આવો આપણે સૌ સહિયારા પુરૂષાર્થથી કોઇ અંધ ભાઇ-બહેનને દ્રષ્ટિદાન આપવા નિમિત બનીએ
જન્મ સાથે મૃત્યુ સંકળાયેલું છે. જેણે જન્મ લીધો છે તે મૃત્યુ પામવાના છે. દરેક મનુષ્ય જેમ કીર્તિ, ધન, સુખમય જિંદગી જીવવાની આશા સેવતો હોઈ તેમ તે પુણ્યશાળી પરોપકારી આત્માને શોભે તેવા મૃત્યુ પામવાની ઈચ્છા ધરાવતો હોય છે.
આપણામાં કહેવાય છે એતો જિંદગી જીવી જાણ્યા અને મૃત્યુને પણ સાર્થક બનાવી ગયા. આમ આપણા મૃત્યુ પછી નેત્રદાનની માનવતા ભરી ભેટ દ્વારા અંધજનોને દ્રષ્ટિ પ્રદાન કરવાનો મહામંત્ર આપણને વિજ્ઞાને આપ્યો છે.
આધુનિક સંશોધનને એ સિદ્ધ કરી આપ્યું છે કે આપણી આંખની આગળ આવેલું પારદર્શક પડ જેને કોર્નિયા કહેવામાં આવે છે તેને આપણા મૃત્યુ પછી પણ જીવંત રાખી શકાય છે અને જે દર્દીનો આ ભાગ કોર્નિયા રોગિષ્ટ બની ગયો હોય તેને ચક્ષુદાનમાં મળેલી આંખનો કોર્નિયા બેસાડવામાં આવે તો દર્દીને દેખતો કરી શકાય છે.
જે વ્યક્તિની આંખોનું પારદર્શક પટલ કોર્નિયા સારો હોઈ તે દરેક વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે. આમાં ઉંમર, જાતિ, કે લોહીના ગ્રુપનો કોઈ બાધ નડતો નથી. બાળકથી માંડી ને વૃદ્ધ, પુરુષ, સ્ત્રી, હરકોઈના ચક્ષુદાન થઈ શકે છે. આ ઉપરાંત કોઈ કારણસર આંખના ડોળાની મુખ્ય નસ ખોટી પડી ગઈ હોય કે પડદો ખસી ગયો હોય અને પોતે તદ્દન અંધ થઈ ગયા હોય તેવા લોકો પણ જો તેમનો કોર્નિયા સારો હોઈ તો પોતાની આંખનું દાન કરી બીજા અંધજનોને દ્રષ્ટિ આપવામાં સહાય કરી શકે છે. આંખે ચશ્માં હોઈ તેઓ પણ ચક્ષુદાન કરી શકે છે. ચક્ષુદાન વ્યક્તિના મૃત્યુ બાદ જ સ્વીકારવામાં આવે છે.
આંખો કાઢવાની પ્રક્રિયા ઘણી સરળ છે. માત્ર 5 થી 7 મિનિટની અંદર પુરી થઈ જાય છે. ચક્ષુરોપણના ઓપરેશનની સફળતા માટે અવસાન બાદ ચક્ષુદાન ની પ્રક્રિયા જેમ બને તેમ જલ્દી અથવા તો મોડા મોડું 6 કલાકની અંદર થઈ જવી જોઈએ.
બીજી એક ખાસ માહિતી એ આપવાની કે ડોકટર દ્વારા આંખ કાઢતી વખતે બહુ જ સાવધાની રાખવામાં આવે છે. આંખો કાઢી લીધા પછી આંખના પોપચાં એવી રીતે બંધ કરી દેવામાં આવે કે આંખોની જગ્યાએ કોઈ ખાડો પડતો નથી. આંખો પહેલા હતી તેવી જ દેખાય છે અને સદગતનો ચહેરો બિલકુલ બેડોળ બનતો નથી.
આમ દાનમાં મળેલ આંખોને જીવાણુ રહિત કાચની ખાસ બોટલમાં મુકવામાં આવે છે અને તેને બરફ ભરેલા થર્મોસમાં લઇ જવામાં આવે છે કે કારણકે આંખોને ઓપરેશન સુધી સાચવવા માટે ઠંડા ઉષ્ણતામાનની જરૂર હોય છે, હોસ્પિટલમાં આ બાટલીઓ ફ્રિજમાં રાખી મુકવામાં આવે છે. આ આંખો 24 થી 48 કલાકમાં ઉપયોગમાં લઇ પ્રત્યારોપણ કરવામાં આવે તો ઉત્તમ ગણાય. આ ઉપરાંત જો રાસાયણિક પ્રક્રિયા કરી રાખવામાં આવે તો મહિનાઓ સુધી રાખી શકાય છે.
ચક્ષુદાન વિશે ખોટી માન્યતાઓ !!!
આપણે ત્યાં ખોટી માન્યતાઓ છે કે ચક્ષુરોપણના ઓપરેશનમાં આખો ડોળો બદલી નાખવામાં આવે છે. જેમ કાંડા ઘડિયાળ ઉપર કાચ હોઈ તેમ આંખની કીકી ઉપર જે પારદર્શક પટલ આવેલું છે તેને કોર્નિયા કહે છે. એમાંથી પ્રકાશના કિરણો અંદર પ્રવેશતા હોઈ છે. દાનમાં મળેલ આંખની આ કોર્નિયા જ ફક્ત શત્રક્રિયા વડે બદલવામાં આવે છે.
ચક્ષુદાન જેમને જરૂર છે તેવા દર્દીઓ નેત્રદાનના અભાવે દ્રષ્ટિ પાછી મેળવવાથી વંચિત રહી ન જાય તે જોવાની સહુની ફરજ બની રહે છે. તો આપણે સહુ નેત્રદાનનો સંકલ્પ કરીયે.
ચક્ષુદાન માટે શું કરવું જોઈએ?
મૃત્યુ પછી ચક્ષુદાન માટે ચક્ષુબેંક અથવા નજીક ના આંખના ડોકટરને જાણ કરવાથી તુરંત ચક્ષુદાન લેવા માટે વ્યવસ્થા થઈ જાય છે. અને હવે ઘણી સામાજિક સંસ્થાઓ ચક્ષુદાનની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના કાર્યકરો દ્વારા તમામ ચક્ષુદાનની વ્યવસ્થા ગોઠવાય જાય છે એટલે મૃત્યુ પામનાર વ્યક્તિના કુટુંબીજનોને કશી તકલીફ ન પડે તેવી કાળજી આ સંસ્થાઓ રાખે છે.
આંખો ખુલ્લી રહી જાય અને પવન લાગે તો ડોકટર આવે ત્યાં સુધી મૃતદેહની આંખની વિશેષ સંભાળ લેવાની હોય છે. સદગતની આંખો જો ખુલ્લી રહી ગઈ હોય તો તુરત બંધ કરી દેવી જોઈએ. અને બંધ આંખો ઉંપર ભીનો રૂમાલ મૂકી દેવો જોઈએ. તેના રૂમમાં પંખો બંધ કરી દેવો જોઈએ, કારણ કે જો આંખો સુકાય જાય છે અને ખરાબ થઈ જાય છે.
આલેખન:-
અનુપમ દોશી – મો. નાં. 94282 33796 – વિવેકાનંદ યુથ ક્લબ, ચક્ષુદાન અભિયાન સમિતિ.
ઉપેન મોદી – મો. નાં. 98240 43143 – જે.એસ.જી.આઇ, ડોનેશન ડ્રાઇવ.