લાંબો ડગલો મુછો વાંકડી, શીરે પાઘડી રાતી બોલ બોલતો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી…
ઉત્તરે ઈડરિયો ગઢ ભલો, દખ્ખણે દરિયાની અમીરાત, ખમીર જેનું ખણખણે એ છે ધમધમતું ગુજરાત
ખમીરવંતુ ગુજરાત અનેક આફતોનો સામનો કરીને આજે પણ અડિખમ: હિંમત, શૌર્ય અને બુદ્ધિ ચાતુર્ય ધરાવતા ગુજરાતીઓએ દેશ-વિદેશમાં ડંકો વગાડી ગુજરાતને વિશ્ર્વના નકશામાં ઉપસાવ્યું છે
૧ મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. ૧૯૬૦ની સાલમાં મુંબઈ સહિતનાં મહારાષ્ટ્રમાંથી અલગ પડેલું ગુજરાત ૬૦ વર્ષનું થયું છે. આ વર્ષોમાં ગુજરાત પર અનેક પૂર, વાવાઝોડા, દુષ્કાળ, ભૂકંપ જેવી કુદરતી તારજીઓ અને હળતાળ, બંધ, રમખાણો, આંદોલનો જેવી માનવસર્જિત આફતો આવી છે. આમ છતાં આ રાજ્યની સ્થાપનાકાળથી શરૂ થયેલી વિકાસયાત્રામાં દેશ-દુનિયામાં ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે. ગુજરાત એટલે એકતા, અસ્મિતા, કલા-સંસ્કૃતિ અને ઉદ્યોગની પટભૂમિ. કવિ નરસિંહ મહેતા, નર્મદ, કલાપી, કાંત, મેઘાણી-મુન્શીથી લઈ દયાનંદ સરસ્વતી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું જન્મ અને કર્મ ક્ષેત્ર ગણાતું ગુજરાત પાણી અને પ્રતિષ્ઠા માપવાના ક્ષેત્રમાં હંમેશા અવ્વલ રહ્યું છે. ગુજરાત અને તેની પ્રજા જાણીતી છે એની ઉદારવૃત્તિ અને અનુદાન માટે.. આથી જ પારસીથી લઈ દેશી-વિદેશી-ઉત્તરપ્રદેશીઓએ ભગવાન શ્રી કૃષ્ણની જેમ અંતિમ વિસામો આ પશ્ચિમ ભારતનાં ગુર્જર પ્રદેશે લીધો છે. વેપાર-વ્યવસાય, રાજનીતિ, ખેલ, આયાત-નિકાસ, કૃષિ ઉત્પાદનથી લઈ અઢળક પ્રકારનાં વિવિધ ક્ષેત્રોમાં આ રાજ્ય પોતાની આગવી ઓળખ ધરાવે છે. આથી જ સૌ માટે ગુજરાતમાં રહેવું અને ગુજરાતી કહેડાવવું એ ગૌરવપ્રદ બાબત બની રહી છે.
મહારાષ્ટ્રમાંથી અલગ ગુજરાત રાજ્યનું વિભાજન ઈ.સ. ૧૯૬૦ની ૧લી મેનાં રોજ કરવામાં આવ્યું હતુ. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું વિભાજન બે ભાષાઓના આધારે કરવામાં આવ્યું હતુ. એક ગુજરાતી બોલતા પ્રદેશોનું ગુજરાતમાં અને મરાઠી બોલતા પ્રદેશોનું મહારાષ્ટ્રમાં એમ બે રાજ્યોનું અસ્તિત્વ ઉભુ કરવામાં આવ્યું હતું. પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ ખૂબ જ રોમાંચક છે.
પ્રાચીન ગ્રથોમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરીને વસાવી હતી. આ મૂળ નગરી જે કૃષ્ણએ વસાવી હતી તે તો કહેવાય છે કે સમુદ્રમાં ગરક થઈ ગઈ જેના પુરાવા જામનગર જિલ્લામાં સમયાંતરે મળતા રહે છે. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.
