ચિફ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજય દાસ મહેરોત્રાની અધ્યક્ષતામાં ઓપન હાઉસનું આયોજન
કરદાતાઓને આવકવેરાને લઈ કોઈપણ પ્રશ્ન હશે તેનું ત્વરીત નિરાકરણ થશે
રાજકોટ આવકવેરા વિભાગ ખાતે આજે ચિફ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજયદાસ મહેરોત્રાની અધ્યક્ષતામાં ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરના ૩ થી ૪ દરમિયાન જે કોઈ કરદાતાઓ દ્વારા પૂર્વ અપોઈન્મેન્ટ લેવામાં આવી હશે અને તેમને આવકવેરાને લઈ કોઈપણ પ્રકારના પ્રશ્નો હશે તે ઓપન હાઉસમાં ચિફ કમિશનર સમક્ષ મુકશે જેનો ત્વરીત નિકાલ આવે તેવું પણ શકય બની શકશે.
હાલ આવકવેરા વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી હોય તેને લઈ કરદાતાઓમાં ડરનો માહોલ પ્રસ્થાપિત થતો હોય છે અને કરદાતાઓ પોતાની સમસ્યા કોને કહે તે પણ મુખ્ય પ્રશ્ન ઉદ્ભવીત થતો જોવા મળે છે. વાત કરવામાં આવે રાજકોટના ચિફ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજયદાસ મહેરોત્રા દ્વારા જયારથી સીસીઆઈટીનો ચાર્જ સંભાળવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓએ ઓપન હાઉસ યોજતા કરદાતાઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે લાવી શકાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતે અજયદાસ મહેરોત્રાની અધ્યક્ષતામાં આ બીજુ ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કરદાતાઓ, તેમના પ્રતિનિધિ અને વ્યવસાયીકોને આમંત્રીત કરવામાં આવ્યા છે. આ ઓપન હાઉસમાં કરદાતાઓ દ્વારા જે ફરિયાદો કરવામાં આવશે તેનું ત્વરીત નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે માટે કાર્યવાહી હાથ ધરાશે. માત્ર ફરિયાદો જ નહીં પરંતુ કરદાતા કે તેમના પ્રતિનિધિ દ્વારા કોઈપણ સુચનો આવશે તેના પર ધ્યાન કેન્દ્રીત કરી આવનારા સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ શકયતા સેવાઈ રહી છે.
હાલ ટેકસ પેયરો એટલે કે કરદાતાઓને રીફંડ, એટેચમેન્ટ, ટેકસ એસેસમેન્ટ જેવા વિવિધ પ્રશ્નો સાથે તેઓ ઓપન હાઉસમાં ભાગ લેશે. ગત ઓપન હાઉસની વાત કરવામાં આવે તો ૧૨ કરદાતાઓ પોતાના સતાવતા પ્રશ્ર્નોને લઈ સીસીઆઈટી સમક્ષ રજૂ કર્યા હતા. જેનો ત્વરીત નિકાલ થતાં લોકોમાં આવકવેરા વિભાગ પ્રત્યેની જે છાપ પ્રસ્થાપિત થઈ હતી તે પણ દૂર થઈ છે. ત્યારે આ ઓપન હાઉસમાં અનેકવિધ કરદાતાઓ પોતાના પ્રશ્નોને લઈ આવશે જેનું ત્વરીત નિરાકરણ આવવાની શકયતા સેવાઈ રહી છે.