ભાવિકો રાત સુધીમાં ભવનાથ પહોંચી જશે, કાલે વતનની વાટ પકશે
9 આજે દેવ દિવાળીના પાવન દિવસે ગરવા ગિરનારની ફરતે યોજાતી 36 કિલોમીટર લાંબી પરિક્રમા વિધિવત રીતે સંપન્ન થશે. જો કે, શ્રદ્ધા અને ભક્તિ સાથે સદીઓથી યોજાતી પરિક્રમા યોજવા બાબતે આ વખતે સરકાર અને તંત્ર દ્વારા છેલ્લે સુધી કોઇ નિર્ણય લેવામાં ન આવ્યા બાદ શ્રદ્ધાળુ, ભક્તોને બાદમાં પરિક્રમા કરવા દેવાની છૂટ અપાતા શ્રદ્ધા સાથેની આ વર્ષે યોજાયેલ લીલી પરિક્રમા આજે સંપન્ન થવા જઈ રહી છે. પરંતુ અનેક અગવડો અને કઠિન પરેશાની પરિક્રમાર્થીઓને ઉઠાવી પડી હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામી છે.
દેવપોઢી એકાદશીના દિવસથી દર વર્ષે ગરવા ગિરનારને ફરતે 36 કિલોમીટર લાંબી પગપાળા લીલી પરિક્રમા યોજાય છે, જેમાં 10 લાખ જેટલા લોકો જોડાતા અને તેમના માટે ઉતારા મંડળ તથા સેવાકીય, સામાજિક સંસ્થાઓ, સાધુ-સંતો દ્વારા ભોજન તથા રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ લીલી પરિક્રમા બંધ રાખવામાં આવતી હતી.
જો કે ગત વર્ષે તંત્ર દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા માટે 25 પ્રતિનિધિઓને આ પરિક્રમા કરવા દેવામાં આવી હતી અને આ પરિક્રમા દરમિયાન 36 કિલોમીટર લાંબા રૃટ ઉપર બિરાજતા દેવી-દેવતાઓના પૂજન અર્ચન કરી, આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવી હતી.
દરમિયાન આ વર્ષે સરકાર દ્વારા છેલ્લે સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સરકારના નિર્ણયની રાહ જોઈ બેસી રહ્યો હતો ત્યારે અંત સમયે 400 સાધુ-સંતો-મહંતો ને આ પરિક્રમા કરવા દેવામાં આવે તેવી મંજૂરી આપવામાં આવી હતી અને પરિક્રમાના પ્રારંભ બાદ શ્રદ્ધાળુ, ભક્તોને પણ પરિક્રમાના રૂટ ઉપર પરિક્રમા કરવા દેવા જવામાં આવ્યા હતા. જોકે એ માટે પરિક્રમાર્થીઓને કોરોનાની હેડલાઇનનું પાલન કરવું ફરજિયાત હતું. પરંતુ પરિક્રમાર્થીઓ માંથી પ્રાપ્ત વિગતો અને ફરિયાદો મુજબ પરિક્રમા રૂટ ઉપર તંત્ર દ્વારા અગાઉથી પાણી, ભોજન અને રહેવા સહિતની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે પરિક્રમાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
એક વાત મુજબ પરિક્રમાના રૂટ ઉપર પાણીના બોટલના કાળા બજાર કરવામાં આવી રહ્યા હતા, તો બીજી બાજુ સાધુ-સંતો દ્વારા તાત્કાલિક પરિક્રમાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના કારણે પરિક્રમાર્થીઓને ભોજન પ્રસાદની સગવડ તો થઈ જવા પામી હતી પરંતુ પાણી માટે વલખાં મારવા પડ્યા હતા.દરમિયાન આજે દેવ દિવાળી નો પાવન દિવસે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે ગિરનારની ફરતે યોજાતી લીલી પરિક્રમા વિધિવત રીતે રાત્રિના સંપન્ન થશે. અને જે યાત્રાળુઓ પરિક્રમાના મારગે છે તેઓ આજે રાત સુધીમાં ભવનાથ ખાતે પહોંચી જશે અને ભવનાથ માં વિસામો લઈને આવતી કાલે પોતાના વતનની વાટ પકડશે.