આજે શ્રાવણ મહિનાને અંતિમ દિવસ છે અને શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર છે. અને તેની સાથે જ આજે સોમવતી અમાસનો સંયોગ પણ છે. આજે અતિંમ સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ તથા પ્રાચીન શિવાલયના દર્શન કરવા જશે.
બીજી તરફ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોવા જઇએ તો શુક્રનું રાશિ પરિવર્તન થઇ રહ્યુ છે. જેને કારણે શ્રાવણી અમાસના સમયે ત્રણ ગ્રહો એક રાશિમાં અનુક્રમે કર્ક અને સિંહ રાશિમાં જોવા મળશે.
આ દિવસે પિતૃઓની કૃપા માટે તર્પણાદિ કરી શકાય છે. સાથે જ પીપળાનું પૂજન, ગાયને ઘાસચારો ખવડાવવાથી પણ પુણ્યોપાર્જન થાય છે.
આ દિવસે મહાદેવજીને ગાય, કાળાતલ, નિશ્રિત જળથી અભિષેક કરવો જોઇએ તેમજ ૧૦૮ બિલ્વપત્રાભિષેક પણ કરી શકાય છે.
અમાસના રોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દ્વારા શિવમહિમ્ન સ્ત્રોત, બિલ્વાષ્ટકમ, શિવમાનસપૂજા સહિતના શિવસ્ત્રોતનું પઠન પણ ખૂબ જ ઉત્તમ ફળદાયી બની રહે છે.
દેવાદિદેવ મહાદેવજીની પ્રસન્નતા માટે મોદક અર્પણ કરવામાં આવે છે. તેમજ આ દિવસે મહામૃત્યુંજય મંત્રનું પણ ૧૦૮ વખત શિવાલયમાં બેસીને જાપ કરવાથી આકસ્મિક મુશ્કેલીઓમા રાહત મળી શકે છે.