ગુજરાતનાં ૬૦માં સ્થાપના દિવસ નિમિત્તે એટલું જરૂર કહી શકાય કે, એક તરફ ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયમાં જ્ઞાતિ, સંપ્રદાય અને પ્રદેશવાદ સહિત ભ્રષ્ટાચાર અને ગુન્હાઓનું પ્રમાણ વધ્યું છે. શાસકો પ્રત્યે પ્રજામાં અસંતોષની લાગણી જન્મી રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનાં પરિણામો પણ જવાબદાર છે કે ઈતિહાસ અને સાહિત્યમાં પ્રદર્શિત છે એવું ગુજરાત વર્તમાનમાં નથી તો બીજી તરફ ગુજરાત રોકાણકારોનું સ્વર્ગ બની રોજગારીની તકો અને આવકનાં સાધનો ઊભા કરતુ જઈ રહ્યું છે. ગુજરાત એડવાન્સ અને ગુજરાતીઓ મોર્ડન બન્યા છે. આ પ્રદેશની રહેણી-કરણીથી લઈ તમામ નાની-મોટી આદત, શોખ, ફેશન, ખાનપાન જેવી બાબતોમાં પરિવર્તન આવ્યું છે. અને અંતે તો ગુજરાત જેવું છે એવું ગુજરાતીઓ સહિત સૌને ગમે છે. ગુજરાતમાં વસવું અને ફરવું ગુજરાતીઓની જીવાદોરી છે. એકંદરે ગુજરાત વિકાસ પામી રહ્યું છે પણ વિકસિત ક્યારે અને કેમ થશે તે કહી ન શકાય. ગુજરાત અને દેશ-દુનિયાનાં ખૂણે-ખાંચરે જઈ વસેલાં ગુજરાતીઓને ગૌરવશાળી ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ.
ગુજરાતનો ઈતિહાસ ભવ્ય અને વર્તમાન વૈભવી છે
લોથલને વિશ્વના પ્રથમ બંદરોમાંનું એક ગણવામાં આવે છે જ્યારે એશિયાઈ સિંહોની એક માત્ર વસ્તી ધરાવતું ગીર જંગલ છે
પ્રાચીન ગ્રથોમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરીને વસાવી હતી. આ મૂળ નગરી જે કૃષ્ણએ વસાવી હતી તે તો કહેવાય છે કે સમુદ્રમાં ગરક થઈ ગઈ જેના પુરાવા જામનગર જિલ્લામાં સમયાંતરે મળતા રહે છે. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.
અક્ષરધામ :
ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. ત્યારપછી થોડો ઘણો ઈતિહાસ મોર્યવંશમાં મળી આવ્યો. મોર્ય પછી ગુજરાત પર કેથેલિસ્ટ અને મોર્ય વંશે શાસન કર્યુ. ત્યારબાદ મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ ક્ષેત્ર ગુર્જરદેશ તરીકે ઓળખાતું હતુ. આ સમય ગુજરાતનો સોનેરીકાળ હતો એવી પ્રાચીન માન્યતા છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું. યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.
ધોળાવીરા :
ગુજરાતના છેલ્લા શાસક કરણદેવ વાધેલા ઈ.સ ૧૯૨૭માં દિલ્હીના અલ્લાઉદ્દીન બિલ્જી સામે પરાજય પામતા ગુજરાતના શાસનનો અંત આવ્યો હતો. મહારાષ્ટ્રમાંથી અલગ થઈ નવા રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના ૧૯૬૦માં થઈ. તેને મુંબઈથી અલગ કરવામાં આવ્યું હતુ. હાલમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.
