29 ઓગસ્ટના દિવસે 1905માં હોકીના જાદુગર ધ્યાનચંદનો જન્મ થયો હતો, તેમના જન્મદિનને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે તેમનો જન્મ રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્યનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી.પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.
1927માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પણ પસંદગી કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં 10 મેચમાં કુલ 72 ગોલ કર્યા તેમાંથી અડધોઅડધ એટલે કે 36 ગોલ એકલા મેજર ધ્યાનચંદ દ્વારા કરવામાં આવ્યા હતા. ધ્યાનચંદે તેમને મળેલી દરેક તકનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો. તેના લીધે તેમની 1928માં નેધરલેન્ડના એમ્સ્ટરડમ ખાતે રમાનાર સમર ઓલમ્પિક માટે ભારતીય હોકી ટીમમાં પસંદગી કરવામાં આવી. તેમની હોકી સ્ટીકના જાદુના સહારે ભારતે ફાઈનલમાં નેધરલેન્ડને 3-0થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો.
આ ફાઈનલ મેચ નીહાળવા જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ હાજર હતો. તે પણ ધ્યાનચંદની રમતથી ખાસ્સા પ્રભાવિત થયા. મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો.
1956માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. જો કે આ મહાન ખેલાડીનું 1979ના ત્રીજી ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. તેમજ નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું.
ધ્યાનચંદ સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ :
- ધ્યાનસિંહ રાત્રે પ્રેક્ટિસ કરતા હતા, માટે તેમને સાથી ખેલાડીઓ દ્વારા ઉપનામ ‘ચાંદ’ આપવામાં આવ્યું.
- મેજર ધ્યાનચંદને બાળપણમાં હોકી નહી પણ કુશ્તીથી પ્રેમ હતો.એક વખત જ્યારે ધ્યાનચંદ એક મેચ દરમિયાન ગોલ ફટકારી નહતા શક્યા તો તેમને ગોલ પોસ્ટના માપ પર શંકા વ્યક્ત કરી હતી. અંતે તે સાચા હતા. ગોલ પોસ્ટ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ નિર્ધારિત ન્યૂનતમ પહોળાઇ નહતી.
- ધ્યાનચંદ 22 વર્ષ સુધી ભારત માટે રમ્યા અને 400 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા.
- ધ્યાનચંદનું 3 ડિસેમ્બર,1979માં દિલ્હીમાં નિધન થઇ ગયું. ઝાંસીમાં તેમના અંતિમ સંસ્કાર તે મેદાન પર કરવામાં આવ્યા જ્યા તે હોકી રમતા હતા.