શિસ્ત-ક્ષમા અને કરૂણાનો સંગમ એટલે શિક્ષક: વર્ગખંડના રાજા ગણાતા ટીચરને આજના યુગમાં ફરી માસ્તર બનવું જ પડશે: 1962થી દર વર્ષે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવાય છે: વિશ્ર્વભરમાં 5 ઓક્ટોબરે શિક્ષક દિવસ ઉજવાય છે
આ વર્ષની વૈશ્ર્વિક ઉજવણી થીમ “શિક્ષણ પુન:પ્રાપ્તિના હૃદ્ય પર શિક્ષકો” શિક્ષણનું પરિવર્તન શિક્ષકોથી જ શરૂ થાય છે: પૃથ્વી પર વસતા તમામ માનવીના જીવન બદલાવમાં શિક્ષકની ભૂમિકા અહંમ રહી છે
દુનિયામાં ભલે તે એક શિક્ષક હોય પણ તેના વિદ્યાર્થીઓ માટે તે એક હીરો છે: શિક્ષક બાળકને ભણાવતો નથી પણ તે તેને ભણતો કરે છે: આપણા જીવનને યોગ્ય માર્ગે લઇ જવામાં માસ્તરની ભૂમિકા મહત્વની
વિદ્યાર્થીના જીવન અને ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે, ચોમેર દિશાએ બાળકના વિકાસમાં સતત કાર્યરત ઘડવૈયો એટલે શિક્ષક. આજે શિક્ષક દિવસ છે એટલે છાત્રોના ગુરૂનો સન્માન અવસર. આજે શાળાઓમાં ગુરૂપૂજન કરી વિવિધ કાર્યક્રમો સાથે બાળકો પોતે ટીચર બનીને શિક્ષક દિન ઉજવે છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે રાજ્ય અને કેન્દ્ર લેવલે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના ભવિષ્યને શિક્ષિત કરવા અને માર્ગદર્શન આપવા માટેની તેમની પ્રતિબધ્ધતા બદલ શિક્ષકનો સન્માનનો પર્વ ઉજવવાનો છે. શિક્ષણએ કોઇ વ્યવસાય નથી પણ જીવનનો માર્ગ છે. શિક્ષકોનો નિશ્ર્ચય અને પ્રમાણિકતા રાષ્ટ્રના ભાગ્યને ઘડે છે. સમાજમાં સૌથી મહત્વનું પાયારૂપ કાર્ય શિક્ષક જ કરે છે.
તડકો-વરસાદ-ટાઢ-રોગચાળો જેવી ગમે તેવી કટોકટીમાં શિક્ષકો હમેંશા કાર્ય માટે આગળ આવે જ છે, તેનું કામ નિષ્ઠાથી કરે છે અને સૌથી અગત્યની વાત તે દેશના ભવિષ્યનું શ્રેષ્ઠ નિર્માણ કરે છે. બાળકોની વય કક્ષા મુજબ રસ-રૂચિ-વલણોને ધ્યાને લઇને તે બાળકનું શ્રેષ્ઠ ઘડતર કરી દેશના શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર કાર્ય કરે છે. 1962માં આ દિવસ પ્રથમવાર ઉજવવામાં આવ્યો હતો. વર્ષોથી ભારતીયો-શાળા-કોલેજ સંલગ્ન સંસ્થા રાષ્ટ્રીય પર્વની જેમ ઉજવણી કરે છે. આજે બધી શાળામાં વિદ્યાર્થી ખુદ શિક્ષક બનીને ઉજવણીમાં સામેલ થાય છે. શિક્ષક દિવસે શાળાની તમામ વ્યવસ્થા બાળકો દ્વારા જ સંચાલિત હોય છે. આ દિવસે છાત્રો પણ માસ્તર બનવાનો ગર્વ અનુભવે છે.