ગાંધી આશ્રમ :
ગુજરાત એક અનોખું અને અદ્વિતીય-બેજોડ રાજ્ય છે
અહીંયા સોમેશ્વર મહાદેવ અને નાગેશ્વર મહાદેવ સતત ભક્તોની રક્ષા કરે છે. દરિયાના કિનારે બેઠેલાં ભગવાન દ્વારિકાધીશ ગુજરાતીઓને સાચવે છે. તો ચોટીલાના ડુંગર પર ચામુંડા મા, ગબ્બર પર આદ્યશક્તિ મા અંબાજી, પાવાગઢમાં મા મહાકાળી, કોટડામાં મા ચામુંડા આ તમામ માતાજી ડુંગર પર બીરાજીની પોતાના બાળકોની રક્ષા કરે છે. તો આ સાથે જ મોગલમા, ખોડીયારમા, સધીમા, જોગણીમા, પરબના પીર, સત દેવીદાસ, જલારામ બાપા, ડાકોરના ઠાકોર, શામળાજીના શામળીયા ભગવાન, શિવશક્તિ આ તમામ ભગવાન માતાજીમાં આસ્થા ધરાવતાં ગુજરાતીઓની તાસીર બેજોડ છે. ગુજરાત સતત વિકસતું રહ્યું છે અને રહેશે. અહીં જ દેશને સ્વતંત્રતા અપાવવામાં મોટો ભાગ ભજવનાર મહાત્મા ગાંધીજી પણ જન્મે અને મોહમ્મદ અલી ઝીણાના વંશજો પણ અહીંના ઠક્કર પરિવારમાં પાનેલીમાં થયો હતો! ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો હોવાં જોઈએ તેની ચળવળના મુખ્ય નેતા ઈન્દુલાલ યાજ્ઞિક પણ ગુજરાતી અને તેનો વિરોધ કરનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતી. ગુજરાતમાં સરદાર પટેલ જેવા નેતા પણ થયાં અને ચીમનભાઈ પટેલ-નરેન્દ્ર મોદી પણ થયાં જેમણે દિલ્લી દરબારમાં ગુજરાતનું નામ ગૂંજતું અને સંભળાતું કર્યું. તેમાંથી સરદાર પટેલ વડા પ્રધાનપદ સુધી ન પહોંચી શક્યાં પણ નરેન્દ્ર મોદી પહોંચી ગયાં. હવે તો દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષના પ્રમુખ અમિત શાહ પણ ગુજરાતી.
લોથલ :
વિશ્વના સૌથી ૨૦ ધનવાન વ્યક્તિઓમાં સ્થાન પામતાં મૂકેશ અંબાણી પણ ગુજરાતી. ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ પણ ગુજરાતી. ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજી, કરશન ઘાવરી, ચંદુ બોરડે, સલીમ દુરાની, અંશુમન ગાયકવાડ, વિકેટ કીપર તરીકે જાવેદ મિંયાદાદ જેવા બેટ્સમેનને ચીડવનાર કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, અજય જાડેજા (જોકે તે ભારતીય ટીમમાં હરિયાણા તરફથી પ્રવેશ પામ્યો હતો), પાર્થિવ પટેલ, ઈરફાન પઠાણ, યુસૂફ પઠાણ, અક્ષર પટેલ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલહજુ પણ કેટલાંક નામો રહી ગયા હોય તો નવાઈ નહીં. હેમચંદ્રાચાર્ય જેવા સાધુએ ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ તૈયાર કર્યો. મૂકસેવક રવિશંકર મહારાજે ભટકેલા લોકોને માર્ગ પર પાછા લાવવાની સેવા કરી. પૂ. મોટાએ મૌન મંદિર સ્થાપ્યું. સ્વામી દયાનંદ સરસ્વતી જેમણે આર્ય સમાજ રચ્યો તેઓ પણ ગુજરાતી! જલારામ બાપા પણ ગુજરાતી. સંતો જેસલ તોરલ, પાનબાઈ, ગંગા સતી, બજરંગદાસ બાપા, પ્રમુખ સ્વામી, પણ ગુજરાતી. સ્વામીનારાયણ સંપ્રદાય પણ ગુજરાતમાં જ સ્થપાયો. આ સંપ્રદાયે દેશ-વિદેશમાં હિન્દુ ધર્મને પ્રસરાવ્યો છે.
રાણકી વાવ :
આજે મોરારીબાપુ યુએઈથી લઈને રોમ સુધી રામકથાને લઈ ગયા છે તો રમેશભાઈ ઓઝા ભાગવતના સારને દેશવિદેશમાં ફેલાવી રહ્યાં છે. ગુજરાતે હંમેશા ભારત દેશને દિશા બતાવી છે. ગુજરાતના રીત-રીવાજો, સાહિત્ય, લોકગીતો, બાળગીતો, લગ્નગીતો, કવિતાઓ, ગઝલો, હઝલો, નઝમો, આધ્યાત્મિક સ્થાનો, પ્રાકૃતિક સ્થળો, ઐતિહાસિક સ્થળો સહિત તમામ વસ્તુ ગુજરાત પાસે અદભૂત છે. આજે આપણને સહુને ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસથી લઈને તારીખ પહેલી મે ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ભારતના રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યાં સુધીના મહાગુજરાતીઓ જેવા કે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આદ્ય કવિ નરસિંહ મહેતા, ક્રાંતિવીર કવિ નર્મદ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ગુજરાતની અસ્મિતાનાં સ્વપ્નદૃષ્ટા કનૈયાલાલ મુનશી જેવા અનેક મહાનુભાવોનું સ્મરણ થઈ આવે એ સ્વાભાવિક છે. આપણી કળા અને સંત પરંપરાની વિરાસત સમા ગુર્જરરત્નો સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામિનારાયણ પરંપરાના સહજાનંદ સ્વામી, પ્રેમાનંદ, બાલશંકર, કવિ કલાપી અને કેટકેટલા સાક્ષરોએ ગુજરાતની ગરીમાને, સાંસ્કૃતિક પરંપરાને સિંચી છે, પોષી છે અને નવી નવી ઊંચાઈઓ બક્ષી છે. આપણી ધર્મધ્વજાના બે મહત્વના શિખર સમાન સોમનાથ જયોતિર્લીંગ અને દેવભૂમિ દ્વારકા અનેક પ્રચંડ આક્રમણોનો સામનો કર્યા પછી આજે પણ એટલાં જ ભવ્ય, દિવ્ય અને દેદીપ્યમાન રહ્યાં છે.
