રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલિકાઓ તથા અન્ય 10 શહેરોમાં વેપારીઓએ ફરજિયાત કોરોનાની વેકિસન લઈ લેવા રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેની મૂદત આજે પૂર્ણ થઈ રહી છે. વેકિસન ન લેનાર વેપારી વ્યવસાયીક એકમો ખોલે તો તેની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જોકે હાલ રાજયભરમાં વેકિસનના જથ્થાની અછત હોવાના કારણે લક્ષ્યાંક મુજબ વેકિસનેશનની કામગીરી થઈ શકતી નથી. આવામાં 18 શહેરોમાં વેપારીઓ વેકિસન લેવાની મૂદતમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

વેકિસનના ડોઝ પૂરતા પ્રમાણમાં ન હોય મૂદતમાં 15 દિવસ વધારો કરાય તેવી સંભાવના

ગત 24મી જૂનના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં 18 શહેરોને રાત્રી કરફયુમાંથી મૂકિત આપી તમામ પાબંધી હટાવી લેવામાં આવી હતી જયારે રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલિકાઓ ઉપરાંત વાપી, અંકલેશ્ર્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભૂજ અને ગાંધીધામ સહિત કુલ 18 શહેરોમાં રાત્રી કરફયું સહિતની પાબંધી યથાવત રાખવામાં આવી હતી અને તેમાં થોડી છૂટછાટ આપવામા આવી હતી.

દરમિયાન આ 18 શહેરોમાં વ્યવસાયીક પ્રવૃત્તિ કરતા સંચાલકો, વેપારીઓ, માલીકો અને સ્ટાફ સહિત તમામે 30મી જૂન સુધીમાં ફરજીયાત વેકિસન લેવાની રહેશે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. જયારે અન્ય શહેરોમાં 31મી જૂલાઈ સુધીમાં વેપારીઓએ વેકિસન ફરજિયાત લેવાનો આદેશ જારી કરાયો હતો. જેમાં વેકિસન ન લેનાર વેપારી દુકાનો ખોલેતો તેની સામે ફોજદારી ફરિયાદ સુધી જોગવાઈ રાખવામાં આવી છે.

રાજયમાં છેલ્લા એક સપ્તાહથી વેકિસનના અપૂરતા ડોઝના કારણે વેકિસનેશનની કામગીરી પર વ્યાપક અસર પડી છે. સેન્ટરો ગણતરીની કલાકોમાં બંધ કરી દેવા પડે છે. આવામાં રાજકોટ સહિત જે 18 શહેરોમાં વેપારીઓએ ફરજીયાત વેકિસન લેવાના આદેશની મૂદતનો આજે છેલ્લો દિવસ છે.વર્તમાન સ્થિતિને જોતા તેમાં એક પખવાડીયા કે એક મહિનાનો વધારો કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.