વિઘ્નહર્તા દેવના મહાઉત્સવનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે ભક્તજનો દ્વારા દુંદાળા દેવને પૂર્ણ ભક્તિભાવ સાથે વિદાય આપવામાં આવશે. “ગણપતિ અપને ર્ગાંવ ચલે કૈસે હમકો ચેન પડે” “પૂઢચ્ચા વરસી લવકરિયા” “આખરી દર્શન કરતા હું અબ મેં વિસર્જન કરતા હું” નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠશે. દશ-દશ દિવસ સુધી દાદાને લાડ લડાવ્યા બાદ ભક્તો દ્વારા કાલે પૂર્ણ ભક્તિભાવ અને આંખોમાં આંસુ સાથે બાપ્પાને આવતા વર્ષ વહેલા આવજો તેવી આજીજી સાથે વિદાય આપવામાં આવશે.
ભાવિકો દ્વારા પૂર્ણ ભક્તિભાવ સાથે આવતીકાલે ગજાનંદનું કરાશે પવિત્ર જળમાં વિસર્જન
ભાદરવા સુદ-ચોથથી ભાદરવા સુદ ચૌદશ સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં મહારાષ્ટ્રની માફક ગણેશોત્સવનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. વિવિધ સામાજીક અને સેવાકીય સંગઠનો દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સાથોસાથ ભાવિકો પણ પોતાના ઘરે દુંદાળા દેવની પાવનકારી પધરામણી કરે છે. દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે 11 દિવસ સુધી દાદાને ઘરે બોલાવી લાડ લડાવવામાં આવે છે. આજે ગણેશોત્સવનો અંતિમ દિવસ છે. આવતીકાલ સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બાપ્પાને ભક્તિભાવ સાથે વિદાય આપવામાં આવશે. નદી અને જળાશયોમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જન વેળાએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન ભક્તજનો પણ વિસર્જન વેળાએ સાવચેતી રાખે તે ખૂબ જ જરૂરી છે.
છેલ્લા થોડા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવાનું ચલણ વધ્યું છે. જેના કારણે ભાવિકો પોતાના ઘેર જ મૂર્તિનું વિસર્જન કરી દે છે. કાલે શુભ મુહુર્ત આવતા વર્ષ બાપ્પા વહેલા પધારજો. સર્વ જીવોનું કલ્યાણ કરજો તેવી અરજ સાથે દુંદાળા દેવને વિદાય અપાશે.
શાસ્ત્રી રાજદીપભાઇ જોશીના જણાવ્યાનુસાર ગણેશ વિસર્જન છે. ગણેશ વિર્સજનમાં ગણપતી દાદાનું પૂજન કરવું બન્ને ગણપતિ દાદાને ચાંદલો, ચોખા કરી નિત્ય પૂજા ના દાદા ની ઉપર જળ થી અભિષેક કરવો ત્યાર બાદ બને ગણપતિ દાદા ને નાડાછડી નું વસ્ત્ર તથા જનોઈ અર્પણ કરવી અબીલ- ગુલાલ – કંકુ ચડાવી ફુલ તથા દુર્વા ચઢાવી દાદાને નૈવેધ ધરાવું ત્યાર બાદ દાદા ની આરતી ઉતારવી અને દાદાની ક્ષમા યાચના માંગવી, અને ત્યાર પછી જે નિત્ય પૂજા ના ગણપતિ દાદા આગળ રાખેલા છે તેને ઘર ની પૂજા મા મૂકવા અને વિસર્જન ના ગણપતિ દાદા ને આખા ઘર માં ફેરવી જે વિસર્જન માટે જગ્યા નિર્ધારિત કરેલ છે ત્યાં જઈ અને વિસર્જન કરવું અથવા તો માટીના ગણપતિ દાદા હોય તો ગણપતી દાદાના વિર્સજન માટે એક પાણી ભરેલા ટબ મા ઘરના ફળીયામાં પાણી ભરેલ ટબ રાખી અને તેમા પધારવા. ત્યારબાદ સંપુર્ણ મુર્તિ ઓગળી જાય એટલે તે પાણી આસોપાલવ અથવા પીપળે અથવા કાંટા વગરનાં ઝાળ મા પધરાવી દેવું. ગુરૂવારના શુભ મુર્હુતો સવારે શુભ 6.38 થી 8.08 ..સવારે ચલ લાભ અમૃત 11.06 થી 3.37 સાંજે શુભ 5.07 6.37 છે.