બાન લેબ્સના નેજા હેઠળ મૌલેશભાઈએે આયુર્વેદ ક્ષેત્રે રાજકોટનું નામ દેશ-દુનિયામાં રોશન કર્યું છે
રાજકોટનો દરેક સમારોહ, દરેક નવું કામ જેની ઉપસ્થિતિ વગર અધૂરા લાગે એવા સર્વમિત્ર અને આયુર્વેદ ક્ષેત્રે રાજકોટનું નામ દુનિયાભરમાં પહોચાડનાર બાન લેબ્સના મલિક મૌલેશભાઈ ઉકાણી આજે 59 વર્ષ પુરા કરીને 60મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. બિઝનેસની આગવી સૂઝથી બાન લેબ્સને વિશ્ર્વની ટોચની આયુર્વેદ કંપનીઓમાં સ્થાન અપાવી દેનાર મૌલેશભાઈ તમામ સમાજના કામમાં પણ એટલા જ સહાયભૂત થતાં રહે છે.
મૌલેશભાઇ દર વર્ષે જન્મદિવસ દ્વારકાધિશના ચરણોમાં, દ્વારકામાં જ મનાવે છે એટલે આ પરંપરા મુજબ તેઓ ગઈકાલે જ દ્વારકા પહોચી ગયા છે. મૌલેશભાઇ હંમેશા દ્વારકાધીશને સાક્ષાત નજર સામે રાખે છે. એટલે જ જયારે બાન લેબ્સની સફળતા વિશે પૂછવામાં આવે ત્યારે તેઓ હસીને કહી દે છે કે આ કંપનીના માલિક તો દ્વારકાધિશ છે, હું તો એમનો કર્મચારી છું. ઈશ્ર્વરના કર્મચારી તરીકે કર્મ કરનાર માણસ કરતાં મોટો કર્મયોગી કોણ હોઇ શકે ?
સર્વ સમાજ માટે કૈક કરી છૂટવા સદા તત્પર રહેતા સખાવતના શહેનશાહ મૌલેશભાઈ અગણિત સંસ્થાઓ સાથે જોડાયેલા છે. દ્વારકા જગત મંદિરના શ્રી દ્વારકાધિશ મંદિર એડમિનીસ્ટ્રેટીવ સમિતિના બોર્ડ મેમ્બર, પાટીદાર સમાજના આસ્થા સ્થાન એવા સીદસરના શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાના ટ્રસ્ટી, સરદારધામ, વિશ્ર્વ પાટીદાર સેન્ટર, અમદાવાદના ટ્રસ્ટી, શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ ગાંઠીલાના ટ્રસ્ટી, ઊંઝા ઉમિયા માતાજી મંદિરના કમિટી મેમ્બર, ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ, વીવાયઓના પ્રમુખ, સૌરાષ્ટ્ર કીડની રીસર્ચ ઇન્સ્ટીટયુટ, રાજકોટના ટ્રસ્ટી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટી, સરગમ ક્લબ, રાજકોટના સેક્રેટરી, ક્લબ યુવી રાજકોટના ચેરમેન, લેંગ લાયબ્રેરીના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર-કચ્છ ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવીટી કાઉન્સીલના ઉપપ્રમુખ, ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ટ્રસ્ટી, પટેલ સેવા સમાજ, રાજકોટના ટ્રસ્ટી, ગુજરાત સ્ટેટ રોલ બોલ બેરીંગ એસોસીએશનના પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસીએશનના પ્રેસીડન્ટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટ, આરકે યુનિવર્સીટીના ગવર્નીંગ બોડી મેમ્બર સહીત 100થી વધુ સંસ્થાઓ અને એનજીઓ સાથે મૌલેશભાઈ સંકળાયેલા છે. કોરોના કાળમાં રેશન કીટ વિતરણ હોય કે હરિદ્વારમાં ગરીબોને મફત સાયકલ રીક્ષા આપીને પગભર કરવાનું કામ હોય, મૌલેશભાઈના હાથમાંથી દાનની સર્વની સતત વહેતી જ રહે છે. ગામડાઓમાં શાળાઓ બંધાવવાનું પવન કામ મૌલેશભાઈના હાથે થતું રહે છે. વિવિધ સંસ્થાઓ માટે મકાનો બનાવી આપવાની સખાવત હોય કે દ્વારકા અને સોમનાથમાં યાત્રાળુઓ માટે સમાજ બંધાવાનું કામ હોય, મૌલેશભાઈ છુટ્ટા હાથે સહાય આપતા રહે છે. વિવિધ ક્ષેત્રમાં અનેક એવોર્ડ મેળવવા છતાં તેઓ સદા હળવાફૂલ રહ્યા છે.
