ચાર ડીસેમ્બર એટલે કે આજે ‘નેવી ડે’ ત્યારે જામનગર નજીક આવેલા આઈએનએસ વાલસુરામાં પણ નેવી ડેની પૂર્વ સંધ્યાએ બીટીંગ ધ રિટ્રીટ યોજવામા આવી. પરેડની સાથે નેવીના જવાનોએ અવનવા કરતબો રજૂ કર્યા હતા.
વર્ષ 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં નેવીએ ચોથી ડીસેમ્બરે કરાંચી બંદર પર સફળ હુમલો કરાયો હતો. જેની યાદમાં ઈન્ડિયન નેવી દર વર્ષે ચોથી ડીસેમ્બરે નેવી ડેની ઉજવણી કરે છે.
ભારતીય નેવીમાં વર્ષોથી ચાલતી એક પરંપરા છે કે, યુધ્ધ દરમિયાન સાંજ પડે ત્યારે યુદ્ધ પૂર્ણ થાય છે અને બેન્ડ દ્રારા પર્ફોમન્સ રજૂ કરવામા આવે છે. જેને બિટીંગ ધ રિટ્રીટ કહેવામા આવે છે. ત્યારે જામનગરના આઈએનએસ વાલસુરામાં નેવીના જવાનોએ બેન્ડના તાલે ધ્યાનાકર્ષક પરેડ યોજી હતી.
પરેડની સાથે સાથે નેવીના જવાનો દ્રારા માર્શલ આર્ટ સહિતના વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આઈએનએસ વાલસુરાના કમાન્ડીંગ ઓફિસર સહિત મોટી સંખ્યામાં નેવીના જવાનો સામેલ થયા હતા.
વર્ષ 1971માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધ દરમિયાન ચોથી ડીસેમ્બરે ઈન્ડિયન નેવીના ત્રણ જહાજોએ પાકિસ્તાનના કરાંચી બંદર પર હુમલો કર્યો હતો. ચોક્કસ રણનીતિથી કરાયેલા હુમલામાં પાકિસ્તાનના કરાંચી બંદરને વેરાન કરી દેવાયું હતું. ઈન્ડિનય નેવીના મતે આ સફળ હુમલાથી લડાઈમાં નવોજ વળાંક આવ્યો હતો. ઈન્ડિયન નેવીના ઈતિહાસમાં આ હુમલાનું વિશેષ મહત્વ છે. નેવી દ્રારા દર વર્ષે ચોથી ડીસેમ્બરે દેશભરમાં નેવી ડે તરીકે ઉજવણી કરે છે.
વર્ષ 1942માં જામનગર નજીક જામ રાજવીએ અંગ્રેજ સરકારને જમીન ફાળવી હતી. જેના પર સૌ પ્રથમ ટોર્પીડો સ્કૂલ બનાવવામા આવી હતી. ત્યારબાદ હાલ અહી ઈન્ડીયન નેવીની ઈલેક્ટ્રીકલ બ્રાન્ચ કાર્યરત છે. જેમાં ટ્રેનીંગ માટે વર્ષ દરમિયાન દેશમાંથી અને અન્ય દેશની નેવીમાંથી પણ જવાનો અહીં તાલીમ માટે આવે છે. જે હાલ આઈએનએસ વાલસુરા તરીકે ઓળખાય છે. જ્યાં નેવીના જવાનોએ દર્શાવેલા અદભૂત કરતબથી ત્યાં ઉપસ્થિત સૌ કોઈ અચંબિત જોવા મળ્યા.