ભ્રષ્ટાચારએ લોકોની બેઇમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે: વિશ્ર્વબેંક તેની વ્યાખ્યામાં “સાર્વજનિક
હોદ્દાનો  વ્યક્તિગત લાભ માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર” અર્થ કર્યો છે: તે તમામ બૂરાઇઓની જડ છે

 

કોઇપણ ખરાબ કે ભ્રષ્ટા વિચારમાંથી ભ્રષ્ટ આચાર કે વિચાર ઉત્પન્ન થઇને તેના આચરણરૂપી ભ્રષ્ટાચાર પેદા થાય છે. નાના કે મોટા કામ વિના વિઘ્નો પાર પાડવા થતાં વહિવટને આપણે ભ્રષ્ટાચાર ગણી શકાય. બંને પક્ષોની મિલીભગતથી ચાલતું આ કૃત્ય એક અસામાજીક પ્રવૃતિ છે. ભ્રષ્ટાચારએ લોકોની બેઇમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે. આપનાર અને લેનાર બન્ને ગુન્હેગાર ગણી શકાય. દુનિયાના કોઇપણ રાષ્ટ્રમાં આ સમસ્યા અત્ર-પત્ર, સર્વત્ર પ્રસરી ગઇ છે. તેને જડમૂળથી ડામવા દુનિયાના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા છે. આપણાં દેશની જેમ અન્ય દેશોમાં પણ તેના વિરોધમાં કાયદાઓ બનાવાયા છે પણ તેમાં પણ છટકબારી શોધીને લોકો આબાદ બચી જાય છે.

આજનો દિવસ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે સમગ્ર વિશ્ર્વ ઉજવી રહ્યો છે. ભ્રષ્ટાચારએ તમામ બૂરાઇઓની જડ છે, આ દાનવને ખતમ કર્યા વગર કોઇપણ વિકાસ યોજના પાર પાડી શકાય નહીં અને ગમે તેવા જટિલ પ્રશ્ર્નોનો ઉકેલ ના આવી શકે. આ એક એવો રોગ છે જે રાષ્ટ્રની હરોળમાં આવવું હશે તો આ મહારોગને નાથવો જ પડશે. આપણાં દેશમાં તેના મૂળિયા ઉંડે સુધી વ્યાપેલા છે કે આજે 74 વર્ષે પણ આપણે વિકાસ સાધી શક્યા નથી. આપણાં દેશમાં એકપણ ક્ષેત્ર એવું નથી કે તેને ભ્રષ્ટાચારની અસર ન થઇ હોય. રમત, શિક્ષણ, સંરક્ષણ કે પછી રાજકીય ક્ષેત્ર તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે.

આજે ભ્રષ્ટાચારએ શિષ્ટાચાર બની ગયો છે. સરકારી કર્મચારી કે કોઇપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પાસે કામ કરાવવું હોય તો તેમને લાંચ આપ્યા વગર કામ પતતું નથી. સામાન્ય પટ્ટાવાળાથી ઉપલા અધિકારીઓ, તમામને લાંચ આપવી જ પડે છે. સમગ્ર વિશ્ર્વમાં 2005 થી આ દિવસ ઉજવાય છે પણ છેલ્લા દોઢ દાયકા ઉપરના સમય બાદ પણ આપણે કશું જ પરિણામ મળ્યું નથી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 31મી ઓક્ટોબર 2004ના રોજ ભ્રષ્ટાચાર વિરોધી સંયુક્ત રાષ્ટ્ર સંમેલન બોલાવીને વિરુધ્ધ લડાઇ લડવાનો ઠરાવ કર્યોને બીજા વર્ષ 2005થી આ દિવસ વૈશ્ર્વિક સ્તરે ઉજવવા લાગ્યો હતો. પૃથ્વીવાસીઓમાં આ પરત્વે જાગૃતતા લાવવા આ દિવસ વિશ્ર્વ લેવલે ઉજવાય છે.

ભ્રષ્ટાચારએ એક એવો મુદ્દો છે કે જે વિશ્ર્વના દરેક દેશને અસર કરે છે. તે નૈતિકતાની અખંડિતતા અને પ્રમાણિકતાનો અભાવ દર્શાવે છે. અપ્રમાણિક લાભ માટે પોતાની સત્તા અને વિશ્ર્વાસનો ગેર ઉપયોગ કરે છે. ભ્રષ્ટાચાર લોકશાહીને નબળી કરે છે ને સરકારને અસ્થિર બનાવે છે અને દેશોને આર્થિક ધોરણે પાછળ ધકેલી દે છે.

દર વર્ષે આ દિવસની ઉજવણી માટે વૈશ્ર્વિક લેવલે તેના વિરોધમાં લડાઇ લડવા એક થીમ સાથે સ્લોગન અપાય છે. આ વર્ષ-2021ના થીમમાં “તમારો અધિકાર, તમારી ભૂમિકા: ભ્રષ્ટાચારને ના કહો” આપવામાં આવ્યું છે. કોવિડ-19ની અસર તળે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે ત્યારે સૌ સાથે મળીને એક જવાબદાર નાગરિક તરીકે તેના વિરોધમાં કામ કરવા કટિબધ્ધ થાય તે મહત્વની બાબત છે. ઞગૠઈગઈં ભ્રષ્ટાચારને રોકવા માટેના સામુહિક પ્રયાસને પ્રોત્સાહન આપવા દર વર્ષે આ દિવસ ઉજવણી કરે છે. આ વર્ષની થીમ મુજબ આપણે બધા એ કટોકટીની ઘડીમાં એક થવું જોઇએ.

