પ્રકૃતિ ઇશ્ર્વરની છે પ્રતિકૃતિ !!
જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશકય છે. જંગલ છે તો વન્ય જીવ છે જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્ર્વમાં સૌથી સમૃઘ્ધ દેશ એ જ છે જયાં જળ, જંગલ, જમીન અને જનાવર પર્યાપ્ત માત્રામાં હોય, આપણો દેશ નદીઓ, જંગલ અને જીવ માટે વિશ્ર્વભરમાં પ્રસિઘ્ધ છે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જ જીવન ટકી રહેશે અને પ્રકૃતિ પ્રત્યેની જાગરૂકતાના હેતુથી દર દર્ષે સપ્ટેમ્બરે વિશ્ર્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે.
વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઇએ છીએ કે દિવસે દિવસુે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકશાન થઇ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ કે કોઇ આપણી પાસેથી આપણું ઘર છીનવી લે તો ? એથી વિશેષ જેમની પાસે ખરેખર રહેઠાણની વ્યવસ્થા નથી એમને ફુટપાથ પર કે જુદા જુદા સ્થળે ઝુપડી બાંધીને રહેતા આપણે જોયા છે. એમના સ્થાને કયારેક સ્વ. ને અનુભવીને આપણે એમને માટે કરુણા અનુભવી શકતા હોઇએ છીએ. કુદરતનું સંવર્ધન કરવા માટે કાયમી વિવિધ ઉપાયો કરતા રહેવું જરુરી છે.