શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે. છ દિવસના મેળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 27 લાખથી વધારે ભક્તો માં અંબાના દર્શનાર્થે પહોચ્યા હતા. તેમજ છઠ્ઠા દિવસે પણ વિવિધ સંઘોનો મંદિરમાં અવિરત પ્રવાહ શરૂ જ છે. છઠ્ઠા દિવસે 4 લાખથી પણ વધારે ભક્તોએ દર્શન કર્યા હતા.

અત્યાર સુધીમાં 2500 થી વધુ સંઘ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા છે. ભાદરવી પૂનમના મેળાની બુધવારે પૂર્ણાહુતિ થશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અત્યાર સુધીમાં 27 લાખથી વધારે ભક્તોએ માતાજીના દર્શન કરી ચુક્યા છે. 15 સપ્ટેમ્બરને રવિવારના રોજ એક દિવસે સૌથી વધારે 6.48 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.

મેળાના છઠ્ઠા દિવસે આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી. સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના ગગન ભેગી જય નાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો.

ત્યારે ટ્રેડિશનલ ડ્રેસ સાથે નીકળેલો રાજકોટનો સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. છેલ્લાં 23 વર્ષથી આવી રીતે રાજકોટનો સંઘ અંબાજી આવીને મા અંબાનાં ધામે આવે છે. રાજકોટનો આ સંઘ 12મા દિવસે અંબાજી પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.