2021ને આજે બાયબાય-ટાટા કરીને કોરોના મુક્તિની આશા સાથે 2022નું સ્વાગત કરાશે: છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે વૈશ્ર્વિક લેવલે પણ ઉજવણીની રંગત ઓછી જોવા મળે છે
ગુજરાતી કેલેન્ડર મુજબ દિવાળીના બીજે દિવસે નવ વર્ષ ઉજવાય જ્યારે અંગ્રેજી કેલેન્ડર મુજબ 31મી ડિસેમ્બરની છેલ્લી રાત્રીના બાર વાગે જ સેલિબ્રેશન થાય છે, આપણા દેશમાં પણ અલગ-અલગ રાજ્યોમાં અલગ દિવસે નવુ વર્ષ ઉજવાય છે: 31 ડિસેમ્બરની ઉજવણી વૈશ્ર્વિકસ્તરે આનંદોત્સવથી ઉજવાય છે
છેલ્લા બે વર્ષથી ક્યાં ચાલ્યુ ગયુ તેની ખબર જ ન પડી. કોરોનાની અસરના પગલે આપણાં તહેવારો પણ રંગેચંગે ન ઉજવી શક્યા. બ્રિટીશ હકુમતના પગલે આપણાં દેશમાં પણ 31મી ડિસેમ્બર અને ન્યૂ યર સેલિબ્રેશનનું મહત્વ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. વર્ષનો છેલ્લો દિવસને રાત્રી 12 કલાકે પાર્ટી-નાચ ગાન સાથે નવલા વર્ષનું સ્વાગતની વૈશ્ર્વિક ઉજવણી આપણે પણ હવે હર્ષોલ્લાસથી જોડાઇએ છીએ. દુનિયાના તમામ દેશોમાં સમય ફેરફારને કારણે ઉજવણી અલગ-અલગ સમયે થતી જોવા મળે છે. વર્ષને બાય-બાય સાથે નવલા વર્ષના સ્વાગત સાથે આપણાં જીવનમાં નવા રંગોનો ઉમંગ લાવીને, નવા સંકલ્પો લાવે છે.નયે સાલમે લિખેગે મિલકર નઇ કહાની આવા સુર સાથે હર હિન્દુસ્તાની એક નવી સારી દિશા તરફ ચાલવાનો પ્રયાસનો પ્રારંભ કરશે.
આ વર્ષનો સૌનો સંકલ્પ ગત્ વર્ષની જેમ કોરોના મુક્તિની આશાનો જ છે. છેલ્લા બે વર્ષથી આપણાં તહેવારો પણ રંગેચંગે ઉજવી શક્યા નથી ત્યારે 2021ના વર્ષનો છેલ્લો દિવસને છેલ્લી રાત્રીએ આજે નવા સૂર્યોદયે નવો પ્રકાશ લાવે તેવી સૌ ઇશ્ર્વરને પ્રાર્થના કરે છે. ગુજરાતી કેલેન્ડર મુજબ દિવાળીના બીજા દિવસે આપણે નવું વર્ષ ઉજવીએ છીએ. અંગ્રેજી કેલેન્ડર મુજબ આજે તો માર્ચથી એપ્રિલનાં હિસાબી વર્ષમાં 1લી એપ્રિલ થી નવલું વર્ષ ગણાય છે. આપણાં દેશમાં પણ અલગ-અલગ રાજ્યોમાં વિવિધ દિવસે નવું વર્ષ ઉજવાય છે. દુનિયામાં સર્વ સામાન્ય રીતે 1લી જાન્યુઆરીથી નવું વર્ષ બેસતું હોય તેના સ્વાગત માટે 31મી ડિસેમ્બરની રાત્રીના 12નો સમય સૌએ ઉજવણી માટે નિયત કર્યો છે.
આપણાં દેશમાં જૈનનું વર્ષ, કચ્છનું નવું વર્ષ, પંજાબીનું નવું વર્ષ, મહારાષ્ટ્રનું નવું વર્ષ વિગેરે અલગ-અલગ દિવસે ઉજવાય છે. નાનકશાહી કેલેન્ડર મુજબ હોળીના બીજા દિવસે નવા વર્ષનો આરંભ થાય છે. ચાર હજાર વર્ષ પહેલા બેબીલોનમાં નવું વર્ષ 21મી માર્ચે ઉજવાતું હતું. જેને વસંતના આગમનની તારીખ પણ કહેતા. પ્રાચિન રોમમાં પણ નવા વર્ષનો તહેવાર આજ દિવસે ઉજવાતો. બાદમાં રોમન સમ્રાટ બુલિયસ સિઝરએ 45માં વર્ષ પૂર્વે જુલિયન કેલેન્ડરની સ્થાપના કરી ત્યારે વિશ્ર્વમાં પ્રથમવાર 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવ્યું હતું. વિવિધ સંસ્કૃતિઓમાં પોતાનું કેલેન્ડર અને પોતાનું નવું વર્ષ હોવાથી તેઓ તે દિવસે જ નવું વર્ષ ઉજવે છે. વિશ્ર્વના જુદાજુદા દેશોમાં જુદા જુદા સમયે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. પરિવારો-મિત્ર, સર્કલ પાર્ટી યોજીને સાથે ભોજન લઇને એકબીજાની નવી ઓળખાણ સાથે અને વર્ષ દરમ્યાન જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને દુ:ખ ભૂલીને આનંદોત્સવ સાથે ડાન્સ પાર્ટી કરીને વર્ષને બાય-બાય સાથે નવા વર્ષને સ્વાગત સાથે મધ્યરાત્રીથી જ સેલીબ્રેશન કરે છે.
