વિશ્વમાં માત્ર ગીરમાં વસતાં સિંહો પ્રકૃતિથી જ રાજવી મિજાજ ધરાવે છે, જંગલના રાજાને રાષ્ટ્રીય પ્રાણીનું માન મળવું જોઇએ
આજે 10 ઓગષ્ટનો દિવસ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દુનિયા ભલે પ્રાણીઓના રાજા સિંહના અસ્તિત્વની ચિંતામાં સિંહ દિવસની ઉજવણી કરતી હોય પરંતુ ગુજરાત માટે આ દિવસ વધુ ગૌરવરૂપ બની રહે તેમાં બેમત નથી. કારણ કે વિશ્વમાં સિંહોનું અસ્તિત્વ જોખમમાં મુકાઇ રહ્યું છે ત્યારે એક માત્ર એશિયાટીક સિંહોની ભૂમિ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગીરમાં સિંહો સતતપણે વધતાં જાય છે.
આજે વિશ્વ સિંહ દિવસ નિમિતે રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગને વધુ બુંલદ બનાવી છે. પરિમલભાઇએ પ્રકૃતિપ્રેમીઓ માટે જારી કરેલા એક વિડિયો સંદેશામાં જણાવ્યું હતું કે આજે વિશ્વ સિંહ દિવસ નિમિતે સમગ્ર દુનિયાના પ્રકૃતિપ્રેમીઓ અને ખાસ કરીને સિંહપ્રેમીઓને અભિનંદન પાઠવું છું. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ સિંહ દિવસ નિમિતે ગુજરાતને સવિશેષ ગૌરવ લેવું જોઇએ. ગીરમાં હું સતત 30 વર્ષથી નિયમિત જાઉં છું. સિંહો અને વન્યસૃષ્ટિ મને ગમે છે.
સિંહો ગીરમાં માત્ર સલામત જ નથી પરંતુ તેમની વસ્તી પણ વધે છે. પરિમલભાઇ નથવાણીએ ગીરમાં સિંહોના સંવર્ધનના કાર્યક્રમની સરાહના અને સંતોષ વ્યક્ત કરી ગીરવાસીઓ, વનકર્મચારીઓ અને સિંહ સંવર્ધનના અલગ-અલગ કાર્યક્રમોમાં યોગદાન આપનાર તમામને અભિનંદન પાઠવ્યા હતાં.પરિમલભાઇએ જણાવ્યું હતું કે સિંહને સામાન્ય પ્રાણી અને પ્રાકૃતિક વિરાસત ગણવાના બદલે તેના રાજવી ગુણ અને સૌમ્યતા નિરખવી જોઇએ. સિંહમાં અન્ય પ્રાણીઓની જેમ લુચ્ચાઇ નથી. તે રાજા જેવી શાલીનતા અને ભવ્ય શક્તિશાળી હોવા છતાં બિનજરૂરી હિંસા કરતું નથી.
પરિમલભાઇ નથવાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સિંહ સંવર્ધનની કામગીરીમાં કોઇ કચાશ રાખવામાં આવી નથી અને દરેક વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા વધે છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભામાં અગાઉ સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની પ્રથમ વખત માંગ કરી હતી. આજે હું ફરીથી આ માંગને દોહરાવીને સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરું છું.