આજ સવારના ૮.૦૫ વાગ્યાથી કાલે ૮.૪૫ સુધી રહેશે પુષ્ય નક્ષત્ર
ખરીદી માટે ૩ શુભ યોગ સાથે ૭ શ્રેષ્ઠ મુહૂર્ત
સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે; વાહન, જમીન, મકાન, દાગીનાની ખરીદી માટે પુષ્ય નક્ષત્ર ઉત્તમ
આજે તા ૭ ને શનિવારના રોજ પુષ્ય નક્ષત્રનું વણજોયુ શ્રેષ્ઠ મુહૂર્ત છે. શાસ્ત્રો પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી સ્થાયી રહે છે અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.આજે સવારે ૮:૦૫ વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થાય છે . અને આવતીકાલે રવિવારે સવારે ૮:૪૬ સુધી રહેશે. દિવાળી પહેલાં ખરીદી માટે ૭ નવેમ્બરે પુષ્ય નક્ષત્રની સાથે ૩ શુભ યોગ છે. આ દિવસે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે. આ માટે શનિવારે રાતે ૧૨ વાગ્યા સુધી ૭ શુભ મુહૂર્ત છે. એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને સમૃદ્ધિ પ્રદાન કરનારી હોય છે.
આ નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ઉપયોગી હોય છે.એટલે જ આજના દિવસે લોકો જમીન , મકાન વાહન , દાગીના અને ઇલેક્ટ્રોનિક સહિતની ચીજો ખરીદે છે.પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુને માનવામાં આવ્યા છે અને શનિ આ નક્ષત્રના દિશા પ્રતિનિધિ માનવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુથી શુભતા, બુદ્ધિમત્તા અને જ્ઞાન મળે છે, જ્યારે શનિ સ્થિરતાનું પ્રતીક છે, આથી આ બંને યોગ મળીને પુષ્ય નક્ષત્રને શુભ અને ચિર સ્થાયી બનાવે છે.
આ વર્ષે પુષ્ય નક્ષત્રની સાથે શુભ, મિત્ર અને રવિયોગ
પુષ્ય નક્ષત્રનું વણજોયું મુહૂર્ત એટલા માટે પણ ખાસ બની ગયું છે, કારણ કે આ દિવસે સૂર્ય-ચંદ્રમાની સ્થિતિથી શુભ અને રવિયોગ બને છે, સાથે જ શનિવાર અને પુષ્ય નક્ષત્રના સંયોગથી મિત્ર પણ રહેશે. ગ્રહોની આ સ્થિતિને લીધે ખરીદીનું પર્વ વધારે ખાસ થઇ ગયું છે.
શ્રીયંત્ર, કુબેર યંત્ર, અને પૂજનના ચોપડા ખરીદવા ઉત્તમ
તહેવારો પૂર્વે ખરીદી માટે પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. જયોતિષ શાસ્ત્ર મુજબ આજના દિવસે શ્રીયંત્ર , કુબેર યંત્ર પૂજનના ચોપડા તેમજ સોના ચાંદીની ખરીદી ઉત્તમ રહેશે. ઉપરાંત આજે પુષ્ય નક્ષત્રની સાથે રવિ યોગનો પણ શુભ સંયોગ થતો હીવથી તમામ પ્રકારની ખરીદીઓ શુભ નીવડશે
૨૭ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર સર્વોત્તમ
શા માટે પુષ્ય નક્ષત્રને શ્રેષ્ઠ માનવામાં આવે છે? જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હિન્દૂ પંચાંગમાં ૨૭ નક્ષત્રોમાં ૮મુ નક્ષત્ર પુષ્ય નક્ષત્ર ગણાય. પુષ્ય નક્ષત્રનો સ્વામી ગુરુ મહારાજ છે. અને તે શુભતત્વના કારક છે. ઉપરાંત પુષ્ય નક્ષત્રમાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. તેમજ આ નક્ષત્રમાં દેવી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો હતો. વળી એવું પણ માનવામાં આવે છે કે શનિ અને ગુરુ મહારાજના કારણે પુષ્ય નક્ષત્રોમાં કરેલા કર્યો સ્થિર થાય છે.
૭ શુભ મુહૂર્ત
- સવારે ૮:૧૦થી ૯:૨૫ સુધી વાહન, ઘરેલુ ઉપયોગી વસ્તુઓ, તાંબાનાં વાસણ, ચલ સંપત્તિ
- બપોરે ૧૨:૧૦થી ૧:૨૫ સુધી ઘરેણાં, ઘર જરૂરિયાતનો સામાન, વાહન
- બપોરે ૦૧:૨૬થી ૨:૪૫ સુધી ચલ-અચલ સંપત્તિ, બચત અને રોકાણ
- બપોરે ૨:૪૬થી સાંજે ૪:૧૦ સુધી કપડાં, મીઠાઈઓ, ઘરેણાં, વાહન, પ્રોપર્ટી
- સાંજે ૫:૩૫થી ૭:૧૦ સુધી સોનું, ચાંદી, તાંબાનાં વાસણ, રત્નાભૂષણ
- રાતે ૮:૪૫થી ૧૦:૨૫ સુધી સોના-ચાંદીનાં ઘરેણાં
- રાતે ૧૦:૨૬થી ૧૨:૦૦ સુધીકમ્પ્યુટર, સ્ટેશનરી અને ઇલેક્ટ્રોનિક્સ