આજે મહાત્મા ગાંધીની 70મી પુણ્યતિથિ છે. સત્યા અને અંહિસાના પગલે દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી જ્યા ભારતીયો માટે આદર્શ બન્યા છે ત્યાં વિદેશોમાં પણ તેમને ખૂબ સન્માન આપવામાં આવી રહ્યું છે. આજે ગાંધીજીની પુણ્યતિથિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાપૂને શ્રદ્ધાંજલિ આપીને યાદ કર્યા છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યશ્ર રાહુલ ગાંધીએ રાજઘાટ જઈને ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં બાપુની પુણ્યતિથિએ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાને કરી ટ્વિટ કરી બાપુને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરીને બાપુને શ્રદ્ધાંજલિ આપી છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, અમે તે શહીદોને નમન કરીએ છીએ જેમણે આપણા દેશની સેવામાં પોતાનું બલિદાન આપી દીધું છે. અમે દેશપ્રતિ તેમના સાહસ અને સમર્પણને હંમેશા યાદ રાખીશું.
સાબરમતી આશ્રમમાં ખાસ કાર્યક્રમનું કરાયું આયોજન
સાબરમતી આશ્રમમાં લોકોએ બાપુની પુણ્યતિથિ પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નોંધનીય છે કે, સાબરમતી આશ્રમમાં ગાંધીજી ઘણો સમય પસાર કરતા હતા અને તે સ્થળ તેમના દિલની ખૂબ નજીક માનવામાં આવતું હતું.
ગાંધી બાપુની 30 જાન્યુઆરી 1948ના દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. તેમની હત્યાથી સમગ્ર દુનિયાના લોકોને આધાત લાગ્યો હતો. કોઈને વિશ્વાસ નહતો થતો કે કોઈ ગાંધીજીની હત્યા કરી શકે છે. સાંજે દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભામાં જતી વખતે નાથૂરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારી દીધી હતી. એવું માનવામાં આવે છે કે, બાપુના મોઢામાંથી છેલ્લા શબ્દો ‘હે રામ’ નીકળ્યા હતા.
30 જાન્યુઆરીને મનાવવામાં આવે છે શહીદ દિવસ
30 જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. શહીદ દિવસ પર મહાત્મા ગાંધી અને તે અગણિત સ્વતંત્ર સેનાઓને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવે છે જેમણે આપણી આઝાદી માટે તેમની પોતાની કુરબાની આપી દીધી છે.