ભ્રષ્ટાચાર અટકાવવાથી આપણે પૃથ્વી ગ્રહને સુરક્ષિત કરવામાં મદદ મળે છે, નોકરીનું સર્જન થાય, લિંગ સમાનતા પ્રાપ્ત થાય અને આરોગ્ય સંભાળ અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓની વ્યાપક પહોંચ સુરક્ષિત કરી શકીએ. ભ્રષ્ટાચાર મુક્ત પ્રયાસો કે સિસ્ટમએ દરેક નાગરિકનો અધિકાર છે. આજનો દિવસ દરેકના અધિકારો અને જવાબદારી પ્રકાશિત કરવાનો દિવસ છે.

ભ્રષ્ટાચારએ એક જટિલ સામાજીક, રાજકીય અને આર્થિક ઘટના છે જેની અસર હાલ વિશ્ર્વના તમામ દેશોમાં જોવા મળે છે. લોકશાહીએ સાર્વત્રિકરૂપે માન્ય આદર્શ છે અને યુ.એન. ના મુખ્ય મૂલ્યો અને સિધ્ધાંતો પૈકી એક છે. તે માનવ અધિકારોનું રક્ષણ અને અસરકારક અનુભૂતિ માટેનું વાતાવરણ પુરૂં પાડે છે. ભ્રષ્ટાચાર ચૂંટણી પ્રક્રિયાને વિકૃત કરીને, કાયદાના શાસનને બગાડીને અને અમલદાર શાહીની ગુંચવણો ઉભી કરીને લોકશાહી સંસ્થાઓના પાયા ઉપર હુમલો કરે છે, જેનું એકમાત્ર કારણ લાંચની માંગણી છે. આજની સ્થિતિમાં સરકારો પોતાના દમ પર ભ્રષ્ટાચાર સામે લડી શકતી નથી. આ ગુન્હાને રોકવા અને તેના સામનો કરવા માટે આપણા બધાની ભૂમિકા અગત્યની છે.

ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવામાં આપણને સફળતા ક્યારે મળશે, આ પ્રશ્ન આજે સૌ કરી રહ્યા છીએ. તેના વિરુધ્ધ શક્તિશાળી પગલા લેવા આવશ્યક છે. બધા જ દાવાઓ કરે છે પણ તે તો આગળ જ વધી રહ્યો છે. ભારતના પાડોશી દેશોમાં ભૂતાન એકમાત્ર દેશ છે જ્યાં ભ્રષ્ટાચાર ઓછો છે. વૈશ્ર્વિક લેવલે સૌથી નીચા ક્રમે સોમાલિયા દેશ છે. આપણા દેશની યાદી ક્રમમાં બીજા ભ્રષ્ટ દેશોમાં રશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આફ્રિકા જેવાનો સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર સર્વો દેશોની સર્વોચ્ચ ગંભીર સમસ્યા છે અને સૌ દેશવાસી ચિંતા કરે છે કે તે ક્યારે નાબૂદ થશે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 મુજબ કડક કાર્યવાહી જરૂરી છે. લાંચ ફક્ત આર્થિક લાભ નહી પણ ભેટ-સોગાદ પણ તેમા સમાવેશ થાય છે. આજે તો સાચુને કાયદેસર કામ વહેલું કરાવવા લાંચ આપવી પડે છે જે એટલું જ નગ્ન સત્ય છે. આજે વિશ્ર્વમાં 56 દેશોમાં લોકશાહી શાસન ધરાવે છે. જેમાં ભારત વિશ્ર્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, તેથી સમગ્ર વિશ્ર્વની નજર આપણાં ઉપર છે.

દુનિયાના કોઇપણ રાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર અત્ર-તત્ર, સર્વત્ર છે: અન્ય અસામાજિક પ્રવૃતિઓની જેમ તે એક અસામાજીક પ્રવૃતિ કહી શકાય: ભ્રષ્ટાચારમાં લાંચ-રૂશ્વત, ભેટા-સોગાદ, છેતરપિંડી, પક્ષપાતી વલણ વગેરેનો સમાવેશ થાય છે .

 

વિશ્ર્વમાં ન્યુઝીલેન્ડ અને ડેનમાર્ક સૌથી વધુ પ્રામાણિક દેશ

 

ગત્ 2020માં કોરોના કાળ દરમ્યાન વિશ્ર્વમાં ભ્રષ્ટાચારના કેસોના આધારે સૌથી પ્રામાણિક દેશોની યાદી બહાર પડી હતી. જેમાં વિશ્ર્વમાં સૌથી પ્રામાણિક દેશોમાં ન્યુઝીલેન્ડ અને ડેનમાર્ક ટોચના સ્થાને રહ્યા હતા, આ દેશોએ કોરોનાને બહુ સારી રીતે નિયંત્રિત કર્યો હતો. આપણા દેશ ભારતનો ક્રમ 86મો છે. 2019ની યાદીમાં ભારતનો ક્રમ 80મો હતો. કોરોના યુગમાં આપણું સ્થાન 6 વષીને 86મું થઇ ગયું છે. વિશ્ર્વના 180 દેશોની યાદીમાં પાડોશી પાકિસ્તાન હાલ ઘણી ખરાબની સાથે તે 124માં ક્રમે છે. સૌથી વધુ પ્રામાણિક દેશો ન્યુઝીલેન્ડ અને ડેનમાર્કે દુનિયાને પોતાના શ્રેષ્ઠ સુશાસનની નવી દ્રષ્ટિ આપીને શીખ આપી છે. આપણાં દેશમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી અને અંગ્રેજોની કલકત્તાની કોઠીમાં તેના મૂૃળ નંખાયા હોવાનું કહેવાય છે. ભ્રષ્ટાચારના અનેક કારણો પૈકી એક કારણ છે, શિક્ષણનો અને માહિતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્યે માહિતગાર હોતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.