- 6 જુલાઇ 1885માં ફ્રેન્ચ જીવ વિજ્ઞાની લૂઇસ પાશ્વરે હડકવાની રસી શોધી તેની યાદમાં ઉજવાય છે આ દિવસ: ઘરના પાલતું પ્રાણીઓને રસી આપવી અને યોગ્ય સ્વચ્છતા જાળવવી જરૂરી
- આ દિવસ દર વર્ષે ઝૂનોટિક રોગો વિશે લોકોમાં જાગૃત્તિ લાવવા ઉજવાય છે: ઝૂનોટિક રોગોને સામાન્ય રીતે ઝૂનોસિસ તરીકે ઓળખાય છે: પેથોજેન્સ દ્વારા લાવવામાં આવતી ચેપી બિમારીઓ છે, જે પ્રાણીમાંથી લોકોમાં ફેલાય છે
આજના યુગમાં લોકો ડોગ, કેટ, બર્ડ જેવા ઘણા પશુ પંખી પાળતા હોય છે પણ તેની યોગ્ય સંભાળ રાખતા હોતા નથી. પ્રાણીઓને વિવિધ રોગો સામે યોગ્ય રસીકરણ થવું જરૂરી છે. શ્ર્વાનને જો વેક્સિન ન અપાયું હોય તો તે માણસને કરડે તો હડકવા થવાની શક્યતા વધી જાય છે. જૂના જમાનામાં આપણે કહેતા કે ‘કૂતરૂ હડકાયું થયું છે’ આજે વિશ્ર્વ ઝૂનોસિસ દિવસની ઉજવણી વિશ્ર્વભરમાં થઇ રહી છે. હાલના તમામ ચેપી રોગોમાંથી 60 ટકા ઝૂનોટિક છે અને બીજા 70 ટકા ઉભરતા રોગો પ્રાણીઓમાં ઉદ્ભવે છે.
આ દિવસનો ઇતિહાસ જોઇએ તો 6 જુલાઇ 1885માં ફ્રેન્ચ જીવ વિજ્ઞાની લૂઇસ પાશ્વરે હડકવાની રસી શોધી હતી જેની યાદમાં દર વર્ષે આજે આ દિવસ ઉજવાય છે. ઘરના પાલતું પ્રાણીને વેક્સિન આપવા સાથે તેની સ્વચ્છતા જાળવવી જરૂરી છે. આજના યુગના ઘણા વાયરસો પ્રાણીઓમાંથી માનવીમાં ફેલાય છે.પ્રાણીઓમાં બાળકોની જેમજ વેક્સિનેશનનું મહત્વ છે. પપી વેક્સિનથી શરૂ કરીને દર વર્ષે અપાતા સેવન ઇનવન કે ઇલેવન ઇનવન વેક્સિન લેવા ફરજીયાત હોય છે. દર વર્ષે આ દિવસે ઝૂનોટિક રોગો વિશે લોકોમાં જાગૃત્તિ પ્રસરે તેવા આયોજન પ્રાણી સંસ્થાઓ કરતા હોય છે. પ્રાણીમાંથી માનવમાં ચેપી રોગો ભયંકર રીતે પ્રસરે છે જેના દાખલાઓમાં ઉંદર કે ચાંચડથી પ્લેગ, ચામાચિડીયાથી અમુક વાયરસો પ્રસર્યા જોવા મળે છે. તાજેતરમાં મન્કીપોક્સ વાયરસ વિશ્ર્વમાં ફેલાયો છે. તમને જાણીને નવાઇ લાગશે કે કૂતરાઓને કોરોના વેક્સિન છેલ્લા દોઢ દાયકાથી અપાય છે. ઝૂનોટિક રોગો સામાન્ય રીતે ઝૂનોસિસ તરીકે ઓળખાય છે.