મૌલેશભાઇ એવી વ્યક્તિ છે, જેને મળતા જ સામેવાળો ખુશ થઇ જાય, ફ્રેશ થઇ જાય. ગમે ત્યારે મળો, તેમના મોં પર પહોળું સ્મિત હોય, ચહેરા પર આનંદ છલકતો હોય, અવાજમાં ઉષ્મા અનુભવાતી હોય, અંગ અંગમાંથી ઉર્જા નિતરતી હોય, હૈયામાંથી હુંફ ઉમટતી હોય, આંખમાં ચમક હોય અને પરમ શાંતિનું આભામંડળ હોય. મૌલેશભાઇને કયારેય કોઇએ નિસ્તેજ, મૂડલેસ, થાકેલા, કંટાળેલા કે ઉતાવળમાં નહીં જોયા હોય, આનંદ અને ઉત્સાહ તેમના સ્થાયીભાવ છે, શાંતિ તેમનો સ્વભાવ છે. તે પોતાના ભાવમાં જ સ્થિર રહે છે, તેમાંથી તેમને ડગાવવા માટે ન તો સંજોગો સક્ષમ છે કે ન કોઇ મનુષ્ય. તેમનું હાસ્ય કોઇ છીનવી શકતું નથી, તેમની ખૂશી કોઇ ખૂંચવી શકતું નથી.
મૌલેશભાઈ ઉકાણી- મૌલેશ પટેલ. આ નામથી ભાગ્યે કોઈ અજાણ હશે. ફકત રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં દેશ-વિદેશનાં બિઝનેશ હાઉસમાં આ નામ સતત ગુંજતું રહે છે, લોકો આ નામથી માહિતગાર છે. વળી, મૌલેશભાઈ પટેલથી રાજકીય પક્ષોનાં સામાન્ય કાર્યકરથી લઈ દેશનાં પ્રધાનમંત્રી પણ પરિચિત છે. મૌલેશભાઈને બધા ઓળખે, બધા અપનાવે અને બધા આદર આપે છે, કારણ કે મૌલેશભાઈ પટેલ એટલે ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમનો ત્રિવેણી સંગમ. સૌને માટે હંમેશા ખડેપગે રહેતું સેવાભાવી વ્યક્તિત્વ, ઉદાર અને નેકદિલ આદમી. તદ્દન બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા મૌલેશભાઈ પટેલ સફળતાને સર કરનાર છતાં સરળ બની રહેનાર ઈન્સાન છે. શાંત અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતા મૌલેશભાઈએ પોતાનાં પિતા ડાયાભાઈનાં વિચારબીજ સમી કંપની બાન લેબને આજે હેલ્થ એન્ડ બ્યુટી પ્રોડક્ટસ બનાવતી પ્રતિષ્ઠિત કંપનીઓની હરોળ સુધી પહોંચાડી છે જે તેમની સકસેસનું માઈલસ્ટોન છે. આનંદસહ ગૌરવની વાત એ છે કે, મેક ઈન ઈન્ડિયા મુવમેન્ટને વેગવંતુ બનાવનાર મૌલેશભાઈ પટેલ અનેક નવી પ્રોડક્ટ સાથે માર્કેટમાં આવ્યા છે. જેમાં હોઝિયરી, સ્ટેશનરી પ્રોડકટસ અને પરફ્યુમરી વગેરે જેવા ફિલ્ડનો સમાવેશ થાય છે. વર્તમાન વર્ષમાં જ મૌલેશભાઈ પટેલે પોતાના પુત્ર જયના રંગેચંગે લગ્ન કરાવ્યા છે જે લગ્ન પણ ટોક ઓફ ટાઉન બન્યા હતા અને દેશ-વિદેશમાં મૌલેશભાઈ પટેલના દીકરા જયના જાજરમાન લગ્ન સમારોહની નોંધ લેવાઈ હતી તેમજ આ સમગ્ર કાર્યક્રમને વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું.
મૌલેશભાઈ પટેલની એ મહાનતા છે કે તેઓ સંચાલન અને સફળતાનું જ્ઞાન આપતી હરતી-ફરતી યુનિવર્સિટી હોવા છતાં ‘ડાઉન ટુ અર્થ એન્ડ ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડિંગ’ પર્સનાલિટી ધરાવે છે. મૌલેશભાઈ પટેલ એટલે મજાના અને મળવા જેવા માણસ. તેઓ અજાતશત્રુ છે. સૌરાષ્ટ્રના ભામાશા તરીકેની ઓળખ ધરાવે છે. સીધુ-સાદુ નિરાભીમાની વ્યક્તિત્વ છે, જેમના હોઠ ઉપર સદાય જય દ્વારકાધીશનું નામ, મુખ ઉપર સદાય સ્મિત છે, જેમને મળવાથી એક નવી ઊર્જા મળે છે એવા ધરતીપુત્ર મૌલેશભાઈ રાજકોટ-સૌરાષ્ટ્રનું ગૌરવ છે. ઉદ્યોગ ઋષિ મૌલેશભાઈ માટે એવું જરૂર કહી શકાય- મંઝિલ ઉન્હી કો મિલતી હૈ, જીનકે સપનો મેં જાન હોતી હૈ. મૌલેશભાઈ પટેલને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.