હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે.
નવરાત્રિના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. માતાજીનું પૂજન ચંદન, અગરુ, કપૂર, કરણ, આસોપાલવ, માલતી તથા ચંપાના ફૂલથી કરવું જોઇએ. માતાજીને શ્રીફળ, દાડમ, કેળાં, નારંગી, ફણસ, બીલાં તથા ઋતુ અનુસાર ફળ અર્પણ કરવા જોઇએ.
પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થતું હોવાથી અને તેમનું શુભ થતું હોઇ આ દેવી “શુભંકરી” તરીકે પણ ઓળખાય છે.
નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજાનું વિધાન છે. શક્તિનું આ સ્વરૂપ ઉગ્ર અને ચંડ છે. આ રૂપમાં માતાની ઉપાસના કરવા વાળા લોકોએ નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક છે.
માતાનું આ રૂપ ઉગ્ર છે પરંતુ દુષ્ટો માટે, આપણે એ ના ભૂલવું જોઈએ કે તે માતા છે અને માતા પોતાના સાચા ભક્તોનું ક્યારેય અહિત નથી કરતી. ”મા કાલરાત્રિ” સંસારના અંધકારને નષ્ટ કરી જ્ઞાનનું બીજ વાવે છે. જે માતાનું પૂજન કરે છે એને કાલનો ભય નથી રહેતો.
માતાનું મુખ્ય મંદિર ”કોલકાતાના કાલિઘાટ” પર આવેલું છે. અહીં ઘણા ભક્તો માતાના ચરણોમાં માથું નમાવવા માટે દરરોજ આવે છે. માતાની પૂજા માટે સૌથી પહેલા ભગવાન ગણેશનું આહવાન કરવું, આ પછી કળશ પર માતાનું આહવાન કરવું.
ૐ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી કાલરાત્રિ મા આવાહયામિ સ્થાપયામિ પુજયામી ચ ||