વાયરસ સાથે જીવતા લોકો નેટવર્કના સહાયથી લાંબુ જીવવા લાગ્યા છે ત્યારે શહેર જીલ્લામાં 7500 વાહકો તેનો લાભ લઇ રહ્યા છે

રાજકોટ શહેરમાં એચ.આઇ.વી. એઇડ્સ બાબતે વિવિધ સંસ્થાઓ જનજાગૃતિનું કાર્ય કરી રહ્યાં છે. સ્ટેટ એઇડ્સ ક્ધટ્રોલ સોસાયટીના ત્રણ-ચાર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે આજે વિશ્વ એઇડ્સ દિવસે શહેરના વાહકોના આંકડા જોઇએ તો દર મહિને 8 થી 10 નવા HIV વાહકો જોવા મળે છે. ગત માસે આ આંકડા ડબલ થયો હતો પણ એવરેજ શહેરમાં 10ની સરેરાશથી વર્ષે 150 જેવા નવા HIV વાહકો જોવા મળે છે.

થોડા વર્ષો પહેલા આ આંકડો મોટો હતો પણ જનજાગૃતિના વિવિધ પ્રયાસો થકી સારા પરિણામ મળતા 50 ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેર જીલ્લામાં લાગતા ચેપના પ્રમાણમાં યુવા વર્ગ સૌથી વધુ અસરકર્તા જોવા મળ્યો છે. શહેરમાં સેક્સ વર્કર, એમ.એસ.એમ., પોઝીટીવ નેટવર્ક, ટ્રકર્સ વિગેરે માટે હાલ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આજે વિશ્વ એઇડ્સ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે બીજી તરફ આજે પણ નવા-નવા એચ.આઇ.વી.ના ચેપ ધરાવતા વાહકો પણ જોવા મળે છે. બ્લડ બેંકમાં બ્લડ મારફત, માતા દ્વારા બાળકને તથા સિરિંજ નીડલ કે ઓપરેશનના સાધનો જેવા ત્રણેય કારણોમાં આપણે શ્રેષ્ઠ સફળતા મેળવીને ત્યાંથી ચેપ ઘટાડામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે પણ અસુરક્ષિત જાતીય વ્યવહારોને કારણે ફેલાતો ચેપ હજી આપણે અટકાવી નથી શક્યા.

એચ.આઇ.વી. સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવની ઘટના આજે પણ જોવા મળી રહી છે. તેના માનવ અધિકારોનું સપોર્ટ બાબતે સૌએ કાર્ય કરવાની તાતી જરૂરીયાત છે. સૌથી કપરી સ્થિતિ મા-બાપ વગરના ઓરફન કે સેમી ઓરફન બાળકોની છે તેને સમાજે દત્તક લઇને તમામ સવલતો પૂરી પાડવી જરૂરી છે.

એચ.આઇ.વી. ટેસ્ટ કરાવ્યા બાદ વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટથી ફન્ફર્મ કરવું જરૂરી છે. વાયરલ લોડ અને સીડી-4ના રિપોર્ટ બાદની ટ્રીટમેન્ટ અતી જરૂરી છે. સૌથી સારી વાત એ છે કે આ તમામ સુવિધા સિવિલમાં મફ્ત મળી રહી છે. વાયરસ સામેની એન્ટિરીટ્રોવાયરલ ડ્રગ પણ ત્યાં મફ્ત મળે છે. એચ.આઇ.વી.થી ગભરાવાની જરૂર નથી તેની સાથે હવે તો તેના વાહકો 20 થી 25 લાંબુ જીવતા જોવા મળી રહ્યા છે. બ્લડબેંકમાં પણ અદ્યતન ટેસ્ટીંગ કીટ આવતા વિન્ડો પિરીયડનો ગાળો પણ ત્રણ-ચાર દિવસનો થઇ ગયો હોવાથી ચેપનું પ્રમાણ ઘટી ગયું છે.

