- મોટાભાઇ તરીકે સમજાવું છું, મજા નહીં આવે… આ રજૂઆત કરવાની યોગ્ય રિત કે સમય નથી તેમ કહી પારસ બેડિયા સહિતના આગેવાનોને ભગાડી દીધા
કોર્પોરેશન દ્વારા 532 પાર્ટ ટાઇમ સફાઇ કામદારોની ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વારસદારોને જ નોકરીમાં રાખવામાં આવશે તેવો નિયમ રાખવામાં આવ્યો છે. જેની સામે વિરોધ ઉઠ્યો છે. દરમિયાન આ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને મળવા અને રજૂઆત કરવા આવેલા સફાઇ કામદારોને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તગેડી મૂક્યા હતા. થોડીવાર માટે ભારે રકઝક થવા પામી હતી.
કેન્દ્ર સરકારમાં જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રથમ વખત રાજકોટની મૂલાકાતે આવ્યા હતા. સદસ્યતા અભિયાન અંતર્ગત શિતલ પાર્ક સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.આર.પાટીલના આગમન પૂર્વ પારસ બેડિયા સહિતના વાલ્મીકી સમાજના આગેવાન અને સફાઇ કામદારોનું મોટુ ટોળું શહેર ભાજપ કાર્યાલય ખાતે ધસી આવ્યું હતું. તેઓ પાટીલને મળી સફાઇ કામદારોની ભરતીના મુદ્ે રજૂઆત કરવા માંગતા હતા. દરમિયાન તેઓને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આંખ દેખાડી તગેડી મુક્યા હતા. પ્રમુખે પારસ બેડિયાને એવું કહ્યું હતું કે એક મોટાભાઇ તરીકે સમજાવું છું. સમજી જાવ પછી મજા નહી આવે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા હોય આ રિતે ટોળામાં રજૂઆત કરવી દેકારો કરવો યોગ્ય નથી. આજે દેકારો કરવો યોગ્ય નથી. આજે તો કોઇ રજૂઆત નહીં જ તેવું કહી દીધું હતું. પારસ બેડિયાએ જણાવ્યું હતું કે અમે પ્રદેશ અધ્યક્ષને મળવા ઇચ્છતા હતા અને સફાઇ કામદારોની ભરતી મુદ્ે રજૂઆત કરવાના હતા. પરંતુ શહેર ભાજપ પ્રમુખે અમને સમજાવ્યા હતા કે તમારી રજૂઆત સ્થાનિક હોય સાથે બેસી ફરિયાદોનો નિકાલ કરીશું. તેવી બાંહેધરી આપી છે. કાર્યાલય ખાતે હોબાળો કરવાની અમારી કોઇ જ ગણતરી નથી.
દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે પારસ બેડિયા અમારા ભાજપ પરિવારના સભ્ય છે. લોકશાહીમાં દરેક વ્યક્તિએ રજૂઆત કરવાનો અધિકાર છે.
મે તેઓની તમામ રજૂઆત સાંભળી છે. કેન્દ્રી મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલ પ્રથમવાર રાજકોટ ખાતે આવ્યા હોય ત્યારે આ રિતે ટોળાશાહીમાં આવી રજૂઆત કરવાની વાત યોગ્ય ન હોય તે એક મોટાભાઇ તરીકે પારસ બેડિયાને સમજાવ્યા હતા. મારો અવાજ કદાચ ઉંચો નીચો થઇ ગયો હશે. પરંતુ અમે એક જ પરિવારના સભ્યો છીએ. હું દિલથી પારસ બેડિયા સહિતના લોકોની માફી માંગી છે.
શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ મુકેશ દોશી અને પારસ બેડિયા વચ્ચે રકઝક ઝરી હતી.
જો કે, સમજાવટ બાદ ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. સફાઇ કામદારોની ભરતીમાં રાખવામાં આવેલા નિયમો સહિતના પ્રશ્ર્નો અંગે આગામી દિવસોમાં સાથે બેસી નિકાલ લાવવાની સહમતી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સફાઇ કામદારોની ભરતીના મામલે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. હવે જ્યારે કોર્પોરેશન દ્વારા 532 પાર્ટ ટાઇમ સફાઇ કામદારોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમાં વારસદારોને જ નોકરી પર રાખવામાં આવશે. તેવા નિયમ રાખવામાં આવ્યો છે. તેની સામે વાલ્મીકી સમાજમાં બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. હવે આ મુદ્ો ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયો છે.
પાટીલે મીડિયા સાથે વાતચિત કરવાનું ટાળ્યું
કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રી બન્યા બાદ ગઇકાલે પ્રથમવાર રાજકોટ પધારેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સદસ્યતા અભિયાન અંતર્ગતની બેઠક લેવા માટે રાજકોટ આવ્યા હતા. અલગ-અલગ ચાર કાર્યક્રમોમાં તેઓએ ભાગ લીધો હતો. પરંતુ એકપણ સ્થળે તેઓએ મીડિયા સાથે વાતચિત કરવાનું ટાળ્યું હતું. સદસ્યા અભિયાન અંતર્ગતની બેઠક અંગે પણ તેઓએ મીડિયા સાથે વાત કરી ન હતી. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિત સંગઠનની ટીમની તેઓએ પીઠ થાબડી હતી. ખૂબ સારૂં કામ કરો છો. હજી મહેનત કરો સદસ્યતા નોંધણીમાં સવાયો લક્ષ્યાંક હાંસલ કરો તેવી ટકોર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.