ગૃહમંદિરોમાં પરિવાર સાથે મળી પૂજા-અર્ચના થઈ: શોભાયાત્રા, પારણા, હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો મુલત્વી: લીમડા અને ગુગળના ધૂપ સાથે ઘરના ખૂણાઓમાં કપૂરના દીવા કરાયા
ચૈત્રસુદ નોમ એટલે ચૈત્રી નવરાત્રીના છેલ્લા દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાથી રામજન્મની ઉજવણી કરવામાં આવે છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામે વંચિતો-નબળાઓને સાથે રાખીને રાક્ષસ રાજ રાવણ સામેનું યુદ્ધ જીત્યું હતું.
રામ નવમીના દિવસે સામાન્ય રીતે ધામધૂમથી ઉજવણી થતી હોય છે પરંતુ હાલ કોરોના નામના દૈત્ય દુનિયા ઉપર પ્રકોપ વરસાવી રહ્યો હોય આજે ભગવાન રામ પાસે આ પ્રકોપથી રક્ષણ મેળવવાની પ્રાર્થના લોકોએ કરી હતી.
નોંધનીય છે કે, હિન્દુધર્મના શાસ્ત્રો પ્રમાણે ઋષિ સંસ્કૃતિ ઉપર જયારે દૈત્ય શકિતઓનો દૂરાચાર વધવા લાગ્યો ત્યારે તેમનો નાશ કરવા માટે વિષ્ણુના સાતમા અવતારતરીકે શ્રી રામે પૃથ્વી પર અવતરણ કર્યું હતુ. રામનવમીનાં દિવસે અયોધ્યા સીતા સહિત સ્થળ ઉતરપ્રદેશ, સીતામઢી-બિહાર, જનકપૂરધામ, નેપાળ, ભદ્રાચલમ, તેલંગણા, કીદંહરામ મંદિર આંધ્રપ્રદેશ તથા તામિલનાડુના રામેશ્ર્વરમ્, સહિતના નાના મોટા નગરોમાં શોભાયાત્રા અને અયોધ્યાની સરયુ નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે.
ભારત સહિત અન્ય કેટલાક દેશોમા પણ રામલલ્લાના જન્મને ધામધૂમથી ઉજવવાની પૌરાણીક પ્રથા છે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિ લોકડાઉનને કારણે મંદિરો બંધ હોવાથી આ વર્ષ લોકો પોતાના ઘરે માત્ર પરિવારના સભ્યો સાથે રહી રામ નવમીની ઉજવણી કરી હતી.
ઉપરાંત આજે ગૂરૂપુષ્યામૃત યોગ બની રહ્યો હોવાથી લોકોએ પોતાના પરિવાર સાથે ઘરમાં રહી જપ, તપ, અને પૂજા માટે શ્રેષ્ઠ અવસર સાંપડ્યો હતો. હાલ કોરોનાના સંક્રમણને ટાળવા મંદિરો અને ધર્મસ્થાનો બંધ હોવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની શોભાયાત્રાઓ અને રામનવમીને લગતા હવન આદિ કાર્યક્રમો મુલત્વી રખાયા હતા. લોકડાઉનમાં રામમંદિરો બંધ હોવાથી લોકોએ ઘેર બેઠા ચેનલોના માધ્યમથી શ્રીરામના બાળસ્વરૂપના દર્શન પારણાના દર્શનનો લાભ મળ્યો હતો.
રામ રાજ્ય કેવી રીતે સ્થાપી શકાય ?
૧. વાતાવરણને શુદ્ધ કરવા કોલસાથી ઉર્જા મેળવવાના સ્થાને બિન પારંપરિક ઉર્જા તરફ વળવું.
૨. હવા, પૃથ્વી અને જળમાં ફેલાયેલા પ્રદુષણને ઘટાડવાના પ્રયાસો.
૩. પૃથ્વીના હવામાનને સતત સુરક્ષીત રાખવા પ્રયત્નો કરવા.
૪. વનસ્પિતિ આધારીત ખોરાકનો આગ્રહ રાખવો, પ્રાણી આધારીત ખોરોકથી દૂર રહેવું.
૫. માનવ વસ્તીના વિસ્ફોટને નિયંત્રીત કરવો.