હાલ શહેર-જીલ્લામાં નવા HIV ના વાહકોની એવરેજ વયમાં 16 થી 30 વર્ષની વચ્ચેની જોવા મળે છે. છેલ્લાં 40 વર્ષથી દુનિયા એઇડ્સ સામે લડી રહી છે ત્યારે આજે પણ લોકોમાં તેની જાણકારીનો અભાવ જોવા મળી રહ્યો છે. સેવા સંસ્થાઓએ સમાજના છેવાડાના માનવી સુધી આવી સાચી અને વૈજ્ઞાનિક માહિતી પ્રસરાવી જોઇએ. સૌથી ગંભીર બાબતોમાં લોકો આજે પણ માહિતી છુપાવી રહ્યા છે. સુખી સંપન્ન લોકો આ બાબતની જાણ કોઇને કરતાં જ હોતા નથી તેઓ સીધા જ પ્રાઇવેટ ડોક્ટરોનો સંપર્ક કરી લે છે.

આ વર્ષે વિશ્વ એઇડ્ઝ દિવસનું સુત્ર: અસમાનતાનો અંત લાવો, એઇડઝને નાબૂદ કરો – રોગચાળો ખતમ કરો

વિશ્વમાં 1981માં સૌ પ્રથમ વાર એઇડઝનો કેસ જોવા મળ્યો હતો. ભારતમાં આ વાઇરસનો પ્રવેશ 1986માં પ્રથમવાર જોવા મળેલ, સમગ્ર વિશ્વના મેડીકલ સાયન્સ માટે ચેલેન્જીંગ સમસ્યા હોય તો તે એઇડઝ છે. આજે 40 વર્ષે પણ જેની રસી કે દવા મેડીકલ સાયન્સ શોધી શકયું નથી. દુનિયામાં સૌથી પ્રચાર પ્રસાર પામેલ એઇડઝ એક સામાજીક જવાબદારી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તેની કામગીરી માટે યુ.એન. એઇડઝની રચના કરીને સમગ્ર વર્ષ દરમ્યાન જન જાગૃતિની ઉજવણી કરાય છે. વિશ્વમાં લગભગ દરેક ખુણે આજે પણ તેના વાહકો વધી રહ્યા છે તેનું સૌથી મોટું કારણ અસુરક્ષીત જાતીય વ્યવહારો છે.

આ વર્ષનું લડત સૂત્ર એન્ડ એઇડઝને ઘ્યાને લઇને અપાયું છે જે અસમાનતા દુર કરો, એઇડઝને નાબુદ કરો અને રોગચાળો ખતમ કરો ની વાત કહે છે. આજે પણ વિશ્વભરમાં ગત 2020ના એક જ વર્ષમાં 1પ લાખ નવા લોકો સંક્રમિત થયા હતા તો તે એક જ વર્ષમાં પોણા સાત લાખ લોકો મોતને શરણે થયા હતા. આજે એઇડઝ વાઇરસ સાથે જીવતા લોકોની કુલ સંખ્યા વિશ્વમાં 37.7 મીલીયનની છે. છેલ્લા 33 વર્ષથી સતત કોઇ મેડીકલ સમસ્યા સામે વિશ્વ લડતું હોય તો તે એઇડઝની સમસ્યા છે. આજે પણ તેની કોઇ ચોકકસ રસી કે દવા શોધાઇ નથી હા, એક વાતની સફળતા મળી છે કે એંટી રીટ્રો વાઇરલ ડ્રગ્સને કાર્ણે વાઇરસ સાથે જીવતા લોકો લાંબુ આયુષ્ય ભોગવી રહ્યા છે. મૃત્યુદરમાં પણ આપણે ચોકકસ ઘટાડો લાવી શકાય છીએ તો તેની સામે દરરોજ નવા સંક્રમણ આંકડા વધી રહ્યાં છે.