પેથોજેન્સ દ્વારા લાવવામાં આવતી ચેપી બિમારીઓ છે, જે પ્રાણીઓમાંથી માનવીમાં પ્રસરે છે. સૌથી અગત્યની વાત તો એ છે કે તે ચેપી હોવાથી માણસોમાં પણ ઝડપથી પ્રસરે છે.
ઝૂનોટિક ટ્રાન્સમિશનની ચેન તોડવા માટે સૌનો સાથ જરૂરી છે. ઝૂનોટિક રોગો પ્રાણીઓ સાથેનો સીધો સંપર્ક, ચેપગ્રસ્ત પ્રાણીના લોહી, લાળ, પેશાબ, મળ કે શારિરીક પ્રવાહીના કરડવાથી, ખંજવાળ અને ઇન્જેક્શન દ્વારા થઇ શકે છે. એવા સ્થળો હોય જ્યાં રોગગ્રસ્ત પ્રાણીઓ વધુ હોય ત્યાંનો ચારો, ખોરાકમાં પેથોજેન્સ દ્વારા માનવીમાં આવા ચેપી રોગો પ્રસરી જાય છે. વેક્ટર બોર્ન ટિક ડંખ દ્વારા પણ કે ચેપ ફેલાવતા જંતુ દ્વારા થઇ શકે છે. ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી મેળવેલા દૂષિત ખોરાક જેવા કે ઇંડા, દૂધ, માંસ, કાચા ફળો અને શાકભાજી વિગેરે દ્વારા ફૂડ બોર્ન માધ્યમથી ઝૂનોટિક રોગો ફેલાય છે.
ઝૂનોટિક રોગોના અંકુશ માટે વૈજ્ઞાનિકોમાં તેના પરત્વે રસ વધારવો, જ્ઞાન વધારવું, તેના રોગો નિયમનમાં સુધારો કરવો અને દરેક પ્રક્રિયાઓ ઉપર દેખરેખ રાખવી જરૂરી છે. પશુપાલનમાં ઝૂનોટિક બિમારીઓ વિકસવાના પ્રાથમિક કારણો જાણવા અને તેના અંકુશ માટે તાકિદે પગલા ભરવા. વન્ય જીવનનાં પ્રાણીઓની આરોગ્ય સંભાળ સાથે તકેદારી અને તેની વૈશ્ર્વિકસ્તરે આરોગ્યની ક્ષમતામાં વધારો કરવાની જરૂર છે. પ્રાણીમાંથી મનુષ્યમાં સંક્રમિત થતાં રોગોની માહિતી સાથે લોક જાગૃત્તિ ફેલાવવી અતિ આવશ્યક છે.
એવિયન ઇન્ફલ્યુએન્ઝા, વેસ્ટ નાઇલ વાયરસ અને ઇબોલા જેવા ઝૂનોટીક રોગો સામે પ્રથમ રસીકરણને માન આપવા આ દિવસ ઉજવાય છે. ઝૂનોટિક રોગો પ્રાણીઓ કે બગથી મનુષ્યોમાં પ્રસરે છે. કેટલીક બિમારીઓ પ્રાણીને નુકશાન પહોંચાડતી નથી પણ લોકોને બિમાર પાડી શકે છે. આ બિમારીઓ નાની, ક્ષણિક કે ગંભીર સાથે ન બદલી શકાય તેવી વિકૃત્તિઓ પ્રગટ કરી શકે છે.
ઝૂનોટિક રોગોએ બિમારીઓનો એક વર્ગ છે જે પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે અને બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અને પરોપ જીવીઓ દ્વારા લાવવામાં આવે છે. આજના યુગમાં કોવિડ-19 રોગચાળો તેનું સૌથી મોટું ઉદાહરણ છે. હાલની જાણીતી અને સ્વીકૃત સામગ્રી અનુસાર રોગચાળો એક વાયરસને કારણે થાય છે. જે ચામાચીડિયામાંથી ઉદ્ભવે છે. આદિકાળથી હડકવા બાદમાં 1976માં ઇબોલા, 2009માં સ્વાઇન ફ્લૂ, મંકી પોક્સ, બર્ડ ફ્લૂ વિગેરે રોગો ઝૂનોટિક જ છે.
