રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર અમિત અરોરાનો આજે જન્મદિવસ છે. તા.12/10/1986ના રોજ જન્મેલા અમિત અરોરા આજે પોતાના યશસ્વી અને સફળ જીવનના 36 વર્ષ પૂર્ણ કરી 37માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. તેઓને રાજકોટના વિકાસના સારથી કહેવામાં આવે તો પણ જરાપણ અતિશ્યોક્તિ નથી કારણ કે મ્યુનિ.કમિશનર તરીકે તેઓના સવા વર્ષના કાર્યકાળમાં રાજકોટે અદ્વિતીય વિકાસ કર્યો છે.
2012ની બેંચના સનદી અધિકારી એવા અમિત અરોરાએ પોતાની કામગીરીનો પ્રારંભ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના આસિસટન્ટ તરીકે પાંચ સપ્ટેમ્બર-2014થી કરી હતી. તેઓ આ પદ પર 9/5/2016 સુધી કાર્યરત રહ્યા હતાં. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તેઓની બદલી બનાસકાંઠા જિલ્લાના વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી હતી. તેઓ 10/5/2016 થી 5/04/2018 સુધી બનાસકાંઠાના ડીડીઓ રહ્યા હતા ત્યારબાદ સુરતમાં રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલટી તરીકે તેઓએ સવા વર્ષ સુધી સેવા બજાવી હતી ત્યારબાદ તેઓની નિમણૂંક સુરત અર્બન ડેવલપ ઓથોરિટીના સીઇઓ તરીકે કરવામાં આવી હતી.
આ પદ પર તેઓ 11 મહિના સુધી કાર્યરત રહ્યા બાદ પંચમહાલ-ગોધરા જિલ્લાના કલેક્ટર તરીકે સપ્ટેમ્બર, 2019 થી જૂન-2021 સુધી સત્તારૂઢ રહ્યા હતા. તેઓની કામગીરીથી પ્રભાવિત થઇ રાજ્ય સરકાર દ્વારા ગત 24 જૂન, 2021ના રોજ તેઓની રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ છેલ્લાં સવા વર્ષથી રાજકોટના 31માં મ્યુનિ.કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ વિકાસના સારથી સાબિત થયા છે. તેમના નેતૃત્વમાં રાજકોટ મહાનગર પાલિકાએ ખૂબ જ વિકાસ સાધ્યો છે એટલું જ નહિં સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો દબદબો વધ્યો છે. તેઓ હમેંશા તમામ કામને ન્યાય આપે છે. કોર્પોરેશનના હાથ-પગ સમા કર્મચારીઓ માટે તેઓના મનમાં ઉચ્ચ ભાવના રહેલી છે.
વર્ષો સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થતા કર્મચારીઓ અને અધિકારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન અને અન્ય ભથ્થા મળી રહે તેવી વ્યવસ્થા તેઓએ શરૂ કરી છે. જેનાથી કર્મચારી આલમમાં તેઓની લોકપ્રિયતા ખૂબ જ વધી છે. અમિત અરોરા જીવનમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના અબતક પરિવાર પાઠવી રહ્યું છે. તેઓના મોબાઇલ નં.9714503701 ઉપર સવારથી શુભકામનાઓનો વરસાદ થઇ રહ્યો છે.