અબતક, રણજીતસિંહ ધાધલ, ચોટીલા, રાજકોટ
વેદ, શાસ્ત્ર, પુરાણ, ભગવત ગીતામાં પણ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ‘વાસુકી નાગ’નું નેતરુ બનાવી દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યુ જેમાંથી અનેક રત્નો નિકળ્યા અને ઝેર પણ નિકળ્યું જે ભગવાન શિવજીએ ગળામાં ધારણ કર્યુ જેથી તે નિલકંઠ કહેવાયા, ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે સર્પોમાં શ્રેષ્ઠ ‘વાસુકી’ પણ હું જ છું જે શિવજીના ગળામાં બીરાજમાન છે તેવી પણ એક લાક વાયકા છે.
સુરેન્દ્રનગર જીલ્લાના થાન ગામે વાસુકી દાદાનું વિશાળ મંદિર આવેલું છે તે મંદિર અંગે થોડા ઉંડા ઉતરીએ તો સેંકડો વર્ષ પૂર્વે રાજસ્થાનથી રાજવી રાઠોડ ધાંધલજીના વંશજો કે જે ધાંધલ શાખના એ બધા દ્વારકાધીશના દર્શને જઇ રહ્યા હતા.
ત્યારે ‘વાસુકી’ કે જેને તેઓ દાદા માનતા હતા તે વાસુકલ દાદાને ચાંદીના કરંડીયામાં રથમાં સાથે લાવેલા, પરંતુ લોકવાયકા મુજબ વાસુકી દાદા ને જમીન સ્પર્શ ન થવો જોઇએ અને જો થાય તો તે જગ્યાએ જ તેનું સ્થાનક થાય એવી સરતો સાથે વાસુકી દાદા પણ દ્વારકા જતા સંઘમાં સામેલ થયા હતા.
દરમિયાન રાજસ્થાનથી આ સંઘ હજારો વર્ષ જુના રાયણના ઝાડ નીચે ચાંદીના કરંડીયાને મૂકયો ત્યારથી વાસુકી દાદાનું સ્થાન ત્યાં જ રહ્યું અને તે ગામનું નામ થાન પાડવામાં આવ્યું હોવાની પણ એક માન્યતા છે, વાસુકી દાદા રાજસ્થાનથી આવેલા રાઠોડ- ધાધલના ઇષ્ટદેવ છે.
બીજુ બાજુ જોઇએ તો લખતર સ્ટેટ અભેસિંહજીને વાસુકી દાદાએ સ્વપ્નમાં પોતાનું સ્થાન બતાવ્યું હતું અને પુંછડીથી કોલ આપી થાન ચોવીસીનું રાજ આપ્યું લખતર સ્ટેટ તથા તેમના વંશજોએ દાદાને જ થાન ચોવીસીના રાજ તરીકે બીરદાવ્યા હતા. હાલ પણ રાજગાદી પર વાસુકી માતાની ધજા અને શ્રીફળ જે દરબાર ગઢ શકિત માતાના મઠમાં છે.
થાનમાં આવેલ વાસુકી દાદાના મંદિરે આરતી સમયે હાલમાં પણ લખતર સ્ટેટ દ્વારા મશાલ આવે છે.
એક માહીતી મુજબ વાસુકી દાદા કુલ સાત ભાઇઓ છે જેમાંના ભુજીયો ડુંગર, બાંડીયાબેલી, ચાંદલીયા દાદા, ચૂડા ચોકડીવગેરે સ્થળોએ બીરાજમાન છે. જેમાં થાન પાસેના બાંડીયા બેલી ગામે આવેલ દાદાના મંદિર પરિષરમા નાગેશ્ર્વરી કે જેનું મુળ નામ મનસા દેવી કે જે શિવજીના માનસ પુત્રી છે. જે વાસુકી દાદાના બહેન તરીકે પુજાય છે. આ જગ્યાના પહેલા મહંત કે જેઓ આશરે સાતસો વર્ષ પહેલા અહિ આવેલા અને તેઓએ જીવંત સમાધી લીધી હતી.
પવિત્ર શ્રાવણમાં દર સોમવારે લાપસી- તલવટ શ્રીફળ અને દુધનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે.
નાગ પાંચમી એ દાદાનો મુખ્ય તહેવાર છે. અને તે તેનો પ્રાગટય દિવસ પણ હોય ત્યાં સ્વંભૂ લોકમેળો યોજાય છે. થાનમાં આવેલ આ રાયણનું વૃક્ષ, એકાદ હજાર વર્ષ જુનુ હોવાનો અંદાજ છે. તેને ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ રેન્ક આપવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના જંગલોમાં આજુ જુનુ વક્ષ કયાંય નથી અને હાલમાં પણ ચૈત્ર માસમાં તેમાં ફળ આવે છે અને તે દાદાનો ચમત્કાર હોવાનું લોકો માની રહ્યા છે. દરેક નાના મોટા પ્રસંગોમાં દાદાનું પ્રથમ યાદ કરવામાં આવે છે અને ગામના ગામ ધણી તરીકે લોકો દાદાનું પૂજન કરે છે.