માંદા પ્રાણીઓ માનવજાત માટે જોખમરૂપ ન બને તે માટે ઝૂનોટિક બિમારીની જાગૃત્તિ જરૂરી છે. આ બીમારી ઝડપથી ફેલાતી હોવાથી માનવ જાત માટે ખતરા સમાન છે, જો તાકીદે પગલા કે સારવાર ન કરાય તો મોટી સંખ્યામાં માનવીઓ સંક્રમિત થાય છે. એનીમલ અને બર્ડ ફ્લૂ સાથે ડેન્ગ્યૂ તાવ કે અન્ય ઝૂનોટિક બિમારીઓ લોકો પર મોટી અસર કરે છે. આ બીમારીઓની અસરને સમજીને મોટા ભાગની ટાળી શકાય છે પણ ઝૂનોટિક બિમારીઓ માનવીને બીમાર બનાવી મૃત્યુંનું પણ કારણ બની શકે છે.
ઝૂનોસિસ ચાર પ્રકારના હોય છે, ઇટીઓલોજિક એજન્ટ વાયરલ, બેક્ટેરિયલ, પરોપજીવી, માયકોટિક અથવા બિનપરંપરાગત અનુસાર વર્ગીકૃત કરી શકાય છે. આ વર્ષની ઉજવણી થીમ ‘ચાલો ઝૂનોટિક ટ્રાન્સમિશનની સાંકળ તોડીએ’ છે. ઝૂનોટિક રોગના ફેલાવાને રોકવા વિવિધ પગલા ભરવા આજનો દિવસ પ્રેરણારૂપ છે. એક તારણ મુજબ 75 ટકા લોકોમાં ઝૂનોટિક ચેપ આડકતરી રીતે જ ફેલાય છે.
પૃથ્વી પરની તમામ જીવંત વસ્તુઓ તેમના અસ્તિત્વ માટે એકબીજા પર નિર્ભર છે
પ્રાણીપ્રેમી બનવું સારી વાત છે, પણ તમારા સંપર્કમાં આવતા દરેક પ્રાણીની કાળજી લેવી અતી જરૂરી છે. પ્રાણીઓ માંદા હોય તેની આપણને ખબર હોતી નથી તેથી તેના સંપર્કમાં આવતા ચેપ લાગી શકે છે. પૃથ્વી પરની તમામ જીવંત વસ્તુઓ તેમના અસ્તિત્વ માટે એકબીજા પર નિર્ભર છે, જેમ તમામ જીવંત વસ્તુઓ તેમનાં સ્વાસ્થ્ય માટે એકબીજા પર નિર્ભર છે, જો આપણામાંથી એક બીમાર હોય તો બીજો તેને અનુસરી શકે છે. પ્રાણીઓને વેક્સિનેશન કરાવીને માનવજાતના સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહિત કરી શકાય છે.
આ લડાઇ આદીકાળથી ચાલી આવતી ક્યારેય સમાપ્ત ન થાય તેવી છે, મનુષ્ય હમેંશા વાયરસ અને રોગો સામે લડવામાં સક્ષમ છે તેને માત્ર જ્ઞાન અને સમજની જરૂર હોય છે. કોઇપણ જીવના જીવનનું સૌથી અગત્યનું પાસુ આરોગ્ય છે, આજે ચાલી રહેલો રોગચાળો આપણા સ્વાસ્થ્ય વિશે ચિંતા ઉભી કરે છે. આજે દરેક પૃથ્વીવાસીએ પ્રાણીઓને થતાં રોગો અને તે મનુષ્યમાં કઇ રીતે સંક્રમિત થઇ શકે તેની જાગૃત્તિ લાવવા મહત્વની ભૂમિકા ભજવવાની છે.