નર્મદા ડેમ :
પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા હતા
ઈ.સ.૧૯૬૦ના રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હેઠળ બૃહદ મુંબઈ રાજયનું વિભાજન થતાં ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ અને ૧૩૨ સભ્યો સાથે ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી. રાજ્યની પહેલી વિધાનસભાનું પ્રથમ સત્ર ૧૮ ઓગસ્ટ ૧૯૬૦ના અમદાવાદમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલના મોટા હોલમાં મળી હતી. ૧૯૭૦માં ગુજરાતનું પાટનગર ગાંધીનગર અસ્તિત્વમાં આવ્યું. વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજીભાઈ મહેતા હતા. ડો.જીયરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.
ગિરનાર :
કાઠીયાવાડ ગુજરાતનો સૌથી મોટો દ્વિપકલ્પ
દેશનાં ગુજરાત રાજ્યના પશ્ર્ચિમ કિનારે ૧૬૦૦ કિ.મી. (૯૯૦ માઈલ)નો વિશાળ દરિયો કિનારો છે. કાઠિયાવાડ સૌથી મોટો દ્વિપકલ્પ છે. ૬૦.૪ મિલિયન વસ્તી સાથે ક્ષેત્રમાં ભારતનું પાંચમું મોટુ રાજ્ય અને વસ્તી પ્રમાણે નવમું સૌથી મોટું રાજ્ય છે. ગુજરાતમાં રાજસ્થાનથી ઈશાન દિશામાં દાદરા અને નગર હવેલી અને દક્ષિણમાં દમણ અને દિવની સરહદે આવેલું છે. દક્ષિણ પૂર્વમાં મહારાષ્ટ્ર પૂર્વમાં મધ્યપ્રદેશ અને પશ્ર્ચિમમાં અરબી સમુદ્ર અને સિંધનો પાકિસ્તાન પ્રાંત છે. રાજધાની ગાંધીનગર છે. સૌથી મોટુ શહેર અમદાવાદ છે. ભારત દેશનું ગુજરાત રાજ્યની સ્થાપના ૧લી મે ૧૯૬૦ ૩૩ જિલ્લાઓ છે. ગુજરાતનો વિસ્તાર ૭૫૬૮૫ ચોરસ માઈલ છે.
રણોત્સવ :
આપણું રંગીલું રાજકોટ
ગુજરાત સાથે જ જોડાયેલું સૌરાષ્ટ્રનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક પાટનગર એટલે રંગીલું રાજકોટ. ગુજરાતની જેવડી નામના દેશ-વિદેશમાં છે એવડી જ રાજકોટની નામના ગુજરાત સહિત સઘળે છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ રાજકોટ શહેરનાં વિકાસને વેગ તો મળ્યો છે પણ આજે પણ આ શહેર મહાનગર કરતા મહાગામડાં તરીકે વધુ પ્રચલિત છે. ભારતની આઝાદીની અને ગુજરાતની સ્થાપનાની અર્ધી સદી બાદ આ શહેર એમ્સ હોસ્પિટલ જેવી સ્વાસ્થ સુવિધા અને જીવનદરમાં વધારો કરતી હોસ્પિટલ મળી છે, સુંદર બસપોર્ટ બન્યું છે, ઔદ્યોગીક વિકાસ સાથે રંગીલા રાજકોટનો ભવ્ય વિકાસ થયો છે. મેડિકલી રીતે સૌરાષ્ટ્રના હબ ગણાય રહ્યું છે.