રાજકોટ અને નલિયામાં બે દિવસ કોલ્ડવેવની આગાહી: રાજકોટનું લઘુત્તમ તાપમાન ૮.૫ ડિગ્રીએ પહોચ્યું
ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાથી રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની નીચે જવાની શક્યતા છે. જ્યારે રાજકોટ અને નલિયામાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી છે. જ્યારે આજે રાજકોટમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો છે આગામી બે દિવસ રાજકોટ અને નલિયામાં હાઝા ગગડાવતી ઠંડી પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલથી રાજકોટમાં સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનું પણ પ્રમાણ વધ્યું છે ત્યારે આજે વહેલી સવારે ૮:૩૦ કલાકે રાજકોટનું લઘુતમ તાપમાન ૮.૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮.૧ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજ ૫૯ ટકા અને ૬ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. નલિયામાં પણ લઘુતમ તાપમાનનો પારો ૮ ડિગ્રી નીચે પટકાયો હતો.ચાલુ વર્ષે સિઝનનો આજે સૌથી ઠંડો દિવસ છે. અગાઉ ૧૨ ડિસેમ્બરના રોજ ૧૦ ડિગ્રી નીચે પારો પટકાયો હતો અને હવે શિયાળાનો ફરી નવો રાઉન્ડ શરૂ થયો છે. આગામી બે દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે.ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે હિમ વર્ષાથી ઉત્તર ભારતના રાજ્યોમાં સરેરાશ તાપમાન પાંચ ડિગ્રી ગગડ્યું છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે ઠંડીને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લોકોએ તાપણાનો સહારો લીધો હતો.