ધારાસભ્ય સોમાભાઈ પટેલ, વિમલ ચુડાસમા, ઋત્વીક મકવાણા સહિતના ઉપસ્થિત રહેશે
સૌરાષ્ટ્રના કોળી સમાજના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેતા લોકસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને માઠા પરિણામ ભોગવવા પડે તેવી દહેશત ઉભી થવા પામી છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે આજે રાજકોટ ખાતે કોળી સમાજનું એક સંમેલન બોલાવ્યું છે. જેમાં કુંવરજીભાઈ બાવળીયા સામે કંઈ રીતે લડત આપવી તે અંગે વ્યૂહરચના ઘડવામાં આવશે. કોળી સમાજના આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા અને વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેશે.
આજે બપોરે ૨ થી ૫ કલાક દરમિયાન રાજકોટના હેમુગઢવી હોલ ખાતે કોંગ્રેસ પ્રેરીત સૌરાષ્ટ્ર કચ્છના કોળી સમાજનું એક સંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય સોમાભાઈ પટેલ, વિમલભાઈ ચુડાસમા, રાજેશભાઈ ગોહિલ, પુંજાભાઈ વંશ, બાબુભાઈ વાંજા, રૂત્વીકભાઈ મકવાણા અને પરસોતમભાઈ સાબરીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી પણ હાજરી આપશે.
સૌરાષ્ટ્રના કોળી સમાજના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે અને ભાજપમાં જોડાયા છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મતો અંકે કરવા માટે ભાજપે તેઓને કેબીનેટ કક્ષાના મંત્રી પણ બનાવી દીધા છે. કુંવરજીભાઈ બાવળીયાના ભાજપ ગમનથી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડે તેવી સંભાવના છે. ત્યારે કોળી સમાજને પોતાને પડખે અડીખમ રાખવાના ભાગરૂપે આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે એક સંમેલન બોલાવવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.