આપણાં દેશમાં વિવિધ ધર્મો છે જેમાં બધા નવા વર્ષની ઉજવણી અલગ-અલગ દિવસે કરે છે. પંજાબ, બંગાળ અને બાંગ્લાદેશમાં આ તહેવાર બૈસાખીની આસપાસ ઉજવે છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવાના બીજે દિવસે અને તેજ સમયે ઇસ્લામિક કેલેન્ડરમાં નવા વર્ષને મોહરમ પણ કહેવાય છે. ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાથી હિન્દુ નવ વર્ષ શરૂ થતું હોવાથી નવ સંવત્સર અથવા નવું સંવત પણ કહેવાય છે. આપણે તો સર્વ ધર્મ સમભાવમાં માનનારી પ્રજા હોવાથી દિવાળીએ સાલ મુબારકને નવા વર્ષે હેપી ન્યૂ યર પણ કહીએ છીએ.
વૈશ્ર્વિક ટાઇમ ઝોનના પગલે પહેલો સૂર્યોદય થનાર દેશ સૌથી પહેલું ન્યૂ યર સેલીબ્રેશન કરે છે. વિશ્ર્વ લેવલે 31 ડિસેમ્બરની રાત્રી સૌથી મહત્વની છે. દેશમાં પણ ટાઇમ ઝોન અલગ હોવાથી અલગ-અલગ સમયે તેની ઉજવણી થાય છે પણ ઘડિયાળના 12ના ટકોર નવા દિવસનો શુભારંભ જ ઉજવણીનો આનંદ વધારે છે. ચાઇનીઝ લોકો ચંદ્ર કેલેન્ડરનું પાલન કરતાં હોવાથી તેઓ 19 ફેબ્રુઆરીએ નવુ વર્ષ ઉજવે છે. મોટાભાગના દેશોમાં નાતાલ પર્વની રજાઓ હોવાથી તેના સેલીબ્રેશન સાથે નવલા વર્ષની ઉજવણીને જોડી દેવાય છે.
આપણાં દેશમાં 31 ડિસેમ્બરની ઉજવણી સર્વ સામાન્ય છે. જેમાં રાત્રીના બાર સુધી ઉજવણી થાય છે પણ વિશ્ર્વના ઘણા દેશોની વિવિધ ઉજવણી સાથે ચિત્ર-વિચિત્ર ઉજવણી પણ થાય છે. ઇસ્ટોનિયા દેશમાં નવા વર્ષે સાત વખત ભોજન કરવાની માન્યતા છે. બ્રાઝિલ, મેક્સિકો, બોલિવિયા તેમજ દક્ષિણ અમેરિકામાં લોકો નવા વર્ષે રંગબેરંગી આંતરવસ્ત્રો પહેરીને નવા વર્ષનું સ્વાગત કરે છે. પ્રિય વ્યક્તિને અથવા મિત્રને ‘સ્વીટ મિડનાઇટ કીસ’ કરવાનો અમેરિકામાં નવલા વર્ષે રિવાજ છે. ચિલી દેશમાં પૂર્વજો સાથે નવુ વર્ષ ઉજવવાના ભાગરૂપે કબ્રસ્તાનમાં ન્યૂ યર પાર્ટી ઉજવે છે. જર્મનીમાં નવા વર્ષેે ‘ડિનર ફોર વન’ નામનો શો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રજૂ થાય છે જે દરેક જર્મન નાગરિક જોવે છે. ઇક્વાડોર નામના દેશમાં ‘ચાડિયા’ બનવાનો રિવાજ છે.
