આ વર્ષનું સુત્ર: ‘બેક સ્ટેન્ડ અપ ફોર હ્યુમનરાઇટ્સ’
વિશ્ર્વમાં 500થી વધુ ભાષાઓમાં માનવાધિકારની જાહેરાત ઉપલબ્ધ હતી: કોરોના વાયરસ સામે લડવા માટે આપણે સંયુક્ત પ્રયાસ કરવા પડશે: લિંગ સમાનતા, લોકભાગીદારીની જરૂર સાથે આબોહવા અને લાંબા ગાળાના ટકાઉ વિકાસ કરવા પડશે
અબતક અરૂણ દવે, રાજકોટ
માનવના જન્મ સાથે જ તેને કેટલા માનવ અધિકારો આપોઆપ મળી જતાં હોય છે. આજે માનવ અધિકાર દિવસ સમગ્ર વિશ્ર્વમાં ઉજવાય રહ્યો છે ત્યારે માનવીના મહત્વના અધિકારોનું હનન થતું જોવા મળી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે 10 ડિસેમ્બરે 1950ના રોજ આ દિવસની જાહેરાત કરી હતી. આ દિવસે વિશ્ર્વની 500થી વધુ ભાષાઓમાં તેની માહિતી ઉપલબ્ધ હતી.
છેલ્લા બે વર્ષના કોરોના રોગચાળામાં માનવીના અધિકારો વિષયક વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. કોરોના વાયરસ સામે લડવા માટે આપણે સંયુક્ત પ્રયાસ કરવો પડશે. લિંગ સમાનતા અને લોકભાગીદારીની જરૂરીયાત સામે આબોહવા અને લાંબાગાળાના ટકાઉ વિકાસ પર બધા દેશોએ સક્રિયતા દાખવવી પડશે.સમાજમાં સામાજીક-સાંસ્કૃતિક અને તેના ભૌતિક અધિકારોની જાગૃતિ લાવવા અને તેના કલ્યાણ માટેના વિવિધ કાર્યોની તાતી જરૂરીયાત છે. આ વર્ષની થીમમાં પણ સમાનતા, અસમાનતા ઘટાડવી અને માનવ અધિકારોને આગળ વધારવાની જરૂરિયાત છે.1948ની 10 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માનવીના અધિકારોના સર્વોભૌમ અધિકારોને અપનાવ્યા હતાં. આપણા માનવ સમુદાય માટે રંગ, ભેદ, ધર્મ, લિંગ, ભાષા અને રાષ્ટ્રીયતા જેવી વિવિધ બાબતોમાં ભેદભાવ કર્યા વગર તમામના અધિકારોનું રક્ષણ થાય તે જરૂરી છે.
આજે આપણાં દેશ કે વિશ્ર્વમાં માનવી પર કે સમાજ પર હિંસા, ભેદભાવના મામલા સામે આવી રહ્યા છે. જ્યારે લોકોની સ્વતંત્રતા તેમજ સમાનતા જોખમાય ત્યારે ઘણા પ્રશ્ર્નો ઉભા થાય છે. આપણા દેશમાં 28 સપ્ટેમ્બર 1993થી માનવ અધિકાર કાયદો અમલમાં આવ્યો અને 12 ઓક્ટોબર 1993ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના કરવામાં આવી હતી. આપણા ગુજરાત રાજ્યમાં પણ 2006 આની રચના કરાઇ હતી. આજના દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્ર્વનું ધ્યાન માનવ અધિકાર તરફ દોરવાનો છે. આજે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્થાપનાને આપણાં દેશમાં 28 વર્ષ થયા છે. આઝાદી પછી ભારતે સતત વિશ્ર્વને સમાનતા અને માનવાધિકાર સાથે જોડાયેલા વિષયો પર નવો દ્રષ્ટિકોણ આપીને નવી દૂરંદેશીતા આપી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ અને સૌના પ્રયાસના મૂળ મંત્ર એક રીતે માનવ અધિકારને સુનિશ્ર્ચિત કરવાની મૂળ ભાવના છે.
ભેદભાવ વગરનું માનવ જીવન જ માનવ અધિકાર દિવસની સાચી ઉજવણી
જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ, રાજકીય અથવા અન્ય અભિપ્રાય, રાષ્ટ્રીય અને સામાજીક મૂળ, સંપતિ, જન્મ અને અન્ય સ્થિતિ જેવા કોઇપણ ભેદભાવ વિના માનવીને પોતાનું જીવન મળી શકે તેવું વાતાવરણ નિર્માણ થાય ત્યારે જ માનવ અધિકાર દિવસની ઉજવણી સફળ ગણાશે.