24 કલાક કોઈને સતત જાગતા રાખવામાં આવે તો તેની શારીરીક-માનસિક બૌધ્ધિક કાર્યક્ષમતા ઘટવા લાગે છે
70% બાળકો ઉંઘમાં વિલંબ કરે છે
ઉંઘ એ ભગવાને આપેલી અદ્વત રહસ્યમય ભેટ છે. માનવદેહ કુદરતની અનેક કમાલોનું અદ્ભૂત સ્થાયી પ્રદર્શન છે. જીવનની સૌથી મોટી જરૂરત હવા-પાણી-ખોરાક ઉપરાંત ઉંઘ છે. અન્ય જીવજંતુઓને પણ નિંદ્રા સિવાય ચલાવી શકતા નથી ! સરેરાશ, માનવી પોતાની જિંદગીનો ત્રીજો ભાગ નિંદ્રામાં સૂવામાં વિતાવે છે. સવારે સ્ફૂર્તિ સાથે જાગવા માટે દરેક વ્યકિતને પૂરતી ઉંઘ જોઈએ જ પરંતુ પૂરતી ઉંઘ શા માટે? જો પૂરતી ઊંઘ ન મળે તો ?!
ઉંઘને આત્માના સૂખના અનુભવ સાથે સરખાવવામાં આવે છે. ઉંઘ અને ભૂખ આગળ ગરીબ તવંગર કેઅભણ વિદ્વાનના ભેદ મટી જાય છે. કદાચ માણસ ભોજન વિના ચલાવી શકે, પણ નિંદ્રા વિના નહિ ઉંઘ જીવનની અતિ અગત્યની જરૂરીયાત છે. 19 માર્ચને વિશ્ર્વ ઉંઘ દિવસ તરીકે ઉજવાય છે. જીવનની આદર્શ ગુણવતા પ્રાપ્ત કરવા અને વૈશ્ર્વિક સ્તરે આરોગ્યને સુધારવા માટે નિયમિત ઉંઘના મહત્વ વિશે જાગૃતિ ફેલાવે છે.
પરંતુ તેમ છતાં દુનિયાભરમાં અનિદ્રાનો રોગ વ્યાપક બનતો જાય છે. ‘વર્લ્ડ બુક ઓફ એનસાઈકલોપીડિયા’ નોંધે છે કે નિંદ્રાનું એક સૌથી મોટુ કાર્ય આપણા ચેતાતંત્રને પૂન: તાજગીભર્યું કરવાનું છે. નિંદ્રા દરમ્યાન આપણા શરીરમાં એવા કેટલાક પરિવર્તનો થાય છે કે જેને લીધે આપણી રોગ પ્રતિકારક શકિત વધે છે. કેટલાક તબીબો નિદ્રાને, નગરમાં રાતે કામ કરતી એવી મેઈન્ટેનન્સ પ્રવૃત્તિ સાથે સરખાવે છે જે બીજા દિવસની પૂર્વ તૈયારીરૂપે રાત્રે નગરમાં બધુ સ્વચ્છ કરી નાખે, રિપેર કરી નાખે.
જો 24 કલાક સુધી કોઈને સતત જાગતા રાખવામાં આવે તો તેની શારીરીક માનસીક બૌધ્ધિક કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા માંડે છે. જો વ્યકિત ઉંઘ વિના ગાળે તો વ્યકિત એકાગ્રતા ગુમાવી બેસે છે. રોજબરોજનાં કામકાજમાં પણ વારેવારે ભૂલો પડે છે. ઉંઘ ન લેવાને કારણે સ્વભાવ ચીડીયો થઈ જાય છે. જલ્દી ગુસ્સો આવી જાય છે. વિચારશકિત મંદ પડી જાય છે, દ્રષ્ટિક્ષમતા ઘટી જાય છે, શ્રવણેન્દ્રિય મંદ પડી જાય છે. ચિતભ્રમ અને દ્રષ્ટિભ્રમ થાય છે. આમ માનસિક, બોધ્ધિક અને શારીરીક કાર્યો કરવાની ક્ષમતા લગભગ ખલાસ જ થઈ જાય છે જે હતાશ નિરાશામાં ધકેલાઈ જાય છે.
રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓને કયારેક કેટલાક દિવસો સુધી જાગતો રાખવામાં આવે છે અને એક પણ ઝોકુ ન આવે તેની તકેદારી રાખીને એને એવી અત્યંત દયનીય પરિસ્થિતિમાં મૂકી દે છે કે તે તરત જ બધી કબુલાત કરવા માંડે અપૂરતી ઉંઘને લીધે શરીરની રોગપ્રતિકારક શકિત ઘટે છે. દમ જેવા શ્ર્વાસનતંત્રના રોગને શરદી વગેરે રોગોનાં હુમલા તરત જ આવે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને હાઈબ્લડ પ્રેશર અત્યંત વધી જાય છે. કયારેક હૃદયરોગના હુમલા કે પક્ષાઘાતનાં હુમલાની શકયતા પણ વધી જાય છે. અપૂરતી ઉંઘ અનેક મનોરોગ ઉભા કરે છે.
ટી.વી.નો અવાજ, ટ્રાફીકનો અવાજ કે અન્ય કોઈ પણ ઘોંઘાટ કરતા અનિંદ્રાનું સૌથી મોટુ કારણ ચિંતા છે. દવાની આડઅસર, તાવ, દમ, શરદી, બ્લડ પ્રેશર જેવા કારણોને બાદ કરતા અનિંદ્રાનું કારણ ચિંતા અને લાગણીના આવેગો છે.
અનિદ્રાથી પેદા થતી હતાશાપ્રેક બેચેનીને દૂર કરવા લોકો ઉંઘની ગોળીઓનો ઉપયોગ કરે છે. પણ દુનિયાભરનાં ડોકટરો એની સામે લાલબત્તી ધરે છે. તબીબો કહે છે કે આજ સુધીમાં એવી એક પણ દવાની શોધ થઈ નથી કે જે તદન તંદુરસ્ત નોર્મલ ઉંઘનો અનુભવ કરાવે છે. નિદ્રાનો અનુભવ કરાવવાને બદલે ઉલટું બેચેનીનો અનુભવ કરાવે છે.
અનિદ્રાનાં પરિણામો ભયજનક છે, તેમ અતિનિદ્રા પણ ભયજનક છે. ચિતભ્રમ કે અર્ધ સ્વપ્નાવસ્થાનો અનુભવ થાય અને બરાબર જાગૃત રહી શકતું નથી.
લોકડાઉનમાં લોકોનાં જીવનમાં ઘણા ફેરફાર થયા છે. મોટાભાગની શારીરીક પ્રવૃત્તિઓ પરની પ્રતિબંધ અને સામાજીક એકલતાએ આ સંકટ દરમિયાન બાળકોનાં માનસિક અને શારીરીક સ્વાસ્થ્યમાં ખૂબ મોટી અસર કરી છે. જેમાંની એક છે ઉંઘનો અભાવ લોકોએ ટી.વી. અને મોબાઈલનો વપરાશ ખૂબ વધારી દીધો છે. જેને પરિણામે ઘણી બીમારીઓ આમંત્રીત થઈ છે. અને એમાની એક છે. અનિંદ્રા.
પરિવારના સભ્યોની આ ટેવ બાળકોમા પણ જોવા મળી રહી છે. પરિણામે બાળકો પણ આની આડ અસરોનાં ભોગ બની રહ્યા છે. નવજાત શિશુ 18 થી 19 કલાક સૂએ છે. જન્મ પછી શરૂઆતમાં પાંચ અઠવાડિયા સુધી સાત થી આઠ છૂટક છૂટક ગાળામાં તે ઉંઘ લે છે. જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય, તેમ તેમ ઉંઘનું પ્રમાણ ઘટતું જાય છે.
સર્વે મુજબ 60% બાળકો સૂતા પહેલા મોબાઈલ ગેજેટસનો ઉપયોગ કરે છે. પાછળા વર્ષની તુલનામાં સરેરાશ સ્ક્રીન ટાઈમ 300% વધ્યા છે. 70% બાળકો ઉંઘમાં વિલંબ કરે છે. જેના કારણે ઉંઘને લાગતી ઘણી સમસ્યાઓ થાય છે. જે તેમના નિયમિત જીવનને અસર કરે છે.