ભારત અને ગુજરાતનો ઇતિહાસ સાચવનારા અનોખા સ્મારકો અને તેના વારસાનું જતન કરવાનો દિવસ એટલે સમગ્ર વિશ્વમાં 18 એપ્રિલે ઉજવાતો “વર્લ્ડ હેરિટેજ ડે” આ તમામ ભવ્ય ધરોહરોની સાચવણી અને તેનું રક્ષણ કરવા માટે આજના દિવસે ખાસ સંકલ્પ લેવામાં આવે છે. જો કોઇ ઇમારતની ઉંમર 100 વર્ષથી વધુ હોય તો તેને રક્ષિત સ્મારક ગણવામાં આવે છે. આવા સ્મારકો રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાના સાચા રક્ષકો અને વાહકો છે. રાજકોટ જિલ્લામાં કુલ 11 રક્ષિત સ્મારકો આવેલા છે, જયારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ 197 રક્ષિત સ્મારકો છે. જેમાં શિરમોર આકર્ષણ સમાન ત્રિનેત્રેશ્વર(તરણેતર) મહાદેવ મંદિર, સુપેડીના મંદિરો, ખંભાલીડાની ગુફાઓ, મીનળ વાવ જેવા અનેક સ્મારકોનો સમાવેશ થાય છે. અંતારાષ્ટ્રીય પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ માધવપુર મંદિર પણ હેરિટેજ શ્રેણીમાં ગણાય છે. તેમ ગુજરાત પૂરાતત્વ ખાતાના અધિકારી શ્રી સંગીતાબેન તેમજ શ્રી સિધ્ધાબેન શાહે જણાવ્યું હતું.
રાજકોટ શહેરના વિવિધ ઐતિહાસિક સ્મારકોમાં કબા ગાંધીનો ડેલો, ગાંધીજી ભણતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, દરબાર ગઢ, જામ ટાવર, વગેરે ઇમારતો તેના ભવ્ય વારસા અને પ્રાચીન સમયને વર્તમાન સમય સાથે જોડતી કડી છે. રાજકોટમાં બેડી નાકા ટાવર, રૈયા નાકા ટાવર, જામ ટાવર સહિતના રાજાશાહી વખતના ટાવરોનો સમાવેશ થાય છે. તેમજ રાજકોટમાં આવેલ દરબારગઢનો મ્યુઝીયમમાં કાયાપલટ થઈ રહ્યો છે. વર્ષ 2022ની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં ગુજરાતના બે સ્થળો ઉમેરાયા છે, જેમાં 4000 વર્ષ જુના ઈતિહાસને અભિવ્યક્ત કરતું વડનગર અને સૂર્યના પ્રથમ કિરણોનું સાક્ષી બનતું મોઢેરાનું સૂર્યમંદિર છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના વિકાસ માટે તેમજ ગિરિમથકો એવા ડોન ગિરનાર હિલ સ્ટેશન, વલસાડ કરાઈ માતા હિલ સ્ટેશનના વિકાસ કરવાનું આયોજન છે આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ ધરાવતા રાજમહેલ અને મહાલયોને હેરિટેજનું સ્ટેટસ આપી એનું પુન: નિર્માણ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં આવેલા પાટણની રાણકી વાવ, ચાંપાનેર અને ધોળાવીરા એ ત્રણ વિશ્વ કક્ષાનાં હેરિટેજ પ્રવાસન સ્થળો છે. હવે અમદાવાદને પણ દેશના સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. હેરિટેજ પોલિસીથી અંદાજિત રૂ. 300 કરોડનું રોકાણ આવવાની સંભાવના છે.
“વર્લ્ડ હેરિટેજ ડે” દિવસે થીમ અનુસાર રાજયસરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો ગોઠવામાં આવે છે. જેનો ઉદેશ્ય ભારતીય વારસાથી વધુને વધુ લોકોને માહિતગાર કરવાનો અને તેની સાચવણી સાથે જાગૃતિ કેળવવાનો છે. આ માટે હેરિટેજ ઇમારતોનું પેન્ટિંગ પ્રદર્શન, આર્કિટેક્ટ શાખાના વિદ્યાર્થીઓ માટે સ્થાપત્યનું જતન કરવા અંગેના કાર્યક્રમો યોજાય છે.
રાજકોટના વિવિધ રક્ષિત અને સાંસ્કૃતિક સ્મારકોના રખરખાવ માટે 1984થી કાર્યરત સંસ્થાનું નામ છે, ઇન્ટેક (INTACH) ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ, જે મુખ્યત્વે વારસામાં મળેલી ધરોહરોનું સંરક્ષણ, સંચાલન, તે અંગેનું શિક્ષણ અને જાગૃતિ, હિમાયત વગેરે પ્રવૃત્તિ કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને ધરોહરનું સંવર્ધન કરી તેના સંશોધકીય દસ્તાવેજીકરણ સાથે ધરોહરની સાચવણી અંગે તાલીમ વગેરે છે. આ સંસ્થાએ રાષ્ટ્રીય સ્તરે કુતુબમિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ માટે પણ સંરક્ષણની કામગીરી કરી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને રાજ્ય પુરાતત્વ વિભાગ (DAM) દ્વારા સંરક્ષિત સ્મારકોની કાળજી લેવામાં આવે છે, જ્યારે INTACH સંસ્થા અસુરક્ષિત વારસો (સ્મારકો, સ્થળો, કલા અને હસ્તકલા, સમુદાયો, કુદરતી વારસો, અમૂર્ત સાંસ્કૃતિક વારસો)ની સૂચિ, જાળવણી અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.