નવા વર્ષે સ્કોટલેન્ડમાં પુરૂષો અગ્નિના ગોળા ધરીને પરેડ કરે છે તેઓ આગના ગોળાને માથા પર ઉછાળે છે. ફિલિપાઇન્સમાં નવા વર્ષના દિવસે “પોલ્કા-ડોટ્સવાળા” વસ્ત્રો પહેરવા ફરજીયાત છે. મેક્સિકોમાં નવા વર્ષે ભૂતો સાથે સંવાદ કરવા માટે, પૂર્વજો સાથે વાત કરવાને ન્યૂ યરને શ્રેષ્ઠ દિવસ ગણે છે.ડેન્માર્કમાં નવા વર્ષે બીજાના ઉંબરે ડિશો તોડવાનો જ્યારે આર્યલેન્ડમાં કુંવારી ક્ધયાઓ નવા વર્ષની રાતે ઓશિકા નીચે મિસલટોના પાન રાખીને સુવે છે. આમ કરવાથી તેને પતિ ઝડપથી મળે તેવી માન્યતાઓ છે. બાલી ટાપુના બધા મંદિરની મૂર્તિને બહાર કાઢી નદીમાં સ્નાન કરાવવાનો રિવાજ છે. સ્પેનમાં 31મી ડિસેમ્બરની રાત્રે 12 વાગે ઘડિયાળમાં બાર ડંકા પડે તેમ તેની સાથે જ દ્રાક્ષ ખાવાનો રિવાજ છે. આ રિવાજ બાર માસ સાથે પણ જોડાયેલ છે તેઓ દ્રાક્ષ ને શુકવંતી માને છે. આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરને ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ઉજવણી પર પ્રતિબંધ લગાવાયો છે પણ માનવી પોતાના ઘેર પણ હવે સેલિબ્રેશન કરવા લાગ્યા છે. ન્યૂ યર પાર્ટી નવા યુગની ફેશન થઇ ગઇ છે. નાતાલનો તહેવાર સતત 12 દિવસ ચાલે છે. જેમાં 31મી ડિસેમ્બરની રાત્રીનો આનંદ કંઇક અનોખો હોય છે. લોકો ઉમંગ સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે.
દુનિયામાં નવા વર્ષની ચિત્ર-વિચિત્ર ઉજવણી
વિશ્ર્વભરનાં લોકો નવા વર્ષના આગમનની ઉજવણી કરે છે. ફટાકડા, સંગીત, નૃત્ય, નયનરમ્ય લાઇટીંગ-શો વિગેરેથી સેલિબ્રેશન કરે છે. ન્યૂયોર્કમાં ટાઇમ સ્કવેરથી આફ્રિકાની અદ્ભૂત ડાન્સ પાર્ટીનો જલ્વો જુદો જ હોય છે. પેરિસના એફિલ ટાવર પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અકલ્પનીય પ્રકાશ-શો અને ફટાકડાનું સેલિબ્રેશન જોવા જેવું હોય છે. લંડનમાં લાઇટીંગ-શો સાથે થેમ્સ નદીના કાંઠે ભવ્ય ઉજવણી થાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં ભવ્ય ઉજવણી થાય છે. બેંગકોક દુનિયામાં સૌથી આકર્ષક શહેર છે. જેની નવા વર્ષની ઉજવણી પણ ભવ્યાતિભવ્ય હોય છે.
નવા વર્ષની ભવ્ય ઉજવણીમાં દુનિયાના ઘણા દેશોમાં ચિત્ર-વિચિત્ર ઉજવણી પણ થાય છે. ક્યાંય પૂતળા સળગાવીને તો ક્યાંક ડિશો તોડીને સેલિબ્રેશન કરાય છે. વિશ્ર્વના મોટાભાગના દેશોમાં નવા વર્ષને સુખ અને સમૃધ્ધિનું વર્ષ મનાય છે. ઇટાલી દેશનો રિવાજ સાવ જુદો જ છે જેમાં લોકો ઘરની જુની વસ્તુઓ, ફર્નિચર બારીમાંથી બહાર ફેંકી દે છે, લોકો ધાબળા અને ગાદલા પણ ફેંકે છે !! ઇસ્ટોનિયામાં નવા વર્ષે સાતવાર ભોજન કરવાની, બ્રાઝિલ જેવા દેશોમાં રંગબેરંગી આંતરવસ્ત્રો પહેરવાનો રિવાજ છે. અમેરિકામાં પ્રિયપાત્રને ‘સ્વીટ મિડનાઇટ કિસ’ કરવાની પરંપરા ચાલી આવી છે. ચિલી દેશનાં લોકો કબ્રસ્તાનમાં પૂર્વજો સાથે વાતો કરવાની લોકવાયકા સાથે ત્યાં નવું વર્ષ ઉજવે છે. જર્મનીમાં ‘ડિનર ફોર વન’ નામના શો યોજે છે. જે આખુ જર્મન જોવે છે. સ્કોટલેન્ડમાં અગ્નિના ગોળાની પુરૂષો પરેડ ભરે છે. મેક્સિકોમાં નવા વર્ષે ભૂત સાથે સંવાદ કરીને ઉજવે છે તો ફિલિપાઇન્સમાં પોલ્કા-ડોટ્સવાળા વસ્ત્રો નવા વર્ષે પહેરવા ફરજીયાત છે. ડેન્માર્કમાં નવા વર્ષે બીજાના ઉંબરે ડિશો તોડવાનો વિચિત્ર રિવાજ છે.