દુનિયાને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવનારા મહાન આધ્યાત્મિક અને સામાજિક નેતા એવા સ્વામી વિવેકાનંદની આજે 158મી જન્મજયંતી છે. સ્વામી વિવેકાનંદની યાદમાં દર વર્ષે 12 જાન્યુઆરીનાં રોજ યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
નાનપણથી જ તેજસ્વી બાળક નરેન્દ્ર દત્તનો જન્મ 12 જાન્યુઆરી 1863માં ભારતના કોલકાતાના એક કુલીન પરિવારમાં થયો હતો. ભવિષ્યમાં તે તેજસ્વી બાળક સ્વામી વિવેકાનંદ તરીકે જાણીતા થયા.
સ્વામી વિવેકાનંદ નાનપણથી જ ખૂબ જ તેજસ્વી અને ક્રાંતિકારી વિચારો વાળા હતા તેમને પોતાના વિચારો પર સફળ થવાની પ્રેરણા રામકૃષ્ણ પરમહંસ પાસેથી મળી હતી.તેઓ કોઈ પણ પુસ્તકના પેજ એક વારમાં જ વાંચી શકતા અને તેમાંનો કોઈ પણ શબ્દ ભૂલાતો નહિ એ તેમની આવડત હતી.
એક વાક્ય લીધે વિશ્વમાં પ્રસિદ્ધ થયા સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદને 128 વર્ષ પહેલા શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધીત્વ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.ત્યાં તેમણે ભાષણની શરૂઆત ‘મારા અમેરિકન ભાઈ-બહેનો’ સાથે કરી. આગામી થોડીક ક્ષણો માટે આખું ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગુંજતું હતું.તેમનું આ ભાષણ યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયક હતું.
સ્વામી વિવેકાનંદ હમેશાં યુવાનોને પોતાના વિચારો સાથે કેન્દ્રિત કરવા માંગતા હતા.તેમનું કહેવું એમ હતું કે જીવનમાં શિક્ષણ જરૂરી છે અને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે એકાગ્રતાની જરૂર છે અર્થાત્ યુવાનોએ પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખવો જોઈએ.એક ભાષણ દરમિયાન તેમના શબ્દો હતા કે જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી તમે ભગવાન પર પણ વિશ્વાસ કરી શકતા નથી.સ્વામી વિવેકાનંદે યુવાનો માટે એક સૂત્ર પણ આપ્યું હતું કે ‘ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’
આવા પ્રેરણાદાયી અને આધ્યાત્મિક નેતાએ 4 જુલાઈ 1902માં આપણાં વચ્ચેથી વિદાય લીધી હતી.સ્વામી વિવેકાનંદનાં ક્રાંતિકારી વિચારોનો વ્યાપ લોકોમાં પણ થાય તો માટે ઈ.સ 1984માં ભારત સરકાર દ્વારા 12જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરવામાં આવી.
યુવા દિવસ ઉજવવા પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને પ્રેરણા આપીને દેશનું સારું ભવિષ્ય નિર્માણ કરવાનો હતો કારણ કે યુવાનો જ ભવિષ્યમાં ભારતનો પાયો બનવાના છે તેથી તેઓ સ્વામી વિવેકાનંદના જીવનના આદર્શોથી પ્રેરિત થઇને પોતાનો અને દેશનો વિકાસ કરે. યુવાનોને જાગૃત કરવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય યુવા દિવસની શા માટે કરવામાં આવે છે ?
રાષ્ટ્રીય યુવા દિવસ અથવા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, રામકૃષ્ણ મિશનના કેન્દ્ર રામકૃષ્ણ મઠ અને તેમની શાખાઓમાં ખૂબ જ ઉત્સાહથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંગલ આરતી, ભક્તિના ગીતો, ધાર્મિક પ્રવચનો, સંધ્યા આરતી વગેરે કરવામાં આવે છે. શાળાઓ અને કોલેજોમાં પણ અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ઉપર ભાષણ સ્પર્ધા, ગીતો, નિબંધ લેખન વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.