સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિધાનસભાના વિપક્ષીનેતા સુખરામ રાઠવા અને સંગઠન સહપ્રભારી જીતેન્દ્ર બધેલ રાજકોટમાં: ધ્વજ વંદન, મોક વિધાનસભા અને સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓની ચિંતન બેઠક
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી સત્તા વિહોણી કોંગ્રેસે રાજ્યમાં સત્તા સુખ હાંસલ કરવા માટે ગંભીરતાપૂર્વક તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જિલ્લાઓમાં ઝંઝાવાતી પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન આજથી બે દિવસ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં મનોમંથન કરશે. આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, સહપ્રભારી જીતેન્દ્ર બધેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ રાજકોટમાં ધામા નાખ્યા છે. સતત બે દિવસ સુધી વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો યોજાશે. આજે સવારે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સ્થાપના દિન નિમિતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના ટાગોર રોડ પર મોક વિધાનસભાનો આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસના 137માં સ્થાપના દિન નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કેટલાક સંગઠાત્મક કાર્યક્રમો આપવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા માટે ચૂંટણીલક્ષી વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છે. ગઇકાલે રાત્રે કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, સહપ્રભારી જીતેન્દ્ર બધેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. સવારે ઢેબર રોડ સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષના 137માં અને સેવાદળના 99માં સ્થાપના દિન નિમિતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ ટાગોર રોડ સ્થિત હેમુગઢવી ઓડિટોરિયમ ખાતે મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતાં.
ત્યારબાદ નાગર બોર્ડીંગ ખાતે સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાના સંગઠન હોદ્ેદારો સાથે ચિંતન બેઠક યોજવામાં આવી હતી. સવારે 11 કલાકે અમરેલી કોંગ્રેસ સમિતિ, 12 વાગ્યે જામનગર કોંગ્રેસ સમિતિ, બપોરે 1 કલાકે ભાવનગર કોંગ્રેસ સમિતિ, બપોરે 3 કલાકે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સાંજે 5 કલાકે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્ેદારો સાથે ચિંતન બેઠક યોજાઇ હતી.
દરમિયાન આવતીકાલે સવારથી ફરી ચિંતન બેઠકનો ધમધમાટ શરૂ થશે. જેમાં સવારે 11 કલાકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, 12 કલાકે મોરબી કોંગ્રેસ સમિતિ, બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગર કોંગ્રેસ, બપોરે 3 વાગ્યે કચ્છ કોંગ્રેસ અને સાંજે 4 વાગ્યે બોટાદ કોંગ્રેસ સમિતિના હોદ્ેદારો સાથે ચિંતન બેઠક યોજવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટેની વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના સંગઠન હોદ્ેદારો પાસેથી ચૂંટણીનો રોડ મેપ માંગવામાં આવ્યો હતો. તમામને જૂથવાદ ભૂલી ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગી જવા તાકીદ કરવામાં આવી હતી. બે દિવસીય બેઠકમાં વિધાનસભાની ચૂંટણી જ કેન્દ્રસ્થાને રહેશે અને ચૂંટણી જીતવા માટે મહામંથન કરાશે.