પરિવાર, જ્યાં મનને હલકું કરવા, મનને આરામ આપવા રવિને વાટ ન જોવી પડેને એ છે પરિવાર. આ જ વાતને સાર્થક કરવા અને તેનું મહત્વ સમજાવવા દર વર્ષે વિશ્વ પરિવાર દિવસ મનાવવામાં આવે છે.
પરિવાર એ સૃષ્ટિનો પાયો છે. પરિવાર વગર માણસની કલ્પના પણ અધૂરી છે. દુનિયા હાલ જે કોરોનાકાળમાંથી પસાર થઈ છે એવામાં પરિવારનું મહત્વ વધી ગયું છે.
ખરેખર તો લોકડાઉનનાં સમયમાં જ લોકોને સમજાયું હતું કે માણસ આખી જિંદગી મહેનત કરીને રહેવા માટે જે ઘર બનાવે છે, જ્યાં સંસાર વસાવે છે એમાં રહેવાનો કે ઘરનાં લોકોને સમય આપવાનો તો એમની પાસે ખરેખર વખત જ નથી હોતો. પરિવારનું મહત્વ, નવા સંકલ્પો, તેના પ્રત્યે જાગરૂકતા, અને પડકારોને રેખાંકિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે અને પરિવાર બનાવવા માટે લોકોએ હળીમળીને રહેવું ખુબ જરૂરી છે. વિશાળ અર્થમાં કહીએ તો સમગ્ર વિશ્વ પણ એ પરિવાર છે. પૃથ્વી આપણા સૌ ની માતા છે અને આપણે તેનાં સંતાનો. વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવી ખુબ જરૂરી છે.
મતભેદોને મનભેદોમાં ન પરિણમીને શાંતિ અને એકતા જાળવીને રહેવું ખુબ જરૂરી છે કારણ કે, આખરે તો સૌનો નાશ નિશ્ચિત જ છે તો પછી દેશ દેશ વચ્ચેની લડાઈઓથી આપણે શું પામી રહ્યા છીએ ? કોઈનાં પર વેર રાખીને દુશ્મનાવટ કરીને કેટલે અંશે કોઈ સુખી રહી શકે છે ? આમાં અંતે તો માનવતાની હત્યા સિવાય કંઈ જ જડતું નથી.
જો આપણે જૂના યુગોની કે ધાર્મિક માન્યતાઓને આધારે પણ વાત કરીએ તો આજની જેમ પહેલા પણ પરિવારમાં વિખવાદ થતો હતો. રામાયણ અને મહાભારત બંનેમાં તેનાં ઉદાહરણો જોવા મળે છે, પરંતુ આધુનિક સમાજમાં પરિવારમાં વિખવાદને કારણે પરિવારનું તૂટવું સામાન્ય બની ગયું છેતો બે દેશોની તો વાત જ શું કરવી ! શાંતિ અને સમજદારીથી રહેવાથી માણસ તણાવમુક્ત રહી શકે છે અને એ દ્વારા સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી શકે છે.
એવા સમયમાં કોઈ એકલાપણું કે ડિપ્રેશનનો શિકાર પણ થતા નથી. જેથી સામાજિક સમસ્યાઓપણ સર્જાતી નથી. આથી જ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને હંમેશા જીવંત રાખવી જોઈએ.