જે દેશનું યુવાધન મજબૂત હોય, એ દેશનું ભવિષ્ય મજબૂત બને છે, વર્તમાન સંજોગોમાં રાજનીતિમાં પણ યુવાનોને જોડવા જરૂરી છે

દર વર્ષે વિશ્વભરમાં 12 ઓગષ્ટનાં દિવસે વિશ્વ યુવા દિવસ મનાવવામાં આવે છે. 17 ડિસેમ્બર 1999ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેર કર્યુ હતું કે 12 ઑગષ્ટનાં રોજ ઇન્ટરનેશનલ યૂથ ડે મનાવવામાં આવશે. પ્રથમવાર ઇન્ટરનેશનલ યૂથ ડે વર્ષ 2000માં મનાવવામાં આવ્યો હતો. આ ખાસ અવસરે વિશ્વભરનાં યુવાનોને તેમની ઓળખ અપાવવા અને તેમનાં કાર્યોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

વિશ્વ યુવા દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક, આર્થિકથી લઇને રાજકીય મુદ્દાઓ પર યુવાનોની ભાગેદારી અને તેમના વિચારો પર ચર્ચા કરવાનો છે. દેશની સફળતાનો આધાર ત્યાં વસતા લોકો પર હોય છે. ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગની વસ્તીમાં યુવાનો વસતા હોય, જે દેશ પાસે કાર્યક્ષમ કર્મચારી તરીકે યુવાધન હોય ત્યારે આ દિવસથી વધુ મહત્વનું તો બીજું શું હોય શકે ? આ દિવસે યુવા-આગેવાની હેઠળની સંસ્થાઓ, સરકારો, યુવાનો અને અન્ય લોકો કે જે શિક્ષણમાં પરિવર્તન લાવવા અને વિશ્વવ્યાપી યુવાનોને ઉત્થાન અપાવવા માટે કામ કરી રહ્યા છે તેની ઉજવણી કરે છે.

યુવા દિવસ એ યુવાનોને સમાવતા સાંસ્કૃતિક અને કાનૂની મુદ્દાઓને સ્થાપિત કરવા માટે બનાવવામાં આવેલ એક જાગૃતિ દિવસ છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસની કલ્પના 1991માં વિએના અને ઓસ્ટ્રેલીયાનાં  યુવાનો દ્વારા યુએનની વર્લ્ડ યુથ કાઉન્સિલની પ્રથમ પરિષદ માટે સૂચવવામાં આવી હતી. સમિતિએ ભલામણ કરી કે યુવા સંગઠનો સાથે મળીને યુનાઈટેડ નેશન્સ યુથ ફંડને મજબુત બનાવવા માટે, ખાસ કરીને ક્રાઉડ સોર્સિંગ અને પ્રમોશનલ હેતુઓ માટે, આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ખાતરી આપવામાં આવે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) એ પ્રથમ ઓગસ્ટ 1998માં, લિસ્બન યુથ, વર્લ્ડ કોન્ફરન્સ દ્વારા આ નિર્ણયને સમર્થન આપીને 1999માં આંતરરાષ્ટ્રીય યુવા દિવસને પ્રથમ વખત નક્કી થયું.

વર્ષ 1999માં યુએનજીએ દ્વારા આ ભલામણને સમર્થન આપવામાં આવ્યું ત્યારબાદ પ્રથમવાર ઇન્ટરનેશનલ યૂથ ડે વર્ષ 2000માં મનાવવામાં આવ્યો હતો.વર્તમાન સંજોગો જોતા રાજનીતિમાં યુવાનોનું જોડાણ કરવું ખુબ જરૂરી છે, જેનાથી ભવિષ્ય માટેની સારી અને દુર્ગામી નીતિઓ ઘડી શકાય, આ જોડાણ થી યુવાનોમાં એક વિશ્વાસ અને દેશ માટે કંઈક કાર્ય કરવા માટેનાં ઉત્સાહને પ્રજ્વલિત કરવામાં ફાળો આપી શકાય છે. વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ચર્ચાઓ, પ્રદર્શનો, મેળાઓ, પરિષદો અને અન્ય પ્રમોશનલ પ્રવૃત્તિઓ વગેરેનું આયોજન કરીને સામાજિક જાગૃતિ ફેલાવવા માટે એક મહત્વનો દિવસ છે.

આજનાં સમયમાં કેટલાક વિકસિત દેશો પોતાનાં યુવાધનને આધુનિકતાની છબી બતાવતા ગેર માર્ગે પણ દોરી જાય છે. યુવાધનને પોતાના પ્રચારનાં માધ્યમ તરીકે વાપરવું એ આવનાર ભવિષ્યમાં વિશ્વનાં અન્ય દેશો સાથે હરીફાઈમાં ટકી રહેવા માં એક મોટી મુસીબત સમાન છે. આજનું યુવાધન પણ પોતાની વિચાર શક્તિને સમજવાને બદલે કેટલાક અંશે દેખાડાની વિચારધારાને અનુસરી રહ્યું છે. રીયલ લાઈફ અને રીલ લાઈફ એનું જ પરિણામ છે.

જયારે કોઈ આગવું સ્થાન ધરાવતી યુવા વ્યક્તિ જે પગલું ભરે છે તેને અનુસરવા માટે બીજા પ્રયત્નો કરતા થઇ જાય છે, જે કેટલાક સારા પરિણામ પણ આપે અને ખોટા પરિણામ પણ આપે છે. આજનાં યુવાધન માટે સહનશક્તિ એ ક્યાંક ઓછી થતી જણાઈ રહી છે, નાની વાત માં મોટા પગલાં ભરવા, જેનાથી તે પોતાને નુકશાન પહોંચાડી રહ્યા છે. યુવાધનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો દરેક દેશ પ્રગતિનાં પંથ પર આગળ આવી શકે છે. ઘણા દેશમાં યુવાઓ માટે અલગથી યોગ્યતા મુજબની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેથી યુવામાં રહેલ ખૂબીને જાગૃત કરવી સરળ બની રહે છે.સંકલન:-મિત્તલ ખેતાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.