ચાણક્યનું એક પ્રખ્યાત વાક્ય “શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે ખેલતે હૈ” શિક્ષક પોતાના વર્ગખંડની ફૂલવાડીના વિવિધ કલર-ફૂલોને સતત હસતા રાખીને જીવનનાં પાઠો ભણાવે છે. તેના માટે તમામ વિદ્યાર્થીઓ એક સમાન હોય છે, બધાના કલ્યાણ સાથે બાળકોને સારા-નરસાની ભેદરેખા સમજાવે છે. વિદ્યાર્થીના જીવનને યોગ્ય માર્ગે લઇ જવામાં શિક્ષકની ભૂમિકાની ભેદરેખા સમજાવે છે. વિદ્યાર્થીના જીવનને યોગ્ય માર્ગે લઇ જવામાં શિક્ષકની ભૂમિકા અગત્યની છે. ડોક્ટર, વકિલ, અધિકારી, પોલીસ, ઉદ્યોગપતિ જેવા વિવિધ મહાનુભાવોનું નિર્માણ શિક્ષક જ કરે છે. દેશના ભાવિ નાગરિકો શ્રેષ્ઠ રીતે તૈયાર કરીને દેશ વિકાસમાં અતી મહત્વનો ફાળો આપે છે.
બાળકોને લક્ષ્ય આધારિત શિક્ષણ સાથે જીવનમૂલ્ય શિક્ષણ અને સ્કીલ બેઇઝ એજ્યુકેશન શિક્ષક આપે છે. બાળકોની છૂપી કલાને પ્રોત્સાહન આપીને તેને તે દિશામાં માર્ગદર્શન આપે છે. માતા જીજાબાઇનો જેટલો ફાળો છત્રપતિ શિવાજીના ઘડતરમાં હતો તેટલો જ ફાળો તેના ગુરૂ દાદા કૌંડદેવનો પણ હતો. આપણા જીવન ઘડતર માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર શિક્ષકોના ઋણને ક્યારેય ભુલવું ન જોઇએ.
જુના જમાનાથી ગુરૂ શબ્દ પ્રચલિત છે, ગુરૂકુળની ઋષી પરંપરા સાથે પણ આ શબ્દ વણાયેલો હતો. ગુરૂ બાદ માસ્તર શબ્દ શિક્ષકની માનાસ્તર સુધી જઇને કાર્યને માટે વપરાતો થયોને હવે તો શિક્ષક, ટીચર, સર, સાહેબ જેવા ઘણા શબ્દ પ્રયોજાય છે. નામ ફરતા ગયા તેમ તેના વસ્ત્રોમાં પણ પરિવર્તન જોવા મળતું આવ્યું છે. જુના કે આજના શિક્ષકોનું એક જ કર્તવ્ય કે બાળકોનું ઘડતર કરવું તેથી તેને ઘડવૈયા કહેવાય છે. ગુરૂ એવી વ્યક્તિ છે કે જે તેના જીવન દરમ્યાન હજારો છાત્રોની જિંદગીને ઉજાગર કરે છે. ગુરૂ શબ્દનો સંસ્કૃતમાં અર્થ અંધકાર દૂર કરનાર થાય છે એટલે જ કદાચ તેને સમાજમાં સર્વોચ્ચ મહત્વ સાથે આદર અપાય છે.
વિદ્યાર્થીના શિક્ષકમાં શિક્ષકનું મહત્વ વિશેષ હોય છે. નવી પેઢીઓને વધુ સારી દુનિયા નિર્માણ કરવા માટે છાત્રોને શિક્ષિત કરીને દેશને સુદ્રઢ બનાવે છે. શિક્ષક બધા વ્યવસાયોમાં શિક્ષકના વ્યવસાય પવિત્ર ગણવામાં આવે છે. શિક્ષકમાં બાળકના જીવનમાં પરિવર્તન લાવવાની તાકાત હોય છે, તે જ્ઞાન, મુલ્યો, સંસ્કૃતિ પરંપરા જેવી વિવિધ વાતો સાથે સારા ગુણો અને સુટેવોનું સિંચન કરિે છે. બાળકોને દરરોજ ભણાવતાની સાથે વ્યક્તિ મૂલ્યાંકન પણ કરીને તે તમામ પ્રકારે તેનું મોનીટરીંગ પણ કરે છે.
