શહેરમાં ધંધા-રોજગાર રાબેતા મુજબના થતા હજુ એકાદ-બે દિવસ નીકળી જશે: બસ-પોર્ટ અને રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ
નવા વર્ષના દિવસથી શાંત થઇ ગયેલા શહેરના વેપાર-ધંધા આજથી ફરી શરૂ થયા છે. ઘણા વેપારીઓ સોમવારથી મુહૂર્ત કરીને નવા વર્ષનો પ્રારંભ કરશે. જોકે, શહેરમાં ધંધા-રોજગાર રાબેતા મુજબના થતા હજુ એકાદ-બે દિવસ નીકળી જશે. દિવાળીના તહેવારમાં પંદર દિવસ પહેલાંથી દિવસ-રાત મહેનત કરનાર દુકાનદારો, શો-રૂમોના માલિકોએ બેસતાવર્ષથી ધંધા બંધ કરી દીધાં હતાં. જો કે આજે સવારથી મોટાભાગની બજારો ખુલ્લી થઇ હતી અને લાભ પાંચમનું મુહૂર્ત કર્યું હતું.
કચેરીઓ ખુલી પણ પાંખી હાજરી
દિવાળી, ધોકો, બેસતુવર્ષ, ભાઇ બીજની સળંગ પાંચ રજાઓ બાદ આજથી સરકારી કચેરીઓ ખુલી હતી. પરંતુ મોટા ભાગની કચેરીઓમાં અડધાથી પણ વધુ સ્ટાફ રજા પર હોવાથી તેમજ અરજદારોની પણ પાંખી હાજરીને પગલે કચેરીઓ પણ સુમસામ બની હતી. અધિકારીઓ, કર્મચારીઓનો નવા વર્ષનો સ્નેહ સમારોહ યોજાયો હતો.