શિક્ષણમાં બાળકોને અપમાન, નિષ્ફળતા સ્વીકારતા શીખવાડો : રમેશભાઈ ઓઝા
પ્રકૃતિ પુરુષોત્તમને આધીન છે: ભાગવતમાં વસંત ઋતુની કથા નથી, કારણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં વસંત છે !
સદગુરુ દેવશ્રી રણછોડદાસજી મહારાજના આશીર્વાદ વચ્ચે પૂજય હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગોંડલમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલતી ૧૦૮ પોથીજી શ્રીમદ ભાગવત કથામાં રોજ હજારો ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે.
ગોંડલમાં આજે કથાના સાતમા દિવસે કથા સ્ટેજ પર સ્ટેજ પર ભુવનેશ્વર પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ, રાજકોટના ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ પંકજભાઈ રાવલ, સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્રના કચ્છના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા,રાજકોટ લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઇ પોબારી, ગોંડલનું ગૌરવ એવા જય વસાવડા, આણંદ પર સ્ટેટના દરબાર શ્રી જીતેન્દ્રભાઈ એમ. ખાચર તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતિ હેમા કુમારીબા,રાજકોટ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી વિગેરે મહાનુભાવોએ ભાઇશ્રીના આશીર્વચન મેળવીને ભાવપૂજન કર્યું હતું.
કથાએ આગળ ધપાવતા પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું હતું કે, આજ્ઞામાં રહે તે શબ્દ, પ્રકૃતિ પુરુષોત્તમને આધીન છે. બ્રાહ્મણોએ સાચું કહી શકે તેમ નિર્ભય બનવું જોઈએ. શ્રીમદ્ ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી. કારણ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ વસંત છે.સૂક્ષ્મની શક્તિ સ્થૂળ કરતા વધારે છે. પૃથ્વી કરતા જળ સૂક્ષ્મ છે.
શિક્ષણમાં વિદ્યાર્થી બાળકોમાં આત્મહત્યાના વધતા જતા બનાવો બાબતે દુ:ખ વ્યક્ત કરી પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું હતું કે, ભાર વગરનું ભણતર બનાવવા માટે વિદ્યાર્થીઓ સ્ટ્રેસ દૂર કરવો જોઈએ, અને આ માટે સમગ્ર ભારતમાં નવી શિક્ષણ નીતિ તૈયાર થઇ રહી છે અથવા કરવી જોઈએ, ખાસ કરીને શિક્ષણ દરમિયાન અપમાન અને નિષ્ફળતા સ્વીકારવાની વાત બાળકોને શીખવવાની જરૂર છે. જીવનમાં હાર જરૂરી છે, હારથી શીખવાનું હોય છે. નિષ્ફળતા સફળતાની સીડી છે. પ્રભુ રોવડાવે તેમ રસ્તો પણ દેખાડે, ભૂલ સ્વીકારે તેને જ ઇન્શાન કહેવાય.
ભાવિકો-શ્રોતાઓમાં રમુજની પળો ફેલાવતા ભાઇશ્રીએ જણાવેલ કે સંસાર ચક્રમાં સુખ-દુ:ખ આવ્યા કરે, પણ ૨૧ મી સદીનો મહામંત્ર છે કે “હાલ્યા કરે” તે બોલતા શીખી જવું જોઈએ. કથામાં વધુ ભાઇશ્રીએ જણાવ્યું હતું કે, કથા ફિટ કરવા માટે છે, સમય બગાડવા માટે નથી, કારાગૃહમાં સ્વતંત્રતા નથી, ગૃહમાં સ્વતંત્રતા છે. સંસારરૂપી ગૃહને આપણે કારાગૃહ સમજી બેઠા છીએ એટલે તકલીફ થાય છે.
દેશમાં વધી રહેલા ભષ્ટ્રાચાર બાબતે ચિંતા કરતા ભાઇશ્રીએ જણાવ્યું હતું કે, રાજા અને સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ખાનારો ડરે, સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે પણ ગેરરીતિ અટકવી જોઈએ, દેશનો એક એક રૂપિયો બુદ્ધિથી અને નિષ્ઠાથી વપરાય તો દેશ ક્યાંનો ક્યાં આગળ નીકળી જાય. પરિશ્રમને મહત્વ આપતા જણાવ્યું હતું કે પરસેવાની કાળી કમાણી કરનારને પ્રણામ છે. તેની સુગંધ જેવું બીજું કોઈ પરફ્યુમ નથી.આવા માણસ ઉપર કે તેની કમાણી પર કોઈ કુદ્રષ્ટિ કરે તેને કોઈ નરક ના સાચવે.
સંપત્તિ સંગ્રહ કરવા માટે નથી, સદ્દઉપયોગ કરવા માટે છે. ભજન એટલે સેવા, બને તેટલા સૌને ઉપયોગી થાઓ, કથા પ્રેરણા માટે છે માત્ર સાંભળવા માટે નથી. મહાપુરુષોના દર્શન જ ધન્યતા છે. અને આ ભાગ્યશાળીને જ મળે. રામનામથી મોટો બીજો કોઈ પરચો નથી, ભાગવત કથાનું શ્રવણ કરી દુર્ગુણોથી દૂર થાઓ. વેપારીઓને શીખ આપતા ભાઇશ્રીએ જણાવેલ કે, ગ્રાહકમાં ભગવાન બેઠો છે, વેપારીનો વેપારીનો ભાવ પણ ભગવાનનું ભજન છે.પુસ્તકોના વાંચન વિષે જણાવ્યું હતું કે દરરોજ ૧ કલાક સદ્ ગ્રંથોનું વાંચન જરૂરી છે. લાઈબ્રેરી વગરનું ઘર એટલે મગજ વગરનો માણસ.
કથા સમાપન પહેલા કથાના મુખ્ય મનોરથી ચેતેશ્વર પુજારાના મિત્ર જયદેવભાઇ ઉનડકટ (પોરબંદર), જાણીતા શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડ, ભજનિક નારણભાઇ ઠાકર (જેતપુર), મારુતિ કુરિયર વાળા મોહનભાઇ મોકરિયા અને તેમના પત્ની શોભાબેન મોકરિયા, વડોદરાના રામકૃષ્ણ તિવારી, રાજેશભાઈ જટાણીયા અને પ્રદીપભાઈ જટાણીયા અને ફૂડ એન્ડ ડ્રગના દે.કમિશ્નર એચ.એલ.રાવત વિગેરેએ પૂજ્ય ભાઈશ્રીનું ભાવપૂજન કરવાનો લ્હાવો લીધો હતો.
ગીતાજી પર પ્રવચન અપાયું
ગઈકાલે મંગળવારે સાંજે મંગળવારે શ્રી રામ મંદિર દ્વારા આયોજિત ભાગવત કથા આયોજનમાં સાંજે ૫-૦૦ વાગ્યે કથા મંડપમાં પ.પૂ.ગુરુદેવ શ્રી હરિચરણદાસ મહારાજશ્રી અને પૂ.શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રી વ્યાસપીઠ પરથી ગીતાજી અને ઈશ્વર સત્સંગ વિષય પર પ્રવચન આપ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. જ્યારે આચાર્ય જગદીશભાઈ શાસ્ત્રી તેમજ નિખિલભાઇ શાસ્ત્રીદ્વારા સાંજે સુંદર કાંડના પાઠ પણ કરાયા હતા.