શિક્ષક એક સમુદ્ર જેવો છે તેનામાં જ્ઞાન અને પવિત્રતાનો એક આદરયુક્ત વાતો સાથેનો સરળ સ્વભાવ છે. તે અપૂર્ણને પૂર્ણ કરનારો છે. આજના યુગમાં શિક્ષકે સતત અપડેટ રહેવું પડે છે. શિક્ષકના શિક્ષણ કાર્ય અને વર્તનની અસર બાળક પર પડતી હોવાથી તેને વિશેષ કાળજી લેવી પડે છે. કોઇપણ બાળકની ક્ષમતા મુજબ મેળવવું હોય તો તેને ગુરૂનો સાથ અને માર્ગદર્શન જોઇએ જ. કોઇપણ ઇમારત તેના પાયા પર ટકતી હોય છે તેમ શિક્ષક વિદ્યાર્થીના પાયાને જ મજબૂત કરે છે. જેને કારણે એના ભવિષ્યની સફળતાની શ્રેષ્ઠ ઇમારત બની શકે છે. બાળકોના ભવિષ્યના નિર્માતા એટલે તેના શિક્ષક.
બાલમંદિરને પ્રાથમિક શાળાનું શિક્ષણ માણસોને આજે પણ યાદ રહે છે તેનું કારણ તેના શિક્ષકો દ્વારા પાયાની (બૂનિયાદી) કેળવણી ખૂબ જ પરફેક્ટ આપી હોય છે. પહેલા તો શિક્ષકોને ભણાવવા સિવાય બીજું કાંઇ કામ જ ન હોવાથી સારા પરિણામો મળતા પણ આજના યુગમાં શિક્ષકને બીજી ઘણી કામગીરીમાં જોડતા તે વર્ગખંડ પ્રત્યે સમય ઓછા ફાળવી શકતો હોવાથી ઘણીવાર ‘કોર્ષ’ પણ પૂર્ણ કરી શકતો નથી. વિશ્ર્વમાં તમામ દેશોમાં શિક્ષક દિવસ ઉજવાય છે પણ તેની તારીખ અલગ-અલગ હોય છે. જેમ કે થાઇલેન્ડમાં 16 જાન્યુઆરી, ઇરાનમાં 2 જૂને, તુર્કીંમા 24 નવેમ્બર, મલેશિયા 16મી મે એ ઉજવાય છે. યુનેસ્કો દ્વારા 1994થી વિશ્ર્વ ટીચર્સ ડેની ઉજવણી 5 ઓક્ટોબરે વૈશ્ર્વિક લેવલે કરાય છે.
વ્યક્તિના જીવનમાં શિક્ષણનું બહુ જ મહત્વ છે. કોઇપણ વ્યક્તિ શિક્ષણ વગર મંજીલે પહોંચી શકતો નથી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ શિસ્ત-સન્માન-ગુરૂ-શિષ્ય જેવો છે. 1966માં ટીંચીંગ ઇન ફ્રીડમ સંધિ પર હસ્તાક્ષર કરાયા જેમાં શિક્ષકોના અધિકાર, ફરજ, શિખવા, શિખવવાના નિયમ જેવી બાબતો પર વિચાર કરાયો બાદમાં 1977માં ફરી આ સંમેલન યોજાયું હતું. જેમાં ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલો શિક્ષકોની સ્થિતિ પર યુનેસ્કોએ વિચાર કરીને દર વર્ષે 5 ઓક્ટોબરે આ દિવસ ઉજવવાનું નક્કી કરાયું હતું.
પ્રાચિન કાળથી જ ‘ગુરૂ’ની પરંપરા
વિશ્ર્વમાં ક્યાંય શિક્ષણની વ્યવસ્થા ન હતી ત્યારે આપણા દેશમાં ગુરૂ-શિષ્યની પરંપરા સાથેની આશ્રમ શાળાને ગુરૂકુળ હતા. પ્રારંભે ગુરૂ અને પછી માસ્તર, સાહેબ, સર, ટીચર, મેમ જેવા ઘણા શબ્દો ચલણમાં આવ્યા છે, પણ ‘માં’ના સ્તર સુધી જઇને જે ભણાવે-શિખડાવે અને શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર કરે, તેજ સાચો માસ્તર કહેવાય છે. આજે પણ આપણને આપણાં પ્રાથમિક શાળાના શિક્ષકો યાદ આવે છે. તે કદાચ આપણને ન ઓળખી શકે પણ આપણે તો તરત જ ઓળખી જઇએ છીએ.