1981માં જે કારણો થકી વાઇરસ પ્રસરતો હતો તે જ કારણોથી આજે પણ આ ચેપ પ્રસરી રહ્યો છે જેમાં 85 ટકા થી વધુ તો માત્ર અસુરક્ષીત જાતીય વ્યવહારોથી પ્રસરી રહ્યો છે માતા દ્વારા બાળકને લાગતા ચેપમાં આપણે સારી સફળતા મેળવી લીધી છે. યુનીસેફનાઁ આંકડા મુજબ વિશ્વમાં 37.9 મીલીયન કુલ વાહકોમાં દરરોજ 980 બાળકોને ચેપ લાગે છે. અને દરરોજ 320 બાળકો મૃત્યુ પામી રહ્યા છે. એઇડઝ હાલના યુગની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે.

એન્ડ એઇડઝ-2030 ના લક્ષ્યાંકમાં હાલ છેલ્લા ર વર્ષથી કોવીડ-19 ના કારણે તેની નાથવાની કામગીરીમાં મુશ્કેલી પડી હતી. એઇડઝને ખતમ કરવાની સહયારી પ્રતિબઘ્ધતા પુરી પાડવી સહુની જવાબદારી છે. એચ.આઇ.વી. એઇડઝ સાથે જીવતા લોકોની ઘણી સમસ્યાઓ છે. તેને પણ સરકારે અને સમાજે દુર કરી તેના માનવ અધિકારોનું રક્ષણ કરીને કેર એંડ સપોટમાં મદદરુપ થવું પડશે.

જો કે 2020 બાદ સમગ્ર વિશ્વમાં એઇડઝ નિયંત્રણમાં સારા પરિણામો મળી રહ્યા છે. ત્યારે હાલમાં આફ્રીકા બાદ ભારતનો ક્રમ સૌથી વધુ વાહકોની સંખ્યા ધરાવતા દેશોની યાદીમાં બીજા ક્રમે આવે છે. લોકોને એઇડઝ શેનાથી થાય, શેનાથી ન થાય, કેવી રીતે બચી શકાય આવી સાચી અને વૈજ્ઞાનિક માહીતી સમાજના છેવાડાના માનવી સુધી પહોચાડવી પડશે તો જ આપણે એઇડઝ નિયંત્રણમાં સફળતા મેળવીશું, એઇડઝ અંગેની કોઇપણ માહીતી કે પ્રશ્ર્નના ટુંકા જવાબોની માહીતી માટે એઇડઝ હેલ્પલાઇન 98250 78000 ઉપર સંપર્ક કરીને મેળવી શકશે.

વિશ્વમાં દર બે મિનિટે એક બાળકને HIVનો ચેપ અને દર પાંચ મિનિટે એક બાળકનું મૃત્યું

યુ.એન.એઇડ્સના અહેવાલ મુજબ જો અસમાનતાઓને દૂર કરવામાં નહી આવે તો આગામી 10 વર્ષમાં 7.7 મિલિયન લોકો એઇડ્સને કારણે મૃત્યું પામે છે. હાલ વિશ્વ કોવિડ-19ના સંકટમાં ફસાયેલ હોવાથી ભવિષ્યના તમામ રોગચાળાઓ માટે જોખમ રીતે તૈયારી વિનાનું વિશ્વ રહેશે. યુ.એન. ચિલ્ડ્રન્સ ફંડના એક અહેવાલ મુજબ ગત્ 2020માં 3,10,000 બાળકો એચ.આઇ.વી.થી સંક્રમિત થયા હતા, એટલે કે દર બે મિનિટે એક નવા બાળકને ચેપ લાગે છે. 2020ના આ એક જ વર્ષમાં 1 લાખ 20 હજાર બાળકો એઇડ્સને કારણે મૃત્યુ પામ્યા એટલે દર પાંચ મિનિટે એક બાળક મૃત્યુ પામે છે. વિશ્વમાં એચ.આઇ.વી. સાથે પાંચ બાળકોમાંથી બે બાળકો પોતાની સ્થિતિ જાણતા નથીને તેમાંથી અડધાથી વધુને જીવન રક્ષક એન્ટ્રી રીટ્રોવાયરલ ટ્રીટમેન્ટ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.