભાવિકોની ભારે ભીડ જામશે ઉપરાંત આગામી આઠ દિવસ સુધી જીનાલયોમાં નિત્ય સવાર સાંજ સામુહિક પ્રતિક્રમણ, ભકતાભર પાઠ તેમજ સ્નાત્ર પૂજા, બપોરનાં સમયે સ્વાધ્યાય સહિતના વિવિધ વિશિષ્ટ આયોજનો કરવામાં આવશે. ઉપરાંત દેરાસરો-ઉપાશ્રયોમાં પ્રથમ ત્રણ દિવસ અષ્ટાહિનકા પછીના ચાર દિવસ પવિત્ર કલ્પસુત્ર અને અંતિમ દિવસે બારસાસુત્રનું વાંચન કરાશે.
પર્યુષણ જૈન શાસનનું મહાનપર્વ છે. આ તકે જૈનાચાર્ય રાજયસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ કહે છે કે પર્યુષણ પર્વ એ આત્મશુધ્ધિનું પર્વ છે. પરિ એટલે ચારે બાજુથી અને ઉષણ એટલે રહેવું અર્થાત્ ચારે બાજુએથી આત્મમાં રહેવું તેજ પર્યુષણ છે. આ પાવન પર્વ દરમિયાન સૌથી મહત્વની વાત તીર્થકરોની વાણી તથા ધર્મની વાણીનું શ્રવણ કરવાનું હોય છે જૈન સમુદાયમાં પર્યુષણટાંણે પ્રથમ સાત દિવસ સાધના અને આઠમાં દિવસે સિધ્ધીનો મહિમા ગવાઈ છે. પર્યુષણના પવિત્ર દિવસોમાં જૈન શ્રાવકો યથાશકિત ઉપવાસ કરે છે. પરંપરા અને ધાર્મિક ક્રિયા અનુસાર આજથી શ‚ થતા પર્યુષણટાંણે જૈન સમાજના નાના બાળકોથી માંડીને વૃધ્ધો સહિતના ભાવિકો સળંગ આઠ દિવસ અઠ્ઠાઈ કરશે. તમામ જિનાલયોમાં નિત્ય સામાયીક અને પ્રતિક્રમણ કરવા હજારો શ્રધ્ધાળુઓ ઉમટશે. આ પાવન મહાપર્વમાં ખૂબજ બહોળી સંખ્યામાં જૈનો દેહ પરનું મમત્વ ઉતારવા માટે આહારનો ત્યાગ ક્રી ઉપવાસ કરે છે. જેમાં માત્ર આઠ દિવસ માત્ર ઉકાળેલુ પાણી પીવે છે. આ ઉપાસના માત્ર મોટી ઉંમરના જ નહી બાળકો પણ આ આરાધના કરે છે. પર્યુષણ પર્વ તપ-ત્યાગ-આત્મનિરીક્ષણ અને ક્ષમાપનાનું પર્વ તો છે જ આ પર્વમાં દાનનો પણ પુષ્કળ પ્રવાહ વેવડાવવામાં આવે છે. જૈન ભાવિકો આ પાવન પર્વમાં ઉદારદિલે દાન કરશે. ભૂતકાળની ભૂલોને ભૂસી નવ સર્જનની પ્રેરણા પર્યુષણ પર્વથી પ્રાપ્ત થાય છે.