ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ધોરણ-12ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા બાદ પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે 8 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાનું રહેશે. જ્યારે બાકી ફી ભરવા માટે 15 જાન્યુઆરી સુધીની મુદ્દત આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા બાદ પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે 8 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાનું રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલી સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને બોર્ડ દ્વારા પત્ર લખી ફોર્મને લઈને સૂચના અપાઈ છે. જેમાં જણાવાયું છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના વર્ષ-2024ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 6 જાન્યુઆરી છે. જેથી જે શાળાઓએ પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તેમણે તાત્કાલીક પ્રિન્સિપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે.
ઉપરાંત ધોરણ-12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવા માટે અંતિમ તારીખ 8 જાન્યુઆરી સુધી રહેશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે. જેથી આચાર્યોએ 8 જાન્યુઆરી સુધીમાં તમામ વિદ્યાર્થીઓના પ્રિન્સિપાલ એપ્રુવલની કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે. જ્યારે બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 15 જાન્યુઆરી સુધી ભરી શકાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. કોઇ પણ પ્રકારની વિસંગતતાના કારણે ઓનલાઇન આવેદનપત્ર ભરવામાં મુશ્કેલી થઈ હોય તેવા કિસ્સામાં તમામ દસ્તાવેજો સાથે કચેરી સમય દરમિયાન બોર્ડની કચેરીનો રૂબરૂમાં સંપર્ક કરી સમય મર્યાદામાં આવેદનપત્ર ભરવા સૂચના આપવામાં આવી છે.