- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દિલ્હી રવાના કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ: જૂની પેન્શન યોજના સંદર્ભ લેવાઇ શકે છે નિર્ણય
ચાલુ સપ્તાહે લોકસભાની ચૂંટણીની તારીખ થઇ જતાની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ જશે. ચૂંટણી પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંતિમવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે બપોરે વડાપ્રધાનને દિલ્હી રવાના કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના મંત્રી મંડળની બેઠક મળશે. જેમાં જૂની પેન્શન યોજના ફરી સંજીવન કરવા સહિતના નિર્ણયો લેવામાં આવી શકે છે.
સામાન્ય રિતે દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે. આવતીકાલે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કોઇ અગત્યના કામમાં રોકાયેલા હોવાના કારણે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે હોવા છતા કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાનને બપોરે દિલ્હી રવાના કર્યા બાદ બપોરે 4 કલાકે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક મળશે. જૂની પેન્શન યોજના સંદર્ભે રાજ્ય સરકારના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. આજે જૂની પેન્શન યોજના અંગે કોઇ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વ બજેટમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ અને જે પ્રોજેક્ટનું કામ પૂર્ણતાના આરે છે. તેનું આચાર સંહિતાના અમલ પૂર્વ લોકાર્પણ કરી દેવાની પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આચાર સંહિતા લાગુ થાય તે પૂર્વ સરકાર હરકતમાં આવી ગઇ છે.