સદગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાન્તિ આણી છે.જેવા અમરેલી જિલ્લાના તરવડા ગામમાં આ સંતનું અવતરણ થયું હતું.
ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના મહાન વચનસિદ્ધ સંત હતા. સદ્.બાલમુકુન્દદાસજી સ્વામી દ્વારા એેમની મુમુક્ષુતાનું પોષણ થયું હતું. તેમજ સદ્ગુરુ પુરાણથી ગોપીનાદાસજી સ્વામી અને સદ્ગુરુ સ્વામી નારાયણદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોની હૂંફી એ પરમહંસને પાંખો ફુટી.
સમર્થ સંતપુરુષોની શ્રદ્ધા પૂર્વકની સેવાથી એમના ઉપર આશિષોના અમૃત વરસ્યા. પરિણામે એમનું એકાંતિક ધર્મમય સંતજીવન ખીલી ઉઠ્યું અને ધર્મજીવનદાસજી નામ પણ સાર્થક થયું.
ઇ.સ.૧૯૪૫ માં બીજા વિશ્વયુદ્ધના કટોકટીભર્યા સમયમાં જુનાગઢ રાધારમણદેવની સાનિધ્યમાં યોજાયેલ ૨૧ દિવસના યજ્ઞથી સંપ્રદાયમાં એક નવી ચેતના પ્રગટી. યજ્ઞ સમાપ્તિ બાદ પ્રભુએ સર્જેલા સંજોગોમાં હિમાલયની યાત્રા દરમ્યાન ગુરુકુલ કરવાની પ્રેરણાએ સંપ્રદાયને સેવાની નવી ઉંચાઇઓ ઉપર લઇ જવાનો જાણે રાજમાર્ગ મળ્યો.
ગુરુકુલની સિદ્ધિઓથી પ્રેરાઇને અનેક ધર્માચાર્યો, સમાજસેવકો અને રાષ્ટ્રિય નેતાઓ આ સેવા કાર્ય તરફ વળ્યા. અને આજે સંપ્રદાયમાં ૧૭૦ ઉપરાંત ગુરુકુલો સ્થપાયા છે અને હજારો બાળકો આધુનિક શિક્ષણની સાથે સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યા છે.
વિશાળ દ્રષ્ટિવાળા આ સંતે જપયજ્ઞ, સ્પેશ્યલ યાત્રા ટ્રેન,બ્રહ્મસત્ર, ગંગા તટે સત્સંગ શિબિર જેવા મૌલિક કલ્યાણકારી આયોજનો કર્યા. સાથો સાથ જનહિતની સમયોચિત સેવાની અને દેશહિતની સદપ્રવૃતિ આદરી, આ રીતે સ્વામીજી, શ્રીજી મહારાજના સર્વજીવહિતાવહ સંદેશાને ચરિર્તા કરવા જીવનભર ઉત્સુક રહ્યા..
આજથી ૭૦ વર્ષ પૂ્ર્વે જ્યારે એમણે શૂન્યમાંથી સર્જન કરતા હોય તેમ ગુરુકુલના બીજ રોપ્યા ત્યારે કોઇ કલ્પના પણ નહોતી કે આ પ્રયોગ વટ વૃ્ક્ષ બની જશે.
ઘણા મહાપુરુષો પોતે જીવનકાળમાં ઘણું મહત્વનું પ્રદાન કરતા હોય છે. પણ મોટા ભાગ્યે તેમના પછી શૂન્યાવકાશ સરજાતો હોય છે. પરંતુ આ મહાન સંતવર્યે એવું સંસ્કાર ને સેવાપૂર્ણ વાતાવરણ સર્જ્યું, એવો વેગ લગાડી દીધો જેને કે લીધે તેમણે વહાવેલો સેવા પ્રવૃતિનો અને ભજન ભકિતનો પ્રવાહ એસજીવીપી ગુરુકુલના શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, મહંત દેવકૃષ્ણદાસજી સ્વામી, જ્ઞાનસ્વરુપદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, વગેરે સંતો દ્વારા અવિરત પણે તેમના ઉચ્ચ ધ્યેય પ્રમાણે સેવા યજ્ઞ ચાલુ છે.
તેમના માર્ગે આજે ૧૭૦ જેટલા ગુરુકુુલોમાં હજારો બાળકો સત્સંગના શુભ સંસ્કારો મેળવી રહ્યા છે. અષાઢી બીજ રથયાત્રાના પવિત્ર દિવસે, સદ્ગુગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧૨૦ મા જન્મદિન નિમિત્તે એસજીવીપી ગુરુકુલ પરિવાર દ્વારા પૂજ્ય સ્વામીજીને કોટિ કોટિ વંદન.