અગાઉ બે વાર વિજેતા બની ચૂકેલ અને આ વેળા પણ જીતવા ફેવરિટ ગણાતી કોલકાતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.)ની ટીમ સામે બુધવારે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે રમાનાર આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સ્પર્ધાની એલિમિનેશન તબક્કાની ટ્વેન્ટી-૨૦ મેચ માટે ભૂતપૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (આર. આર.) પોતે વિપરીત પરિસ્થિતિમાં હોવા છતાં જીતવા પોતાના બધા પ્રયત્ન કરશે.કોલકાતાની ટીમે વર્તમાન મોસમની સ્પર્ધામાં રાજસ્થાનને ઘરઆંગણે અને હરીફ ટીમના મથકે બંને વેળા પરાજય આપ્યો છે.

કોલકાતાની ટીમે ગયા મહિને જયપુરમાં સાત વિકેટથી સહેલાઈથી વિજય પ્રાપ્ત કર્યો હતો અને એક સપ્તાહ પૂર્વે અહીં જ છ વિકેટથી અજિંક્ય રહાણેના સુકાન હેઠળની રાજસ્થાનની ટીમને ફરી પરાજિત કરી સ્પર્ધાના નોક-આઉટ રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. ઉપરાઉપરી ત્રણ વિજયના બળે કોલકાતાની ટીમે સ્પર્ધામાં છેલ્લી ચાર ટીમમાં છઠ્ઠી વેળા પ્રવેશ કર્યો છે.

બુધવારની મેચના વિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.)ની ટીમો વચ્ચેની ક્વોલિફાઈંગ-૧ મેચમાં પરાજિત થનાર ટીમ જોડે બીજી ક્વોલિફાઈંગ મેચમાં ૨૫મી મેએ રમશે જેનું પણ અહીં આયોજન થનાર છે અને તેના પરિણામ પર ફાઈનલની બીજી ટીમનો આધાર રહેશે.

૨૦૦૮ના આરંભિક વર્ષની આ સ્પર્ધાનો તાજ જીતેલ રાજસ્થાન રોયલ્સની ટીમની સફળતાનો મુખ્ય આધાર વિદેશી સ્ટાર ખેલાડીઓ પર રહ્યો હતો. રાજસ્થાનની ટીમને આ મેચમાં પહેલો પડકાર હરીફ સ્પિનરોનો છે, જેમાં તેને સુનીલ નારાયણ, પીયુશ ચાવલા અને કુલદીપ યાદવનો સામનો કરવાનો રહેશે. આજે મેચ જીતનાર ટીમ 25 મેં ના રોજ સન રાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે અને એ મેચના વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ફાઇનલમાં રમશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.