રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જાહેર સ્થળોએ સ્થાપવામાં આવેલા ધુમ્રપાન માટેના રૂમોની વ્યવસ્થાને દુર કરવા માંગ
રાજકોટ શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ૨ ઓકટોબર-૨૦૦૮ના દિવસે ભારતમાં ધુમાડારહિત તમાકુ ઉત્પાદનો સંબંધેના નિયમો અમલમાં આવેલ છે. અમલીકરણના ૧૨ વર્ષમાં સરકારે રૂ।. ૩૩ કરોડ નિયમોના ભંગ કરનારા લોકો પાસેથી વસુલ કર્યો છે જેથી અત્યારે જાહેર આરોગ્ય નિષ્ણાંતો, ડોકટરો, સમાજ સેવી સંસ્થાઓ અને આમ જનતાએ ભારતમાંથી સમગ્ર રીતે ધૂમ્રપાન હટાવી લેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે માંગણી કરી દેશને ૧૦૦ ટકા ધુમ્રપાન મુકત કરવાની વિનંતી કરી છે. રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, વોઈસ, ન્યુ દિલ્હી, જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ દ્વારા આ માંગણી આજરોજ કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન, સેક્રેટરી રાજેશભાઈ ભુષણ, જોઈન્ટ સેક્રેટરી વિકાસ શીલ, પરસોતમભાઈ રૂપાલા તથા મનસુખભાઈ માંડવીયા પાસે કરવામાં આવેલ છે. કેન્દ્રના જાહેર આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન પાસે લેખિતમાં માંગણી કરતા નલીની સત્યનારાયણ જે પોતે પણ ચેઈન સ્મોકર હોવાથી કેન્સરનો ભોગ બન્યા છે તેઓ કહે છે કે, નિષ્ક્રિય ધૂમ્રપાનને કારણે, હજારો સામાન્ય લોકો કે જેઓ ધુમ્રપાન નથી કરતા તેઓના આરોગ્યને સ્મોકીંગ કરનારાઓના કારણે મોટુ જોખમ ઉભુ થાય છે. જેથી ધુમ્રપાન માટેના રૂમો સત્વરે બંધ થવા જોઈએ. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને જાહેર આરોગ્ય નિષ્ણાંતો દ્વારા ભારત સરકારને અપીલ કરવામાં આવી છે કે, જાહેરમાં ધુમ્રપાન કરવાથી કોવિડ-૧૯ના દર્દીઓ વધતા જાય છે અને ધુમ્રપાન અટકાવવામાં નહીં આવે તો કોવિડના દર્દીઓમાં ભારતનું સ્થાન અગ્રતા ક્રમે આવવાનો ભય છે. આવા સંજોગોમાં સમગ્ર દેશને કટોકટીના ધોરણે તમાકુ મુકત બનાવી દેશની ૧૩૫ કરોડની આબાદીને બચાવવી જરૂરી છે.